Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

માલધારી સમાજની દૂધ હડતાલ સફળ : શહેરો-ગામડાઓમાં દૂધનો કકળાટ : લોકોના દૂધ માટે વલખાઃ દૂધના પાર્લરોને તાળાઃ સપ્‍લાય ચેઇન અસ્‍તવ્‍યસ્‍ત

ચાના ચડાથી લઇને ચાની હોટલો બંધ રહેતા ચાના શોખીનો મુશ્‍કેલીમાં મુકાયાઃ અમુક લોકોએ ગઇકાલે સાંજે જ દૂધનો જથ્‍થો ઘરભેગો કરી લીધો હતોઃ ક્‍યાંક-ક્‍યાંક વાહનો અટકાવી-દૂધ ઢોળી વિરોધ પ્રગટ કરાયો

કાલાવડ રોડ ઉપર ટેન્કરમાંથી દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શનઃ રાજકોટના કાલાવડ રોડ ઉપર આજે રાજકોટ સહકારી ડેરીના ટેન્કરને લોકોના ટોળાઍ અટકાવ્યું હતું અને તેમાથી દુધ ઢોળી નાંખીને આક્રોશ ઠાલવ્યો હતો (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટઃ ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં માલધારીઓએ આપેલ બંધના એલાનને સફળતા મળી છે. આજે સવારથી જ મોટી- મોટી ચાની હોટલોથી લઈ નાના- નાના ચાના ધંધાર્થીઓ, ડેરીઓ, દુધનું વેચાણ કરતાં પાર્લરોએ પણ સજજડ બંધ રાખી માલધારીઓને સહયોગ આપ્‍યો હતો. તો ગઈરાત્રે વાજડી ખાતે મોડીરાતે માલધારીઓએ દૂધની થેલીઓ ફેંકી દીધી હતી. દરમિયાન આજે સવારે પણ શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલ પાર્લરમાં તોડફોડની ઘટના બની હતી. ક્‍યાંક-ક્‍યાંક વાહનો અટકાવી-દૂધ ઢોળી વિરોધ પ્રગટ કરવામાં આવ્‍યો હતો. દૂધ હડતાલને કારણે સપ્‍લાય ચેઇન ખોરવાતા આજે રાજકોટમાં દૂધનું વિતરણ ઠપ્‍પ થઇ જવા પામ્‍યુ હતુ જેની અસર ચા વેંચતા ધંધાર્થીઓ ઉપર પડી હતી અને તેઓ કામધંધાથી દૂર રહેતા અને હડતાલમાં જોડાતા ચાના શોખીનોએ ચા વગર રહેવુ પડયુ હતુ.
મિઠાઇની દુકાનોમાં દૂધની આઇટમો પણ અદ્રશ્‍ય થઇ જવા પામી હતી. ઠેર-ઠેર દૂધ નથી, દૂધની મિઠાઇ પણ નથી તેવા પાટીયા જોવા મળ્‍યા હતા.
માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ કરેલી વિવિધ માંગણીઓનો  ઉકેલ ન આવતા આજે દૂધ વિતરણ બંધ રાખવાનું એલાન કર્યુ હતું. જેના પગલે દૂધની ડેરીના સંચાલકોએ દૂધનો સ્‍ટોક કરી લીધો હતો. મોટાભાગના ગ્રાહકોએ તો ગઈકાલે સાંજે જ દૂધનો વધુ જથ્‍થો એકત્રીત કરી લીધો હતો. ડેરીઓમાં મોટી- મોટી લાઈનો જોવા મળતી હતી.
તો બીજી તરફ દુકાનદારોને રોજ કરતાં દૂધનું વેચાણ બમણું થયું હતું. ગ્રાહકોએ સ્‍ટોક માટે વધારે દૂધની માંગણીઓ કરતાં ઓછુ દૂધ જ આપવામાં આવ્‍યું હતું.
દરમિયાન આજે સવારથી જ મોટાભાગના ચા ના વેપારીઓ, દૂધની ડેરીઓએ દુકાનો બંધ રાખી હતી. માલધારીઓને સફળતા મળી હતી.

 

(3:16 pm IST)