Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

રાજકોટની ૩૮ મળી અમદાવાદ, સુરત, ભાવનગરની ૨૦૦ નકલી આર.સી. બૂક બનાવ્યાનું ઇર્શાદનું કથન

નકલી આર. સી. બૂકોને આધારે બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી લોન લઇ ધૂંબો મારી દેવાના કોૈભાંડમાં રિમાન્ડ પર રહેલા ભોલુગીરી અને ઇર્શાદની પુછતાછમાં ધંધુકાના ભૂમેશ શાહનું નામ ખુલતાં તેનો જેલમાંથી કબ્જો લેવાશે : વાહન હયાત ન હોઇ છતાં વીમા પોલીસી ઉતરાવતાં: તેના ચુકવણા રૂપે જે બેંકમાં બેલેન્સ ન હોય તેનો ચેક આપતાં: પેમેન્ટ ન મળતાં જે તે કંપની પોલીસી રદ કરી નાંખતી

રાજકોટ તા. ૨૧: લકઝરી બસોનું અસ્તિત્વ ન હોવા છતાં ખોટા એન્જીન-ચેસીસ નંબર ઉભા કરી ખોટી આર.સી. બૂકો બનાવી તેના આધારે તથા વિમા પોલીસીના આધારે જુદી જુદી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી કરોડોની લોન લઇ બાદમાં ધૂંબો મારી દેવાના કોૈભાંડમાં રિમાન્ડ પર રહેલા રાજકોટના ટ્રાવેલ્સ સંચાલક ભોલુગીરી અને સુરતના ઇર્શાદ ઉર્ફ ઇસુની પુછતાછમાં ત્રીજા એક મુખ્ય ભેજાભાજ ધંધુકા પંથકના ભૂમેશનું નામ ખુલ્યું છે. એ સાથે એવી વિગતો પણ ખુલી છે કે ભૂમેશે રાજકોટમાં ૩૮ બોગસ આર. સી. બૂકો તથા ભાવનગર, સુરત, અમદાવાદમાં મળી કુલ ૨૦૦થી વધુ નકલી આર. સી. બૂકો બનાવી લોન કોૈભાંડ આચર્યુ હતું.

 શહેરના ઢેબર રોડ નારાયણનગર-૧૨માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સહિતની સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જીન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી અધધધ રૂ. ૪ કરોડ ૬ લાખ ૨૦ હજારની ૨૮ લોનો લઇ બાદમાં બેંકોને ધૂંબો મારી દીધાના કોૈભાંડમાં એસઓજીએ ભોલુગીરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતાં ૨૬મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. તેમજ બીજા આરોપી  સુરતના ઇર્શાદ ઉર્ફ ઇસુ કાળુભાઇ પઠાણ (ઉ.વ.૪૧-રહે. રહેમત નગર વાલક પાટીયા, મકાન નં. ૨૧૩, હુન્ડાઇ શો રૂમ પાછળ સુરત, મુળ વતન મંગળશા પીરની વાડી પાસે જેતપુર)નો જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાને ૧ાા થી ૨ લાખમાં ભૂમેશ શાહ નકલી આરસી બૂક બનાવી આપતો હોવાનું રટણ કર્યુ હતું. તેને પણ કોર્ટમાં રિમાન્ડ માંગણી સાથે રજૂ કરવામાં આવતાં તેના૨૮મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે.

આ કોૈભાંડમાં રાજકોટની એચડીએફસી બેંકના સોૈરાષ્ટ્ર કચ્છના સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતાં જાગીર જયકરભાઇ કારીયા (ઉ.વ.૪૧)એ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦-બી મુજબ એચડીએફસી બેંક સાથે રૂ. ૫૩,૬૨,૪૨૮ની ઠગાઇ કરવા અંગે રાજકોટના ભોલુગીરી ગોસ્વામી, સુરતના ઇર્શાદ પઠાણ અને હોશાંગ ભગવાગર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઇર્શાદ ઉર્ફ ઇસુ પઠાણની પુછતાછ થતાં તેણે કબુલ્યું છે કે નકલી આર. સી. બૂકો મુળ ધંધુકાના તગડી ગામના ભૂમેશ રસિકલાલ શાહે બનાવી આપી હતી. ભૂમેશ પણ હાલ જેલમાં છે. ઇર્શાદે એવું પણ કબુલ્યું છે કે ભૂમેશે રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર માટે ૨૦૦થી વધુ આર. સી. બૂકો બનાવી આપી હતી. આટલી બૂકો પોતાના હસ્તક ગઇ હતી. ભૂમેશનો જેલમાંથી કબ્જો મેળવાવા બાદ વધુ વિગતો ખુલશે.

ઇર્શાદે કબુલ્યું છે કે બેંકમાં નકલી આર. સી. બૂક રજૂ કરતી વખતે જે વીમા પોલીસી આપતાં તે અસલી જ આપતાં હતાં. જેથી બેંકોને શંકા જતી નહિ. પરંતુ વીમા પોલીસીના ચુકવણા માટે જે તે વીમા કંપનીને ચેક આપતાં. આ ચેક જે બેંકમાં બેલેન્સ ન હોય એ બેંકનો આપતાં. સમય જતાં ચેક રિટર્ન થતો અને વીમા કંપની જે તે બસની પોલીસી રદ કરી નાંખતી હતી. આમ લોન માટે જરૂરી વીમા પોલીસી પણ મફતમાં બનાવી લેતાં હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, મોહિતસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, રણછોડભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(3:32 pm IST)