Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાત્રે ૧૦ વાગ્‍યે ‘લાઉડ સ્‍પીકર બંધ'નું કડક પાલન થશેઃ સરકાર આદેશ કરશે તો અવધિ લંબાવાશેઃ રાજુ ભાર્ગવ

રાજકોટના શ્રેષ્‍ઠ એક થી ત્રણ ગણપતિ પંડાલોને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્‍તે ઇનામ : અર્વાચીન-પ્રાચીન ગરબા આયોજકોને સીસીટીવી, ખાનગી સિકયુરીટી સહીતના ર૮ નિયમોનું કડક પાલન કરવા પોલીસ કમિશ્નરની તાકીદ

રાજકોટ, તા., ૨૧: આજે બપોરે હેમુ ગઢવી હોલ ખાતે શહેરમાં યોજાયેલા ગણપતિ મહોત્‍સવ દરમિયાન જુદી-જુદી કેટેગરીમાં શ્રેષ્‍ઠ આયોજન કરનાર એકથી ત્રણ પંડાલોને  પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્‍તે રૂા.પ૧૦૦, ૪૧૦૦ અને ૩૧૦૦ ના રોકડ ઇનામો  અને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમની સાથોસાથ પ્રાચીન-અર્વાચીન ગરબા આયોજકોની મીટીંગ પણ યોજવામાં આવી હતી. નવરાત્રી મહોત્‍સવ ગણપતિ મહોત્‍સવની જેમ લોકો રંગ ચંગે માણે અને કાયદો-વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે સીસીટીવી અને ખાનગી સિકયુરીટી સહીત ર૮ જેટલા નિયમોનું કડક પાલન કરવા પોલીસ કમિશ્નર દ્વારા આયોજકોને તાકીદ કરવામાં આવી હતી.

આ બારામાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનો સંપર્ક સાધતા તેમણે જણાવ્‍યું હતું કે, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાત્રે ૧૦ વાગ્‍યા બાદ લાઉડ સ્‍પીકરનો ઉપયોગ નિષેધ છે. આ નિયમનું કડક પાલન કરાવવામાં આવશે. દાંડીયારાસના આયોજકો માટે આગામી દિવસોમાં જો સરકાર દ્વારા સમય અવધી માટે કોઇ છુટછાટ આપવામાં આવશે તો તે મુજબ આયોજન ચાલુ રાખી શકાશે.  સામાન્‍ય સંજોગોમાં રાત્રે ૧ર વાગ્‍યા સુધી આયોજનોને છુટછાટ આપવામાં આવતી હોય છે. આ મુજબ કોઇ જાહેરાત થશે તો તે મુજબ આયોજનોને છુટછાટ આપવામાં આવશે.

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા ર૮ નિયમોની સુચી દાંડીયા રાસ અને ગરબાના આયોજકો  માટે જાહેર કરવામાં આવી છે. જેમાં અર્વાચીન રાસોત્‍સવમાં ભાગ લેનાર ખેલૈયાઓની સાચી ઓળખ પ્રસ્‍થાપીત કરી પ્રવેશ આપવાનો રહેશે. મોટા પ્રાચીન અને અર્વાચીન આયોજકોને ખાનગી સિકયુરીટી ગોઠવવાની રહેશે. આ ઉપરાંત સીસીટીવી ફરજીયાત લગાવવા પડશે. સીસીટીવીનું ફુટેજ સીડી અથવા ડીવીડી ફોરમેટમાં આયોજનના દરેક દિવસનું જાળવી રાખવુ પડશે. આ ઉપરાંત આયોજનના સ્‍થળ આસપાસ પ્રાઇવેટ સિકયુરીટી ગાર્ડ સાથે પાર્કીગ વ્‍યવસ્‍થા કરવાની પણ સુચના આપવામાં આવી છે. પાર્કીગ સ્‍થળે વાહનોની સલામતીની જવાબદારી પણ આયોજકોના શીરે રહેશે. ચોરીના બનાવો ન બને તે માટે આ સુચના આપવામાં આવી છે. રાત્રીના ૧૦ વાગ્‍યા પછી લાઉડ સ્‍પીકરની મંજુરી કોઇ પણ સંજોગોમાં આપવામાં આવશે નહી. આયોજન દરમિયાન કોઇ પણ પ્રકારની અશ્‍લીલતા નજરે પડશે તો આઇપીસી ર૯૦ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  દાંડીયારાસ દરમિયાન દર્શકો સાંભળી શકે તેટલા અવાજમાં માઇક વગાડી આજુબાજુના રહેવાસીઓને અડચણરૂપ ન થાય તે રીતે આયોજન કરવા જણાવાયું છે. જો આસપાસથી લોકોની ફરીયાદો ઉઠશે તો આયોજનની પરવાનગી રદ કરવા અને માઇક સહીતના સાધનો કબ્‍જે કરવાની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આગ અકસ્‍માતના સંજોગોને ધ્‍યાને રાખી અગ્નિશામક સાધનોની વ્‍યવસ્‍થા કરવા પણ જણાવાયું છે. ગરબા  સ્‍થળે શંકાસ્‍પદ વ્‍યકિતઓની હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા કહેવાયું છે. આયોજન સ્‍થળેસ્ત્રી અને પુરૂષોના પ્રવેશની અલગ વ્‍યવસ્‍થાનું કડક રીતે પાલન કરવા જણાવાયું છે.

 આજે કાર્યક્રમની શરૂઆતમાં ગણેશોત્‍સવના પંડાલોને ઇનામ અપાયા હતા. જેમાં ચંપકનગર કા રાજા, પેડક રોડને પ્રથમ ઇનામ અપાયું હતું. જયારે બીજા ક્રમે ન્‍યુ મહારાષ્‍ટ્ર મંડળ, રણછોડનગર અને પવનપુત્ર ચોક સોરઠીયાવાડી સર્કલને ઇનામ અપાયું હતું. આ ઉપરાંત અંધજન મંડળ કા રાજા, ત્રિકોણ બાગ કા રાજા, સર્વેર ચોક અને પંચવટી કા રાજાના પંડાલોને પણ ઇનામો આપવામાં આવ્‍યા હતા.

મધ્‍યમ કક્ષાના આયોજનમાં ભગવતીપરાના શીવાજી ચોક કા ગણેશને પ્રથમ, ગોકુલનગર કા રાજાને દ્વિતીય અને કોઝીકોટી યાર્ડને ત્રીજુ, શકિત ચોક કા રાજાને ચોથુ, રાજકોટ કા રાજા, સેવા સમીતીને પાંચમું અને સરદાર ચોક કા રાજાને છઠ્ઠુ ઇનામ અપાયું હતું.

આ કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-ર સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલ અને ડીસીપી-ટ્રાફીક પુજા યાદવ સહીતના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(3:59 pm IST)