Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

આનંદ બંગલા ચોકની લૂંટનો ભેદ ખુલ્યોઃ ધર્મરાજસિંહ અને બે સગીર પકડાયાઃ અન્ય બે લૂંટ પણ ઉકેલાઇ

કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ પાસે અને પરીન ફર્નિચર પાસે ધર્મરાજસિંહે અન્ય બે શખ્સો મનિષ ઉર્ફ ઢોલકી અને પરેશ ઉર્ફ મદારી સાથે લૂંટ ચલાવી હતીઃ ઢોલકી પણ પકડાયો : માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમના મસરીભાઇ, હિતેષભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહ સહિતની ટીમને સફળતા

તસ્વીરમાં લૂંટના ડિટેકશનની માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા સાથે એસીપી  જે. એસ. ગેડમ અને પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા તથા ટીમ માલવીયાનગર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શનિવારે રાતે સવા અગિયારેક વાગ્યે આનંદ બંગલા ચોક પાસે પાનના દૂકાનદાર લોહાણા વેપારીને ત્રણ શખ્સોએ છરી બતાવી રોકડ, ચાંદીનો ચેઇન અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. આ ગુનાનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી કોઠારીયા રોડ ઘનશ્યામનગર-૧ના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા બે સગીરને પકડ્યા છે. આ ઉપરાંત ધ્રુવરાજસિંહે અન્ય બે શખ્સો ઘનશ્યામનગર-૧૧ના મનિષ ઉર્ફ ઢોલકી હરેશભાઇ હરિયાણી અને મુળ અમરેલીના પરેશ ઉર્ફ મદારી સાથે મળી આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ગોંડલ રોડ પરીન ફર્નિચર વિસ્તારમાં આચરેલી બે લૂંટ પણ કબુલી છે. આ ગુનામાં મનિષ ઉર્ફ ઢોલકીને પણ દબોચી લેવાયો છે.

વિગત એવી છે કે મવડી સરદારનગર-૧માં રહેતાં અને એસટી પાછળ મનમંદિર પાન નામે દૂકાન ચલાવતાં જગદીશ સતિષભાઇ મંડીર (રાજગોર બ્રાહ્મણ) (ઉ.વ.૩૭) નામના યુવાનને તે ૧૮મીએ રાતે અગિયારેક વાગ્યે દૂકાન વધાવી વેપારનો હિસબ લઇ એકટીવામાં દૂકાનેથી ઘરે જવા ઢેબર રોડ ઓવર બ્રીજ થઇ ગોંડલ રોડ ઓવર બ્રિજથી આનંદ બંગલા ચોકમાં મવડી રોડ પર મહાવીર સેલ્સ કોર્પોરેશન પાસે પહોંચ્યા ત્યારે આશરે સવા અગિયાર વાગ્યા હતાં. એ વખતે તે એકટીવા ઉભુ રાખી નાના  લખનને તે કયારે દૂકાનેથી નીકળે છે? તે પુછવા ફોન કરતો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો બાઇકમાં આવ્યા હતાં અને એકટીવાની ચાવી કાઢી લઇ મોબાઇલ ફોન આંચકી લઇ સ્વીચ ઓફ કરી દીધો હતો. એ પછી મહાવીર સેલ્સવાળી દૂકાનના અંધારા ખાંચામાં લઇ જઇ દિવાલ સાથે દબાવી છરી બતાવી હેન્ડબેગમાંથી રૂ. ૧૭ હજાર રોકડા કાઢી લીધા હતાં. તેમજ ગળામાંથી ચાંદીનો લોકેટ સાથેનો ચેઇન ખેંચી લીધો હતો. આ ઉપરાંત રૂ. ૫૦૦૦નો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. આમ કુલ ૨૪ હજારની લૂંટ થતાં માલવીયાનગર પોલીસે આઇપીસી૩૯૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

માલવીયાનગર પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. એ દરમિયાન આ શખ્સો ગોંડલ રોડ પીડીએમ કોલેજ આસપાસ બેઠક ધરાવતાં હોવાની માહિતી મળતાં  ધ્રુવરાજસિંહ તથા તેની સાથેના બે સગીરને દબોચી લીધા હતાં. ત્રણેયએ શનિવારે આનંદ બંગલા ચોક પાસે લૂંટ કર્યાની કબુલાત આપી હતી. તેની પાસેથી ૧૭ હજાર રોકડા, ૪ હજારનો ચાંદીનો ચેઇન તથા નંબર વગરનું બાઇક અને છરી કબ્જે કરાયા છે.

આ ઉપરાંત ધ્રુવરાજસિંહની વધુ પુછતાછ થતાં અન્ય બે લૂંટના ભેદ પણ ખુલ્યા હતાં. જેમાં તેની સાથે સગીરો નહિ પણ ઘનશ્યામનગરનો મનિષ ઉર્ફ ઢોલકી હરિયાણી અને પરેશ ઉર્ફ મદારી સામેલ હતાં. પરેશ મળ્યો નહોતો. પણ મનિષ ઉર્ફ ઢોલકીને ઉઠાવી લેવાયો હતો. આ ત્રણેયએ અઢી મહિના પહેલા કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ નજીક અરવિંદભાઇ બોદર (રહે. મોરારીનગર-૨)ને આંતરી છરી બતાવી તુલસીના પારાવાળી માળા રૂ. ૨૦ હજારની અને ૧૦ હજાર રોકડા લૂંટી લીધા હતાં.  જ્યારે ત્રણ મહિના પહેલા ગોંડલ રોડ પરીન ચોકડી પાસે બાઇક પર જતાં બે યુવાનને આંતરી છરી બતાવી ૧૮ હજાર લૂંટી લીધા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના મુજબ માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, કમલેશભાઇ મોરી, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કુલદિપસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત અને રઘુવીરસિંહ જાડેજાએ ખાનગી બાતમીદારોને કામે લગાડી, સીસીટીવી ફૂટેજ તથા ટેકનીકલ એનાલિસીસની મદદથી આ ગુનેગારોને પકડ્યા હતાં.

  • રાત્રીના સમયે જ લૂંટ કરવા ત્રણ સવારીમાં નીકળતાં, સાથે છરી રાખતાં
  • ધ્રુવરાજસિંહ અગાઉ ફરજમાં રૂકાવટ, ધમકીના ગુનામાં અને મનિષ ઉર્ફ ઢોલકી લૂંટમાં સંડોવાયો હતો

.ધ્રુવરાજસિંહ લૂંટ કરવા માટે જતો ત્યારે એક બાઇકમાં ત્રણ સવારીમાં જતો હતો. સાથે છરી રાખતો હતો. રાત્રીના સમયે એકલ દોકલ વ્યકિત દેખાય તો તેના વાહનને આંતરી છરી બતાવી માલમત્તા લૂંટી લેવાની આદત છે.

ધ્રુવરાજસિંહ વિરૂધ્ધ અગાઉ તાલુકા પોલીસમાં ફરજમાં રૂકાવટ-મારામારીનો ગુનો અને ભકિતનગરમાં ધમકી-તોડફોડનો ગુનો નોંધાયો હતો. જ્યારે મનિષ ઉર્ફ ઢોલકી વિરૂધધ એ-ડિવીઝનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો.

(3:04 pm IST)