Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મને પેન્શન ચાલુ નહીં કરાય તો ઉપવાસ પર ઉતરીશ : ૯૫ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીનો આર્તનાદ

રાજકોટ તા. ૨૧ : સાયકલ પ્રવાસીની નામના મેળવી ચુકેલ અને હાલ ૯૫ ની વયે પહોંચેલા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલે પોતાના પેન્શન પ્રશ્નનો હલ લાવવા કેલકેટરને પત્ર લખી ફરી વિનંતી કરી છે. તેઓએ જણાવ્યુ છે કે કોંગ્રેસના સમયમાં મે પેન્શનનો અસ્વિકાર કર્યો હતો. હું દેશભકિત માટે લડયો છુ. પેન્શન માટે નહીં. પરંતુ હવે પાછલી જીંદગીમાં ગુજરાત ચલાવવુ મુશ્કેલ બનતા મેં પેન્શનની માંગણી કરી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીને પણ ત્રણ વખત મળી ચુકયો છુ. અનેક જગ્યાએ અનેક વખત રજુઆતો કરી ચુકયો છુ. મેં સમાજ સેવા, શિક્ષણ સેવા, રાષ્ટ્ર સેવા કરી છે. મારો ભારતના નાગરિક તરીકેનો લોકસેવા સામાજીક કાર્યકર તરીકેનો સેવાધર્મ બજાવ્યો છે. તેની નોંધ લઇને રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર મને મારા હકકનું સ્વાતંત્ર્ય સેનાની તરીકે મને પેન્શન આપવા ઘટતુ કરે તેવી મારી નમ્ર વિનંતી છે. જો એવું નહીં થાય તો મારે ઉપવાસ પર બેસવાની જરૂર પડશે. તેમ અંતમાં સ્વાતંત્ર સેનાની અને દેશભરમાં સાયકલ પર ભ્રમણ કરી ચુકેલા મનસુખભાઇ પંચાલે જણાવ્યુ છે.

(3:26 pm IST)