Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોબાઇલ વેંચીને ટુવ્હીલરની લોનનો હપ્તો ભર્યા બાદ ઠપકો મળશે એવુ લાગતાં વિવેકે ઝેર પીધું

રણુજા મંદિર પાસે રહેતો યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કૈલાસ પાર્ક-૪માં રહેતાં વિવેક જગદીશભાઇ ટાંક (કડીયા) (ઉ.વ.૧૯) નામના યુવાને ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમિન પટેલે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વિવેક માતા-પિતાનો એકનો એક પુત્ર છે. તેના પિતા માનસિક અસ્વસ્થ હોઇ કામ કરતાં નથી. માતા લત્તાબેનના કહેવા મુજબ પોતે કામેથી ઘરે આવ્યા ત્યારે પુત્ર બેભાન જેવી હાલતમાં પડ્યો હોઇ તપાસ કરતાં તેણે ઝેરી દવા પી લીધાનું જણાતા હોસ્પિટલે ખસેડ્યો હતો.

અન્ય પરિવારજનના કહેવા મુજબ વિવેક હાલ કારખાનામાં કામ કરે છે. તેણે લોનથી નવું એકટીવા ખરીદ કર્યુ છે. આ મહિને લોનનો હપ્તો ભરવાના પૈસા ન હોઇ તેણે પોતાના બે મોબાઇલ ફોન વેંચીને હપ્તો ભર્યો હતો. મોબાઇલ વેંચી નાંખવાથી ઘરમાં ઠપકો મળશે તેમ લાગતાં તેણે આ પગલુ ભર્યાની શકયતા છે. તે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધશે. 

(2:58 pm IST)