Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

શુક્રવારથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ત્રિદિવસીય યુવક મહોત્‍સવનો પ્રારંભ

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્‍તે યુનિવર્સિટીમાં લોકાર્પણ - ખાતમુહુર્ત અને અમૃત કલા મહોત્‍સવ ખુલ્લો મુકાશે : ૩૬ સ્‍પર્ધામાં ૧૩૫૦ સ્‍પર્ધકોએ ભાગ લેશે

રાજકોટ તા. ૨૧ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્‍ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્‍સાહિત અને પુરસ્‍કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્‍પર્ધાઓમાં હજારો સ્‍પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો પ૦મો યુવક મહોત્‍સવ ‘અમૃત કલા મહોત્‍સવ'નું આયોજન આગામી તા. ર૩, ર૪ અને રપ સપ્‍ટેમ્‍બર ત્રણ દિવસ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે યોજાનાર પ૦ મા યુવક મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૬ર કોલેજોના આશરે ૧૩પ૦ સ્‍પર્ધકો જુદી જુદી ૩૬ ઈવેન્‍ટસમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૦ મા યુવક મહોત્‍સવ ‘અમૃત કલા મહોત્‍સવ'નું ઉદઘાટન તા. ર૩ને શુક્રવારના બપોરે ૩:૩૦ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે કરવામાં આવશે.
ઉપરાંત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરિસરમાં નવનિર્માણ પામેલ ત્રણ બિલ્‍ડીંગો રૂા. ૧૧૧.૪૩ લાખના ખર્ચે ઓપન એર સ્‍ટેજ, રૂા. ૧૪૩.૭૦ લાખના ખર્ચે એક્ષટેન્‍શન ઓફ કમ્‍બાઈન્‍ડ સાયન્‍સ લેબોરેટરી અને અંદાજે ૩૦૦ લાખના ખર્ચે સ્‍પોર્ટસ હોસ્‍ટેલનું લોકાર્પણ તથા આગામી સમયમાં નિર્માણ પામનાર રૂા. પ૦૦ લાખના ખર્ચે એમ.સી.એ. ભવન, રૂા. ૮૦૦ લાખના ખર્ચે ભાષા ભવન અને રૂા. ૪૦૦ લાખના ખર્ચે નવું આઈ.કયૂ.એ.સી. ભવનનું ખાતમૂહૂર્ત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે કરવામાં આવશે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત પ૦ મા યુવક મહોત્‍સવને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ૧પ કમિટીઓની રચના કરવામાં આવેલ છે.
આ યુવક મહોત્‍સવમાં જુદી જુદી સ્‍પર્ધાઓમાં ૧૦૦ જેટલા નિર્ણાયકો પોતાની સેવાઓ આપશે. આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સિન્‍ડિકેટ સભ્‍યો, એકેડેમિક કાઉન્‍સિલના સભ્‍યો, ભવનોના અઘ્‍યક્ષો, સંલગ્ન કોલેજોના આચાર્યો, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

(3:54 pm IST)