Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

છેડતીખોરથી ત્રાસી મરવા નીકળેલી બાળાનો પોલીસની ‘શી ટીમ'એ જીવ બચાવ્‍યોઃ લુખ્‍ખા વિરૂધ્‍ધ પોક્‍સોનો ગુનો


ક્‍લાસીસે જાય તો પીછો કરતો, સળગતી સીગારેટ ફેંકતો, ફ્રેન્‍ડશીપ માટે દબાણ કરતો! : એસીપી આર. એસ. બારીયા તથા મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ કે. જે. મકવાણા અને ટીમે આવારાગર્દી કરનારા વિરૂધ્‍ધ પોક્‍સો હેઠળ ગુનો દાખલ કરાવી તુરંત પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું
રાજકોટ તા. ૨૧: શહેરમાં શાળા-કોલેજ-કલાસીસ આસપાસ લુખ્‍ખાઓ, છેડતીબાજો, ધરાર પ્રેમીઓ અડ્ડો જમાવી ઉભા રહેતાં હોવાની અને છાત્રાઓની પાછળ જઇ હેરાન પરેશાન કરતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં જ આ સ્‍થળોએ કડક ચેકીંગ ઝુંબેશ જરૂરી હોવાના અહેવાલ પ્રસિધ્‍ધ થયા હતાં. દરમિયાન એક છાત્રા ધરારપ્રેમી બની છેડતી સતત ત્રણ મહિનાથી છેડતી પજવણી કરતાં શખ્‍સથી ત્રાસી જઇ મરવા માટે નીકળી ગઇ હતી. તેણે આ પગલુ ભરતાં પહેલાં દૂર્ગાશક્‍તિ ટીમના મહિલા પોલીસ કર્મચારીને પોતાની આપવીતી વર્ણવતા મહિલા પોલીસની ટીમ એ બાળાના લોકેશન પર પહોંચી હતી અને તેણીની વિતક સાંભળી તુરત જ છેડતીબાજ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવડાવી તેને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.
ભક્‍તિનગર દૂર્ગા શક્‍તિ ટીમના જાગૃતિબેન શીવાભાઇ ચાવડા બાઇક પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે એક અજાણી કિશોરીએ તેમને ફોન કરી એક છોકરો છેલ્લા ત્રણ મહિનાથી પોતાને હેરાન પરેશાન કરતો હોવાની વાત કરી હતી. આ બાળાએ જણાવ્‍યું હતું કે હું ક્‍લાસીસમાં જાઉ તો મારો પીછો કરી છેડતી કરે છે, મને ઇન્‍સ્‍ટાગ્રામમાં મેસેજ કરીી ફેક આઇડી બનાવે છે, હું જ્‍યારે રસ્‍તા પરથી નીકળું ત્‍યારે એ છોકરો મારા પર સળગતી સિગારેટ ફેંકે છે. તેમજ મને વારંવાર ધરાર ફ્રેન્‍ડશીપ કરવા માટે દબાણ કરે છે. આનાથી હું કંટાળી ગઇ છું અને ખુબ ડિપ્રેશનમાં આવી ગઇ છું અને હવે હું સ્‍યુસાઇડ કરી લઇશ.
મહિલા પોલીસ કર્મચારીએ બાળાની આ વાત સાંભળતા જ તેને દિલાસો આપ્‍યો હતો અને કોઇપણ પગલુ નહિ ભરવા તેમજ તે ક્‍યાં છે? તેનું લોકેશન તેણીનો વિશ્વાસ જીતીને મેળવી લીધા બાદ ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં એ બાળા ભક્‍તિનગર સર્કલ પાસે ઉભી હોઇ ત્‍યાં પહોંચી જઇ તેને આઘપાતનું પગલુ ભરતાં અટકાવી હતી. પોલીસ સ્‍ટેશને લઇ જઇ તેણીના માતા-પિતાને બોલાવી કાઉન્‍સેલીંગ કર્યા બાદ બનાવને ગંભીર ગણી તુરત જ બાળાની ફરિયાદ પરથી છેડતીબાજ શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (ક), ૩૫૪ (ઘ), ૩૨૩, ૫૦૯, ૫૦૬ તથા પોક્‍સોની કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી આરોપી શની નરેશભાઇ પરમાર (ઉ.૨૧-રહે. વાણીયાવાડી)ેને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી મહિલા સેલ આર. એસ. બારીયાની રાહબરીમાં મહિલા પોલીસ મથકના પીઆઇ કે. જે. મકવાણા તથા દૂર્ગાશક્‍તિ ટીમ અને શી ટીમે એક બાળાનો જીવ બચાવવાની અને તેને હેરાન કરતાં શખ્‍સને પાઠ ભણાવવાની કામગીરી કરી હતી.

 

(3:53 pm IST)