Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના બેય જુથ સમાધાન તરફઃ લલિત રાદડિયાનું નામ બન્ને બાજુથી મૂકાયુ

કાલે પેનલ જાહેર થશેઃ અન્ય કોઇ સંગઠન કે વ્યકિત ઉમેદવારી ન કરે તો ૧૦ બેઠકો બિનહરીફઃ વેપારી વિભાગમાં સ્વતંત્ર લડાઇઃ એક જૂથ નોરીપીટ માટે આગ્રહીઃ નિર્ણય પ્રદેશમાં

રાજકોટ તા. ર૧ :.. સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવાર પસંદગીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખેતી વિભાગની ૧૦ અને સંઘ વિભાગની ર બેઠકો માટે બન્ને જૂથોએ અલગ-અલગ ર૦થી વધુ નામો સૂચવ્યા છે. પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના ભાઇ લલિત રાદડિયાનું નામ બન્ને જૂથોએ સુચવ્યુ છે. તેઓ યાર્ડના નવા ચેરમેન બન્ને તેવી સંભાવના છે. તા. ર૩ મીએ ફોર્મ ભરવાના છે.

યાર્ડના શાસક જૂથ અને હરીફ જૂથે રાજકોટ, પડધરી, લોધિકા તાલુકામાંથી સૂચવેલ નામોમાં ડી. કે. સખિયા, હરદેવસિંહ જાડેજા, લલિત રાદડિયા, હિતેષ મેતા, પરસોતમ સાવલિયા, ધીરૂભાઇ તળપદા, હઠીસિંહ જાડેજા, તળશીભાઇ તાલપરા, વનરાજભાઇ ગરૈયા, મનુભાઇ ડાંગર, નીતિન ઢાંકેચા, શૈલેષ શીંગાળા, જયેશ બોઘરા, બાબુ નસિત, બલુ નસિત, જયંતી ખાચરા, જે. કે. જારિયા, વનરાજસિંહ ગોહિલ વગેરેનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. બન્ને જૂથો સમાધાનના માર્ગે હોવાથી ભાજપની એક જ પેનલ બને તેવા એંધાણ છે. વેપારીની ૪ બેઠકો માટે ચૂંટણીની શકયતા છે. એક જૂથ નો-રીપીટ થીયરીનું આગ્રહી છે.

પેનલ બનાવવામાં મનસુખ ખાચરિયા, જયેશ રાદડિયા, ભરત બોઘરા, મહેન્દ્રસિંહ સરવૈયા, વગેરેની ભૂમિકા મહત્વની રહેશે. બધા નવા ચહેરા કે જુના-નવાનું મિશ્રણ? તે કાલે રાત સુધીમાં સ્પષ્ટ થઇ જશે. પ્રદેશની ગાઇડ લાઇનમાં કયાંક બાંધછોડને અવકાશ છે.

(3:26 pm IST)