Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજકોટની સામાન્‍ય સમસ્‍યાઓ ઉકેલવામાં પણ ભાજપ નિષ્‍ફળ

હવે પ્રજાને મૂરખ બનાવવાનું બંધ કરો, સ્‍માર્ટ સીટી મામલે કેન્‍દ્ર સરકારે જ રાજકોટ મહાનગર પાલીકાનું નાક કાપ્‍યુ હતું:પ્રદિપ ત્રિવેદી-સંજય અજુડીયાના શાસકો ઉપર આકરા પ્રહારો : સુશાસનના બણગા ફુંકવામાં આવે છે, પરંતુ લોકો હવે સત્‍ય જાણી ગયા છેઃ ૨૪ કલાક પાણી આપીશું તેવા ઠાલા વચનો આપવમાં આવે છે, ભંગાર રસ્‍તા, ઠેર-ઠેર ખાડાનું સામ્રાજય, શહેરભરમાં કચરા-ગંદકીનો ભરમાર

રાજકોટઃ  શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયાએ જણાવ્‍યુ હતું કે કોંગ્રેસ આગામી દિવસોમાં ખરા અર્થમાં પ્રજાની મિત્ર બનશે તેવી ખાતરી આપી છે. તેઓ રાજકોટ કોંગ્રેસનું નવસર્જન પણ કરવા માગે છે અને આ માટે યુવાનોને આગળ આવવા અનુરોધ પણ કર્યો છે. મહાપાલિકાના ભાજપના અંધર વહીવટને લીધે અનેક એવી સમસ્‍યા છે કે  જે બારમાસી છે.  તેનો કયારેય ઉકેલ આવતો જ નથી. આવી સ્‍થિતિ હોવા છતાં ભાજપના શાસકો પ્રજાને  વિકાસના નામે મૂરખ બનાવે છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કહ્યુ છે કે, મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ શાસન સુશાસન હોવાના બણગાં વારંવાર ફુંકવામાં આવે છે. પરંતુ, લોકો સત્‍ય જાણી ગયા છે. કેન્‍દ્રમાં ભાજપની સરકાર છે અને એ સરકારના જ એક મંત્રાલયે તાજેતરમાં જ જાહેર કરેલા એક રિપોર્ટમાં રાજકોટમાં સ્‍માર્ટ સિટીના નામે લોકોને મૂરખ બનાવવામા આવ્‍યા હોવાનો નિર્દેશ કર્યો હતો. કેન્‍દ્ર સરકારે સ્‍માર્ટ સિટી બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવ્‍યા હતા પરંતુ રાજકોટના આ અણઘટ શાસકોએ આવેલા નાણા વેડફી નાખ્‍યા છે. આ બાબત ઘણી શરમજનક છે અને આ મુદ્દો કોંગ્રેસ પ્રજા સમક્ષ લઇ જશે.

કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ કહ્યુ છે કે, રાજકોટનો જે અણધડ વિકાસ થયો છે તે પ્રજાને ખૂંચી  રહ્યો છે. કોઇ શહેરનો સમતોલ વિકાસ થાય તો તે શહેર સમૃધ્‍ધ બને પરંતુ રાજકોટમાં તો ચોકકસ લોકોની ખટાવી દેવા માટે અમુક વિસ્‍તારનો જ વિકાસ કરવામાં આવે છે. આજે પણ શહેરના અનેક વિસ્‍તારો એવા છે કે જે દોજખ જેવી જીંદગી જીવી રહ્યા છે.

રાજકોટમાં લાખ્‍ખો લોકો એવા છે જેમને ૨૦ મિનિટ પણ પુરતું પાણી મળતુ નથી. અત્‍યારે ચોમાસુ ચાલી રહ્યુ છે ત્‍યારે ઘરના મહિલા સભ્‍યોએ પીવાનું પાણી મેળવવા માટે દોડાદોડી કરી છે એ નિષ્‍ફળ શાસનની સાબિતી જ છે. દરેક ચૂંટણી સમયે રાજકોટમાં ૨૪ કલાક પાણી આપશુ તેવા ઠાલા વચનો આપીને પ્રજાને ભરમાવતા ભાજપના શાસકો એક ટાઇમ પણ પૂરતુ પાણી આપી શકયા નથી તે જગજાહેર છે.

આવી જ રીતે રાજકોટના રસ્‍તાની હાલત પણ ભંગાર છે. ચોમાસામાં  તુટી ગયેલા રસ્‍તા રીપેર કરી દીધા છે તેવુ જાહેર કરીને કરોડો રૂપિયાનું પાણી કરી નાખવામા આવ્‍યું છે. પણ સ્‍થિતિમાં કોઇ ફેર પડયો નથી અને આજે પણ વાહનચાલકો હેરાન થઇ રહ્યા છે. રાજકોટ શહેરના આંતરિક રસ્‍તા પણ ખરાબ હાલતમાં છે  ઠેરઠેર ખાડાનું સામ્રાજય જોવા મળી રહ્ય છેત્‍યારે શાસકો નવા ભેળવેલા વિસ્‍તારોના રસ્‍તા નવા બનાવવાની વાતો કરે છે.

વધુમાં શ્રી ત્રિવેદી અને અજુડિયાએ ઉમેર્યુ છે કે, જો સમસ્‍યા ગણાવવા બેસીએ તો તેનો પાર આવે તેમ નથી. આવા સંજોગોમાં રાજકોટ કોંગ્રેસ તેની નવી ટીમ સાથે હકારાત્‍મક ભૂમિકા ભજવશે અને સમયાંતરે સાચા પ્રશ્નો સાચી રીતે ઉઠાવશે  આવનારા દિવસોમાં ગુજરાતનું રાજકારણ કરવટ બદલવાનું છે ત્‍યારે જાહેર જીવનમાં યુવાનોને આગળ આવવાની ખાસ જરૂર છે તેમ કહીને પ્રદીપ ત્રિવેદી અને સંજય ખજુડિયાએ મોટી સંખ્‍યામાં લોકોને કોંગ્રેસ સાથે જોડાઇને આવનારા દિવસોમાં સાચા અર્થમાં રાજકોટને સ્‍માર્ટ સિટી બનાવવા માટે કોંગ્રેસને હાથ મજબુત કરવા અપીલ કરી છે.

પ્રદીપ ત્રિવેદીએ કહ્યુ છે કે, રાજકોટમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો પ્રદેશ નેતાઓ અને સમગ્ર કોંગ્રેસ પરિવારને સાથે રાખીને કામગીરી કરશે અને કોંગ્રેસ પક્ષ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર બને તે મુજબના કાર્યક્રમો આપશે. 

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કોંગી આગેવાનો શ્રી પ્રદીપ ત્રિવેદી (મો. ૯૮૯૮૧૩૩૩૩૩), શ્રી સંજય અજુડીયા મો.૯૯૭૮૪૮૦૪૫૨) અને શ્રી વિરલ ભટ્ટ (મો.૯૭૧૪૫ ૦૩૭૫૧) નજરે પડે છે. (૩૯.૯)             

રાજકોટની પ્રજા શાંત અને સમજદાર, પણ ભાજપના શાસકો તેને મુરખ સમજી વિકાસના દાવા કરે છે

ઓવર બ્રિજના કામોમાં ભ્રષ્‍ટાચાર ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યા છે, રાજકોટ-અમદાવાદ વચ્‍ચે હાઇસ્‍પીડ ટ્રેનની યોજનાનું શુ થયુ?

રાજકોટઃ  પ્રદીપ ત્રિવેદીએ કહ્યુ છે કે, રાજકોટ ભાજપના અંધેર વહીવટને લીધે જ પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે. રાજકોટની પ્રજા શાંત અને સમજદાર છે પણ ભાજપના શાસકો તેને મૂરખ સમજીએ વિકાસના ખોટા દાવા કર્યે રાખ છે.

તેમણે એમ પણ કહ્યુ છે કે, રાજકોટને સુવિધા આપવામાં સરકાર પણ ઓરમાંયુ વર્તન દાખવી રહી છે. લાંબા સમયથી રાજકોટ-અમદાવાદ સિકસ લેનનુ કામ ચાલી રહ્યું છે. અને રોજ હજારોની સંખ્‍યામાં લોકો હેરાન થઇ રહ્યા  છ. પણ આ કામ પૂરુ  થતુ નથી. રાજકોટ મહાપાલિકાના શાસકો સરકારને આ કામ ઝડપથી કરવાનું કહી શકે તેવી  સ્‍થિતિમાં પણ નથી  કારણ કે, શહેરના અનેક, પ્રોજેકટ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યા છે રાજોકટની પ્રજા સાક્ષી છે કે ઓવરબ્રિજના કામમાં કેટલી ઢીલાશ થઇ રહી છે.

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ-અમદાવાદ વચ્‍ચે હાઇસ્‍પીડ ટ્રેનની યોજના જાહેર કરી હતી પણ આ યોજનાનું શુ થયું? તે કોઇ જાણતું નથી. માત્ર વાહવાહી મેળવવા માટે આવી મસમોટી જાહેરાતો કરી દેવામાં આવે છે પણ, અંતે આવી અસંખ્‍ય યોજનાઓ કાગળ ઉપર જ રહી જાય છે.

એઇમ્‍સ અને એરપોર્ટની હાલત પણ આવી જ છે. આગામી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને આ બંને યોજનાઓના કામ ઝડપભેર પૂરા કરવામા આવશે તેવી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ ત્‍યાં કોઇ પ્રકારની સુવિધા ઊભી કરવામા આવી નથી. એઇમ્‍સમાં ઓપીડી ચાલુ કરવામાં આવી છે પણ ત્‍યાં પહોચવા માટે એપ્રોચ રોડ સરખો તૈયાર નથી તેથી પ્રજાને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે.

(3:58 pm IST)