Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

છેલ્લા એક વર્ષમાં ત્રણ વોર્ડમાં ભૂગર્ભ ગટરની ૬૮ હજાર ફરિયાદોનો નિકાલ : ૩૩ ટકા ઓન સાથે ફરી કોન્ટ્રાકટ

વોર્ડ નં. ૨, ૩ અને ૬માં ૫૨.૨ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ સહિત રૂ. ૫૪.૭૬ કરોડના વિકાસ કામોની ૨૨ દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમિટિની લીલીઝંડી

રાજકોટ તા. ૨૧ : મ.ન.પા.માં આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વોર્ડ નં. ૨, ૩ અને ૬માં ૫૨.૨ લાખના ખર્ચે પ્રાઇવેટ એજન્સીથી ભુગર્ભ ગટર ફરિયાદના નિકાલનો કોન્ટ્રાકટ આપવા, પાણીની નવી પાઇપ લાઇન, સામાકાંઠે નિર્માણ થઇ રહેલ લાઇબ્રેરીમાં ફર્નિચર, બગીચામાં કસરતના સાધનો મુકવા સહિતની ૨૨ દરખાસ્તો રૂ. ૫૪.૭૬ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવી છે.

સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની અધ્યક્ષતામાં મળેલ સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વિવિધ વિકાસ કામોની ૨૨ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

૫૨ લાખના ખર્ચે ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ

વોર્ડ નં. ૨, ૩માં રૂ. ૩૭.૮૧ લાખના ખર્ચે ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ ખુશ્બુ કન્ટ્રકશનને આપવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ બંને વોર્ડમાં ૫૨,૭૫૧ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે આ કામ માટે એલવન એજન્સીએ ૩૯ ટકા ઓન સાથે ૪૨ લાખનો ખર્ચ થયો હતો. જ્યારે આ વર્ષે એલવન એજન્સીએ ૩૩.૩૦ ટકા ઓન સાથે રૂ. ૩૭.૮૧ લાખનો ખર્ચ દર્શાવ્યો હતો.

૪૩.૩૦ કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇન નંખાશે

ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧૨૧૯ મી.મી. વ્યાસની એમ.એસ. પાઇપલાઇન ૪૩.૩૦ કરોડના ખર્ચે નાખવામાં આવશે.

આ પાઇપલાઇન નંખાયા બાદ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટની કેપીસીટી વધી જશે અને તેમાંથી મુંજકા કવાર્ટર, સ્માર્ટ સીટી એરિયા, ઉપરાંત વોર્ડ નં. ૮, ૯, ૧૦ સહિતના વિસ્તારની ૨ લાખ જેટલી વસતીને પૂરા ફોર્સથી પાણી મળશે. આ માટેનો કોન્ટ્રાકટ ઉંચા ભાવે આપવા દરખાસ્ત છે અને પાઇપલાઇન નાખવાનું કામ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની શરતે કોન્ટ્રાકટ અપાશે.

આ ઉપરાંત સામાકાંઠે વોર્ડ નં. ૬માં આવેલી લાયબ્રેરીમાં અદ્યતન પ્રકારના ઇન્ટીરિયર ડેકોરેટીવ ફર્નીચર રૂ. ૩.૩૬ કરોડના ખર્ચે કરવામાં આવશે.

વિવિધ કમ્પાઉન્ડ વોલ બનાવવા, પાણીની નાની-મોટી પાઇપલાઇનો, બગીચાઓમાં કસરતના સાધનો મુકવા, ભૂગર્ભગટર ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ, પ્રાણી સંગ્રહાલયના પશુ-પક્ષી-પ્રાણીઓ માટે શાકભાજી, ફળ, ઇંડા, મચ્છી વગેરેનો કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી.

(3:47 pm IST)