Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વો જબ યાદ આ એ, બહોત યાદ આ એ...

સૂરસંસારના સૂરમાં સંગીતપ્રેમીઓ રસતરબોળ : વિધ્નહર્તાના પર્વમાં વિધ્નો પાર કરીને ગીતો રેલાયા... : સ્વ. ભગવતીભાઇ મોદીને યાદગાર સંગીતાંજલી : રફીજી, લતાજી, આશાજી, શમશાદ જેવા દિગ્ગજોના ગીતો ગુંજયા : લોકપ્રિય ગાયકો અપૂર્વ શર્મા, ચાંદની મિર્ઝા, સંધ્યા પાધ્યેએ જમાવટ કરી : સતત વન્સમોરના નારા...

રાજકોટ તા. ૨૧ : વો જબ યાદ આએ, બહોત યાદ આએ... રાજકોટમાં સત્વશીલ જૂના ગીતોનો માહોલ સર્જાયો હતો. સંગીતપ્રેમીઓ રસતરબોળ થઇને વન્સમોરના નારા લગાવતા હતા. સૂર-શબ્દની રીમઝીમ બારીસમાં મનમૂકીને ભીંજાઇ જવાનો લ્હાવો માણ્યો હતો.

વિધ્નહર્તા દેવ ગજાનન મહારાજને વંદના કરવાના દિવ્ય પર્વમાં તમામ વિધ્નો પાર સૂરસંસાર સંસ્થાએ આહ્લાદક કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંગીતના પ્રેરક સાધક ભગવતીભાઇ મોદીએ ગીત-સંગીતની દુનિયાની અતિ પ્રતિષ્ઠિત સંસ્થા સૂરસંસારની સ્થાપના કરી હતી. અપાર ખંતથી ભગવતીભાઇએ વર્ષો સુધી સંસ્થાને ગુંજતી રાખી હતી. ભગવતીભાઇના નિધન બાદ સંસ્થા સંચાલનમાં વિધ્ન આવ્યું હતું.

લાંબા સમય સુધી સંસ્થા સ્થગિત રહ્યા બાદ ભગવતીભાઇના પરિવારજનો તથા આર.ડી.પોપટ અને અન્ય સંગીતપ્રેમીઓએ ખૂબ જહેમત ઉઠાવીને સ્વ. ભગવતીભાઇને સંગીતાંજલી અર્પતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

સૂરસંસારની પરંપરાગત ગરીમા તથા ઉચ્ચસ્તર જાળવીને સમગ્ર કાર્યક્રમ ડિઝાઇન થયો હતો. સંગીત પ્રેમીઓએ ભાવવિભોર બનીને ભગવતીભાઇને સંગીતાંજલી આપી હતી. સ્વ. ભગવતીભાઇ ઉર્જારૂપે પ્રસન્નતાથી કાર્યક્રમમાં આશીર્વાદ વરસાવી રહ્યા હોય તેવી અનુભૂતિ થતી હતી.

સ્વ. ભગવતીભાઇની સદેહે અનુપસ્થિતિમાં લાજવાબ કાર્યક્રમ રજૂ થયો હતો. સૂરસંસારના સહભાગીઓએ કાર્યક્રમ દિલથી માણ્યો હતો અને બિરદાવ્યો હતો.

રફીજી, લતાજી, આશાજી તથા શમશાદ બેગમ વગેરે જેવા દિગ્ગજ કલાકારોના ગીતો ગુંજ્યા હતા. મૂળ જયપુરમાં અને હાલ મુંબઇમાં સ્વરસાધના કરતા લોકપ્રિય ગાયક અપૂર્વ શર્માએ રાજકોટમાં પ્રથમ વખત રફીજીના ગીતો રજૂ કર્યા હતા. ગીતોમાં જાન રેડીને મખમલી અવાજમાં અપૂર્વ શર્માએ પ્રસ્તુતી કરીને સંગીતપ્રેમીઓના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

દિલ્હીમાં સ્વરસાધના કરતા લોકપ્રિય ગાયિકા ચાંદની મિર્ઝાએ લતાજીના આહ્લાદક ગીતો લહેરાવીને સૂરીલા અવાજનો જાદુ પ્રસરાવ્યો હતો. તેઓની સ્વરસાધનાથી સંગીતપ્રેમીઓ ગૂંજ્યા હતા અને તાળીઓના વરસાદ વરસાવ્યો હતો.

વડોદરાના સ્વરસાધિકા સંધ્યા પાધ્યેને વર્ષોથી સૂરસંસાર સાથે નાતો રહ્યો છે. સંસ્થા સાથે લાગણીના તાંતણે બંધાયેલા સંધ્યાજીએ લતાજી - આશાજી - શમશાદ બેગમ વગેરે મહાન ગાયિકાઓના ગીતો રજૂ કર્યા હતા. સંધ્યાજી વર્ષોથી સંગીતપ્રેમીઓના દિલમાં રાજ કરે છે.

સૂરસંસારની રિએન્ટ્રી ગરીમાપૂર્ણ અને યાદગાર રહી હતી. નવેસરથી શરૂ થયેલી સંગીત સફરને સહભાગીઓએ બિરદાવી હતી.

જિંદગી તો બેવફા હૈ...

રાજકોટ : સૂરસંસારના સ્થાપક ભગવતીભાઇ મોદીને સંસ્થાએ યાદગાર સૂરાંજલી આપી હતી. કાર્યક્રમમાં સંસ્થાના સહભાગીઓએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે ભગવતીભાઇના જીવનસાથી દમયંતીબેન મોદી તથા પુત્રો કૃણાલભાઇ અને રાજેશભાઇ તથા 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. સૂરસંસાર સમગ્ર સહભાગી પરિવારે ભાવવિભોર બનીને ભગવતીભાઇને અંજલી આપી હતી.

સહભાગી અભિયાન

સૂરસંસારનું સહભાગી અભિયાન ધમધોકાર ચાલી રહ્યું છે. આ માટે

મો.નં. ૯૨૭૨૨ ૦૦૦૫૫ / ૯૯૭૮૬ ૦૦૦૫૫ નંબરો ઉપર સંપર્ક

થઇ શકે છે.

(3:29 pm IST)