Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

યુનુસ હત્‍યા કેસમાં જંગલેશ્વરના ફારૂક જામનગરીને આજીવન કેદ ફટકારતી સેસન્‍સ કોર્ટ

જુના મનદુઃખનો ખાર રાખી પિતા રજાક જામનગરી સાથે થયેલ માથાકુટનો ખાર રાખીને ફારૂક જામનગરીએ યુનુસ પીપરવાડીયાની છરીના ૧૪ ઘા મારીને હત્‍યા કરી હતી : સીસીટીવી ફૂટેજ, ફરિયાદી અને સાહેદોની જુબાની - પુરાવાથી આરોપી સામેનો કેસ પુરવાર થાય છે : સરકારી વકીલ બિનલબેન રવેશીયા

ફારૂક રજાક જામનગરી આરોપી અને બિનલબેન રવેશીયા સરકારી વકીલ
રાજકોટ તા. ૨૧ : અહીંના કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ આંબેડકરનગરના ગેઇટ પાસે એસ.બી.આઇ. બેંક પાસે યુનુસ કરીમભાઇ પીપરવાડિયાની છરીના ૧૪ જેટલા ઘા મારીને ઘાતકી હત્‍યા કરવાના ગુનામાં પકડાયેલ અહીંના જંગલેશ્વર મેઇન રોડ ઉપર આવેલ શેરી નં. ૩૧માં રહેતા ફારૂક રજાક જામનગરી સામેનો કેસ ચાલી જતાં એડી. સેસ. જજશ્રી બી.ડી.પટેલે આરોપી રજાક જામનગરીને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવી રૂપિયા એક લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ કલમ ૧૩૫ હેઠળ ચાર માસની સજા ફરમાવી હતી.
આ બનાવ અંગે અહીંના કોઠારીયા રોડ ઉપર મહાત્‍મા ગાંધી સોસાયટી બગદાદી ગેઇટ પાસે દેવપરા શેરી નં. ૬માં રહેતા ઇકબાલભાઇ અજીજભાઇ પીપરવાડીયાએ ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે જે તે સમયે ભકિતનગરના ઇન્‍ચાર્જ પી.આઇ. બી.ટી.ગોહિલ, એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા અને ભાવેશ પરમારે તપાસ કરી હતી.
ફરિયાદની વિગત મુજબ તા. ૧૮-૮-૨૦૧૬ના રોજ ફરીયાદી, મરનાર અને તેનો મિત્ર હુશેન નાથાણી કોઠારીયા રોડ ઉપર કારમાં જઇ રહ્યા હતા ત્‍યારે આરોપી ફારૂક રજાક જામનગરીએ પોતાની કાર આડી નાખી જુના મનદુઃખના કારણે ડખ્‍ખો કરીને મારા પિતા સાથે શું કામ માથાકુટ કરેલ તેમ જણાવીને જુના મનદુઃખનો ખાર રાખીને આરોપી ફારૂક જામનગરીએ યુનુશની છરીના ૧૪ જેટલા ઘા મારીને કરપીણ હત્‍યા કરી હતી.
આ બનાવ અંગે ભકિતનગર પોલીસે હત્‍યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ ચાલતા ફરીયાદપક્ષે સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, આ કામના ફરીયાદી અને તેના મિત્રએ બનાવને નજરે જોનાર છે અને તેઓએ બનાવ કેવી રીતે બનેલ તેમજ આરોપી ફારૂક છરીના ઘા મારેલ તે અંગે ફરીયાદ પક્ષના સમર્થનમાં જુબાની આપેલ હોય તેમજ પંચ સાહેદો પણ બનાવને સમર્થન આપેલ હોય આરોપીએ ક્રુરતાપૂર્વક હત્‍યા કરેલ છે. તેવું પુરવાર થતું હોય આરોપીને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત વધુમાં સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ રજૂઆત કરેલ કે, બનાવ જે જગ્‍યાએ બનેલ છે તે જગ્‍યાએ લોટસ હોસ્‍પિટલ અને આંબેડકર ભવનનો ગેઇટ આવેલ છે. આ બંને જગ્‍યાના સીસીટીવી ફૂટેજનો રજૂ થયેલ પુરાવો જોતા આરોપી તેમાં મરનારને છરીના ઘા મારતો હોય તેવો પુરાવો પોલીસે કોર્ટમાં રજુ કરેલ છે તે જોતા આરોપીની પ્રથમ દર્શનીય સંડોવણી ફલિત થાય છે. તેમજ બનાવ સ્‍થળ ઉપર ફરીયાદી અને મૃતકના મિત્રની હાજરી પુરવાર થતી હોય તેઓએ પણ બનાવને સમર્થન આપેલ હોય તેમજ તપાસનીશ અધિકારી તેમજ આરોપી વિરૂધ્‍ધ રજૂ થયેલ ઇલેકટ્રીક પુરાવો - એવીડન્‍સથી આરોપીની સંડોવણી પુરવાર થતી હોય આરોપીને સજા કરવા સરકારી વકીલે જણાવતા એડી. સેસ. જજ શ્રી બી.ડી.પટેલે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદ ફટકારી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.શ્રી બિનલબેન રવેશીયા રોકાયા હતા.

 

(3:44 pm IST)