Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અમારા વિરૂધ્ધ કેસ પાછા કેમ ખેંચતા નથી...કહી ચંદ્રીકાબેન પર જેઠ-જેઠાણી-ભત્રીજાઓનો હુમલો

કાલાવડ રોડ આંબેડકરનગરમાં બઘડાટીઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો : પતિ અને પુત્ર વચ્ચે પડતાં તેને પણ ધોલધપાટઃ ભત્રીજા સુનિલે કાકાને ફોન કરી ધમકી દીધી-હવે તું સેફટીમાં રહેજે, તારી પાછળ પડી જઇશ

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ આંબેડકરનગરમાં રહેતાં મહિલા, તેના પતિ અને પુત્ર પર તેના જ જેઠ-જઠાણી અને બે ભત્રીજાએ 'અમારા વિરૂધ્ધના કેસ પાછા કેમ ખેંચતા નથી' કહી હુમલો કરતાં અને એક ભત્રીજાએ ફોન કરી 'હવે તારી સેફટીમાં રહેજે, હું તારી પાછળ પડી જઇશ' તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

તાલુકા પોલીસે આ અંગે કાલાવડ રોડ આંબેડકનગર-૬ના ખુણે રહેતાં ચંદ્રીકાબેન ભૂપતભાઇ ચંદ્રપાલ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી તેના જ જેઠ વિનુભાઇ કારાભાઇ ચંદ્રપાલ, જેઠાણી ચંદ્રિકાબેન, તેના પુત્રો સુનિલ અને દિવ્યેશ સામે ગુનો નોંધ્યો છે.

ચંદ્રીકાબેને પોલીસને જણાવ્યું છેકે હું પતિ તથા પરિવાર સાથે રહી સિલાઇ કામ કરી ગુજરાન ચલાવુ છું. મારે બે દિકરા છે. ૧૫/૯ના રાતે અગિયારથી સાડા અગિયાર વચ્ચે હું તથા સંતાન ઘરમાં સુતા હતાં અને પતિ બહાર રોડ પર હતાં. તે વખતે મારા જેઠ, જેઠાણી અને બે ભત્રીજા એકટીવા અને સ્પેલન્ડર પર આવ્યા હતાં અને મારા ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. મેં દરવાજો ખોલતાં સુનિલે 'તને અમારા વિરૂધ્ધ કરેલા કેસ પાછા ખેંચી લેવાનું અનેક વાર કહ્યું છતાં કેમ સમજતી નથી, કેમ કેસ પાછા ખેંચતી નથી' તેમ કહી મારુ ગળુ દબાવી દીધું હતું.

મારા જેઠે મને એક પાટુ માર્યુ હતું અનેજેઠાણીએ હાથ પકડી લીધો હતો. તેમજ ઢીકાપાટુ માર્યા હતાં. મારો દિકરો દર્શન વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી પછાડી દીધો હતો અને બધાએ ગાળો દીધી હતી. મારા પતિને બૂમ પાડીને બોલાવતાં તે આવીજતાં સુનિલે મારા પતિને પણ માર માર્યો હતો. શેરીમાં માણસો ભેગા થઇ જતાં કોઇએ પોલીસને ફોન કરતાં આ લોકો ભાગી ગયા હતાં.

અમને ઇજા થઇ હોઇ સારવારમાં દાખલ હતાં ત્યારે પણ ભત્રીજા સુનિલે મારા પતિને ફોન કરી કહ્યું હતું કે-હવે તું શેફટીમાં રહેજે, હું તારી પાછળ પડી જઇશ. આ ધમકીને કારણે અંતે અમારે ફરિયાદ નોંધાવવી પડી છે. પીએસઆઇ પી.એમ. રાઠવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:57 pm IST)