Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પતિને પત્ની અને દિયરે જ મોતને ઘાટ ઉતારી દીધો

પિતરાઇ દિયર અને ભોજાઇ વચ્ચેના આડાસબંધમાં કોટડા સાંગાણીના વાદીપરા ગામના અલ્પેશ બારૈયાનો ભોગ લેવાયોઃ અકસ્માતનો જણાતો બનાવ હત્યાનો નિકળ્યોઃ દિયર રાજેશ અને ભાભી શિલ્પાની ધરપકડ

રાજકોટ, તા., ૨૧: કોટડા સાંગાણીના વાદીપરા ગામે  આડા સબંધમાં નડતરરૂપ પતિને પત્ની અને તેના દિયરે જ મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતા ચકચાર જાગી છે. પોલીસે પતિની હત્યા કરનાર પત્ની અને દિયરની ધરપકડ કરી છે. અકસ્માતનો જણાતો આ બનાવ હત્યાનો નિકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મળતી વિગતો મુજબ કોટડા સાંગાણીના વાદીપરા ગામે રહેતો અલ્પેશ મોહનભાઇ બારૈયા ગત તા.૧૮ના રોજ ઘરેથી વાડીએ પિતાને ટીફીન દઇ પરત આવતો હતો ત્યારે રસ્તામાં તેનું મોત નિપજયું હતું. લાશ જયાં પડી હતી ત્યાં પથ્થર પડયા હોય બાઇક સ્લીપ થતા માથામાં પથ્થર વાગવાથી અલ્પેશનું મોત નિપજયાનું પરીવારજનોએ માની લીધું હતું. બનાવની જાણ થતા કોટડા સાંગાણીના પીએસઆઇ વી.પી.કનારા તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસને બનાવ શંકાસ્પદ જણાતા અને મૃતકના પરીવારજનો અંગે તપાસ કરતા  અલ્પેશની પત્ની શિલ્પાને દિયર રાજેશ સાથે  આડા સબંધ હોવાનું અને તે મુદ્દે અલ્પેશ અને રાજેશ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાની હકિકત જાણવા મળતા પોલીસે રાજેશની આગવી ઢબે પુછપરછ કરતા અંતે પોતે અને તેની ભાભીએ મળી ભાઇ અલ્પેશની હત્યા કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર અલ્પેશની પ્રથમ પત્ની આરતીનું મોત નિપજતા અલ્પેશે પોતાની સાળી શિલ્પા સાથે ચારેક વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા.  શિલ્પાને અલ્પેશના પિતરાઇ રાજેશ સાથે ઘણા સમયથી આડાસબંધ બંધાયા હતા. આ વાતની જાણ અલ્પેશને થતા રાજેશ સાથે અવાર નવાર માથાકુટ અને ઝઘડા થતા હતા. ગત તા. ૧૮ના રોજ રાજેશે પત્ની શિલ્પાને અલ્પેશ સાથે મોબાઇલ પર વાત કરતા રંગે હાથે ઝડપી લીધી હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થતા અલ્પેશે શિલ્પાને માર પણ માર્યો હતો.

ત્યાર બાદ શિલ્પાએ આ વાત પ્રેમી રાજેશને કરતા બંનેએ મળી અલ્પેશનું કાસળ  કાઢી નાખવાનું નક્કી કર્યુ હતું. અલ્પેશ દરરોજ રાત્રે પિતાને ટીકીન આપવા વાડીએ જતો હોવાની જાણ હોય પોતે રસ્તા પર ગોઠવાઇ ગયો હતો અને અલ્પેશ આવતા જ કુંડલીવાળી લાકડી સાથે તુટી પડી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાઇકની બાજુમાં પથ્થરો રાખી દીધા હતા. જેથી હત્યાનો આ બનાવ અકસ્માતનો લાગે.

કોટડા સાંગાણી પોલીસે અલ્પેશના પિતા મોહનભાઇની ફરીયાદ પરથી રાજેશ મનસુખભાઇ બારૈયા તથા શિલ્પા અલ્પેશભાઇ બારૈયા (રહે. બંને વાદીપરા સામે) આઇપીસી  ૩૦ર, ૧૧૪,૧ર૦(બી) તથા ૧૩પ મુજબ ગુન્હો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. આ બનાવે કોટડા સાંગાણી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

(1:07 pm IST)