Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ખોડલધામ રાસોત્‍સવઃ સાઉથ ઝોનમાં માત્ર દિકરીઓ માટે જ આયોજન

સર્વજ્ઞાતિની બહેનો પારિવારીક માહોલમાં રાસોત્‍સવની જમાવટ કરશેઃ મેદાનમાં માત્ર બહેનોને જ એન્‍ટ્રી

રાજકોટઃ તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રિ મહોત્‍સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજની બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતની આરાધના કરી શકે તે માટે શ્રીખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં સાઉથ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું જાજરમાન આયોજન કરાયુ છે.

શ્રીખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન શ્રીનરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના સાઉથ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ વિશાળ  મેદાન, લાઇટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્‍સવ યોજાશે.

તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી ૪ ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્‍સવમાં દેશ-વિદેશમાં ખ્‍યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

સાઉથ ઝોન-રાજકોટમાં ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો દીકરીઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિગ ઉપરાંત સ્‍વયંસેવકોની પણ મોટી સંખ્‍યામાં વ્‍યવસ્‍થા કરાઇ છે.

ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ સાઉથ ઝોન દ્વારા આ વર્ષે શ્રીપી એન્‍ડ ટી.વી.શેઠ હાઇસ્‍કુલ, ૮૦ ફુટ રોડ, ભકિતનગર સર્કલ પાસે સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં પ્રકાશ પરમાર, ભરતભાઇ ગઢવી, મનીષાબેન પ્રજાપતિ ઓરકેસ્‍ટ્રા રવિ સાનિયા અને રામદેવ સાઉન્‍ડ જોડાશે.

પાસ મેળવવા માટે કોઠારીયા મેઇનરોડ, સિટી મોબાઇલની બાજુમાં, સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍વિમિંગ પુલની સામે રાજકોટ ખાતે મો.નં.૯૪૨૬૪ ૮૩૨૨૨, ૯૮૨૪૨ ૪૧૭૮૭, ૯૭૨૩૭ ૭૧૧૭૯ પર સંપર્ક કરવો.

આ રાસોત્‍સવને સફળ બનાવવા ટ્રસ્‍ટી-જીતુભાઇ સીયાણી અને ચિરાગભાઇ સીયાણી, અધ્‍યક્ષ કેતનભાઇ ઠુંમર અને વલ્લભભાઇ પરસાણા, વિનુભાઇ ધવા, શૈલેષભાઇ પરસાણા, પ્રમુખ સુધીરભાઇ ઠુંમર, મંત્રી- દિવ્‍યેશભાઇ ખુંટ, ખજાનચી-ચંદુભાઇ ઘેલાણી, વોર્ડ કન્‍વીનર વોર્ડ નંબર-૧૪ શૈલેષભાઇ હાપલીયા, કૌશલધામી, વોર્ડ નંબર-૧૫, અશોકભાઇ નસીત, વોર્ડ નંબર ૧૬ મહેશભાઇ પીપળીયા, સંજય ગજેરટ, વોર્ડ નંબર ૧૭ હીમાંશુભાઇ આસોદરીયા, વોર્ડ નંબર ૧૮-રાજેશભાઇ બાબીયા, મહેશ રાદડીયા દિપકભાઇ ધવા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)