Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કોઠારીયા રોડ વિસ્તારમાં ખાડા-ખબચડા-ટ્રાફીક પ્રશ્ને લત્તાવાસીઓ વિફર્યોઃ ચક્કાજામ

ડાયવર્ઝન-રસ્તા રીપેરીંગ સહીતના પ્રશ્ને લોકોનો વિરોધ : ચૂંટણી બહિષ્કારની ચિમકીઃ પોલીસે મામલો થાળે પાડયો

કોઠારીયા રોડને જોડતા રસ્તા ઉપર અતીશય ખાડા-ખબડા અને ભારે વાહનોથી આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. અનેકવાર તંત્રમાં ફરિયાદ કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા આ વિસ્તારવાસીઓએ ચક્કાજામનું શસ્ત્ર ઉગામ્યુ હતું. આ વિસ્તારની નવું સ્વાતી પાર્ક, જુનું સ્વાતી પાર્ક, દર્શન પાર્ક, આસોપાલવ પાર્ક સહિતની સોસાયટીઓમાં રહેતા નાગરીકોની દરરોજ મોટી સંખ્યામાં અવર-જવર થતી હોય, ઉપરાંત શાળાએ જતા બાળકોની સ્કુલ વેન, રીક્ષા સહિતના વાહનો પણ ચાલતા હોય અને ગોંડલ નેશનલ હાઇવે બાયપાસ પણ કરેલો હોવાથી ભારે ટ્રાફીક આ રસ્તા ઉપર રહે છે. રહેવાસીઓએ ફરિયાદ કરતા જણાવેલ કે, ઢેબર રોડ રાજકમલ પેટ્રોલ પંપ સામેના ફાટકથી અટીકા ફાટક ઢેબર રોડ ઉપર ખટારા ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ક થયેલા રહે છે. ઉપરાંત રહેણાંક વિસ્તારમાંથી હાઇવે માટેનો બાયપાસ કાઢવાનો ન હોય અને ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ જતા વાહનો માટે ભાવનગર રોડથી ગોંડલ રોડ બાયપાસ હોવા છતાં તે તરફ ટ્રાફીક કેમ ડાયવર્ટ કરવામાં નથી આવતો. આ પ્રશ્નોને લઇને આજે વિસ્તારવાસીઓ દ્વારા કોઠારીયા રોડને જોડતા રસ્તા ઉપર વાહન વ્યવહાર રોકી વિરોધ નોંધાવાની સાથે ચૂંટણીઓના બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવેલ અને મામલો થાળે પાડ્યો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:50 pm IST)