Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અરજીના મનદુઃખના સમાધાનમાં ફરી ડખ્ખોઃ પેટ્રોલ છાંટી વાહન સળગાવાયું : બે યુવાન પર છરીથી હુમલો

યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન સામેના ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રાત્રે બઘડાટી : જયદેવ રામાવતની ફરિયાદ પરથી શબ્બીર અને તેના મિત્રો શુભમ્, દર્શન સામે વાહન સળગાવ્યાનો ગુનોઃ સામે શુભમ્ની ફરિયાદ પરથી જયદિપ, ગોટીયો તથા બે અજાણ્યા સામે છરીથી હુમલો કર્યાની રાવઃ બે પકડાયા

તસ્વીરમાં બાઇક સળગાવવના ગુનામાં પકડાયેલા બે શખ્સો તથા માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને સાથે પીઆઇ એ. એસ. ચાવડા તથા પીએસઆઇ એ. બી. જાડેજા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: યુનિવર્સિટી રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં બાવાજી યુવાનને પડોશી મુસ્લિમ શખ્સ અને તેના પત્નિ સાથે પરમ દિવસે ઝઘડો થયો હોઇ આ મામલે બાવાજી યુવાન વિરૂધ્ધ પોલીસમાં અરજી થઇ હતી. તેનું સમાધાન કરવા માટે ગત રાતે બધા ભેગા થયા ત્યારે માથાકુટ થતાં મુસ્લિમ શખ્સે બાવાજી યુવાનનું ટુવ્હીલર પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. સામે બાવાજી યુવાન અને તેના મિત્રએ મુસ્લિમ યુવાનના બે મિત્રો પર છરીથી હુમલો કરી તેના વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે સામ સામી ફરિયાદ દાખલ કરી બે શખ્સની અટકાયત કરી છે.

આ બનાવમાં પોલીસે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ ગુ.હા. બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૨૧ કવાર્ટર નં. ૫૯૨માં રહેતાં જયદેવ મહેશભાઇ રામાવત (બાવાજી) (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી શબ્બીર, શુભમ્ અને દર્શન સામે આઇપીસી ૪૩૫, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જયદેવે પોલીસને જણાવ્યું છે કે હું નિર્મલા રોડ પર સાઇ ટેકનોલોજી નામની ઓફિસમાં નોકરી કરુ છું. મેં બે મહિના પહેલા મારા મિત્ર જયપાલસિંહ લાલુભા વાઘેલા જે  કવાર્ટર નં. ૫૯૨માં જ રહે છે. તેની પાસેથી એકસેસ નં. જીજે૦૩ડીએફ-૦૦૮૦ રૂ. ૧૫ હજારમાં ખરીદ કર્યુ હતું. આ વાહન હાલમાં હું વાપરુ છું. તેમાં આરટીઓ ટ્રાન્સફર કરાવવાનું બાકી હોઇ તે જયપાલસિંહના નામે જ છે.

રવિવારે ૧૯મીએ સાંજે આઠેક વાગ્યે મારી પાછળના બ્લોકમાં રહેતાં શબ્બીર અને તેના પત્નિ સાથે મારો ઝઘડો થયો હતો. તે કારણે શબ્બીરના પત્નિએ મારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ બાબતે મનદુઃખ હોઇ સોમવારે રાતે નવેક વાગ્યે હું અને મારો મિત્ર ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ગોટીયો મારા ઘર પાસે ઉભા હતાં ત્યારે શબ્બીર, તેના મિત્રો શુભમ્ અને દર્શન આવ્યા હતાં. આ બંને બજરંગવાડીમાં રહે છે. અહિ અવાર નવાર આવતાં હોઇ હું બંનેને ઓળખુ છું.

ત્રણેયે મળી મને બેફામ ગાળો ભાંડી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં શબ્બીરે ઉશ્કેરાઇ જઇ મારા ઘર પાસે પાર્ક કરેલુ મારા એકસેસ વાહન પર પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. મેં ૧૦૦ નંબરમાં ફોન કરતાં પોલીસ આવતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. આગથી મારા વાહનમાં દસ હજારનું નુકસાન થયું છે.

વાહન સળગાવ્યા બાદ બજરંગવાડી-૬માં રહેતો શુભમ્ સાગરભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.વ.૨૩) તથા તેનો મિત્ર દર્શન રાજેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૫) સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. અહિ તેણે પોતાના પર ભગતસિંહ ગાર્ડન સામે કવાર્ટર પાસે છરીથી હુમલો થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમિન પટેલે જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી શુભમ્ પરમારની ફરિયાદ પરથી જયદેવ રામાવત, ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ગોટીયો ચુડાસમા અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

શુભમ્ે કહ્યું હતું કે હું રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે સિગ્મા ઇન્સ્યુરન્સ કંપનીમાં નોકરી કરુ છું. ગત રાતે નવેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે ભગતસિંહ ગાર્ડન પાસે રહેતાં મિત્ર શબ્બીરનો ફોન આવ્યો હતો કે ગઇકાલે મારા પત્નિ સાથે જયદિપ અને ગોટીયાએ ઝઘડો કર્યો હતો તેનું સમાધાન કરવાનું છે. આથી મેં મિત્ર ર્દશનને ફોન કરીને બોલાવ્યો હતો અને અમે બંને શબ્બીરના ઘરે ગયા હતાં. જ્યાં ગોટીયાના ઘર પાસે બધા ઉભા હતાં. તે વખતે જયદેવ અને ગોટીયો પણ ઉભા હતાં. સમાધાનની વાતચીત થઇ રહી હતી ત્યારે એ બંને ગાળો બોલવા માંડતા ના પાડતાં ગોટીયાએ નેફામાંથી છરી કાઢી મને હાથમાં ઇજા પહોંચાડી હતી. દર્શન વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. કોઇએ પોલીસ બોલાવતાં ગાડી આવી હતી. એ પછી હું અને દર્શન હોસ્પિટલમાં  દાખલ થયા હતાં. ઝપાઝપીમાં મારો મોબાઇલ ફોન ખોવાઇ ગયો હતો. એ પછી મને જાણવા મળ્યું હતું કે મારા બાઇક અને બીજા વાહનોમાં પણ નુકસાન કરાયું છે.

યુનિવર્સિટીના એએસઆઇ અજયસિંહ એમ. ચુડાસમાએ બંને ફરિયાદ દાખલ કરી જયદેવ રમેશભાઇ રામાવત અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફ ગોટીયો કનકસિંહ વાઘેલાની અટકાયત કરી છે. શુભમ્ અને દર્શનને હોસ્પિટલમાંથી રજા અપાયે ધરપકડ થશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની સુચના તથા રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, એએસઆઇ એ. એમ. ચુડાસમા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ, બ્રિજરાજસિંહ ગોહિલ, રાકેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

  • બે દિવસ પહેલા જ કવાર્ટર નં. ૨૧૭માં ઘોડીપાસનો દરોડો પાડી ૧૧ને પકડ્યા'તા

. ગત રાતે જ્યાં મારામારી અને વાહન સળગાવવાની ઘટના બની એ જ કવાર્ટરમાં બ્લોક નં. ૪૯ કવાર્ટર નં. ૨૧૭માં આવેલી પંકજ રાજાઇની વખારમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી પંકજ સહિત ૧૧ને ઘોડીપાસનો જૂગાર રમતાં પકડી લીધા હતાં. શબ્બીર, જયદેવ, ગોટીયો સહિતના પણ આ કવાર્ટરમાં જ રહે છે. ડખ્ખા પાછળ જૂગારની બાતમી કે બીજુ કોઇ મનદુઃખ તો નથી ને? તે અંગે પણ તપાસ થઇ રહી છે.

(3:05 pm IST)