Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

અધિકારીઓ અનાથ બાળકોના ગાર્ડીયન બને

'બાળ સેવા યોજના'ના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક : અનાથ બાળકો આપણા જ બાળકો છે

રાજકોટ, તા. ૨૧ : ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન જે બાળકોના માતા - પિતાનું અવસાન થયેલ હોય તેવા બાળકો પ્રત્યે સંવેદના દર્શાવી તેમને સહાય કરવા 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' અમલી બનાવી છે. ત્યારે કોવીડના આ સમય દરમિયાન અનાથ બનેલા બાળકો આપણા જ બાળકો છે, એ સંવેદના સાથે પ્રત્યેક અધિકારીઓએ અનાથ બનેલા બાળકોના ગાર્ડીયન બની તેમને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ આજે યોજાયેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સમિક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતુ.

કલેકટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અનાથ બનેલા બાળકોના આરોગ્યની ચિંતા કરી તેમને સત્વરે અમૃતમ કાર્ડ આપવા તેમજ આવા બાળકોની સમયાંતરે આરોગ્ય ચકાસણી કરવા, RTE અંતર્ગત તેમને સારામાં સારૃં શિક્ષણ પ્રાપ્ત થાય તે મુજબની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતુ.

તેમણે જણાવ્યું હતુ કે, કોરોનાની વૈશ્વીક મહામારીના સમય દરમિયાન રાજયમાં માતા - પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથે લોન અને સહાય આપી તેમને હૂંફ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' અમલી બનાવવામાં આવી છે. ત્યારે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ તેમના વિભાગ હસ્તકની યોજનાનો લાભ લાભાર્થી તમામ બાળકોને મળી રહે તે માટેના કાર્યના વાહક બની સાચા અર્થમાં અનાથ બાળકોના પાલક બનવું પડશે.

આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુબેન વ્યાસે રાજકોટ જિલ્લામાં 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા - પિતા બન્ને ગુમાવનાર ૦ થી ૧૮ વર્ષની વયના બાળકોની કુલ ૭૦ અરજી મળી છે. જયારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા) નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા ૦ થી ૧૮ વર્ષની વયના ૩૭૦ બાળકો મળી કુલ ૪૪૦ બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે. આ અનાથ બાળકો પૈકી ૪૪ બાળકોને RTE અંતર્ગત કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અને તેઓની અરજી પણ ઓનલાઈન કરી આપવામાં આવી છે. આ બાળકો પૈકી પાંચ બાળકીઓને સુકન્યા સમૃધ્ધિ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી દિકરીઓના ખાતામાં દાતાશ્રીઓના સહયોગથી ૧૦,૦૦૦ રૂપિયા જમા કરાવવામાં પણ આવ્યા છે. આ ઉપરાંત પાંચ બાળકોને પાલક માતા - પિતા યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, અધિક કલેકટર આર.એફ.ચૌધરી, ડી.આર.ડી.એ. ડાયરેકટર જે.કે.પટેલ, પ્રાંત અધિકારીઓ  સિધ્ધાર્થ ગઢવી, ચરણસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવળા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, મદદનીશ શ્રમ આયુકત એ. કે. શિરોય સહિતના સબંધિત અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

(3:40 pm IST)