Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

મેયરના વોર્ડમાં ૨૨.૩૩ કરોડના ખર્ચે અદ્યતન સ્‍પોર્ટસ સંકુલ બનશે

મવડીમાં નવું નઝરાણુ : વોર્ડ નં. ૧૨ના પુનિત ૮૦ ફુટ રોડ અને વગળ ચોકડી વચ્‍ચે ૧૨ હજાર ચો.મી. જગ્‍યામાં ૯,૫૦૦ ચો.મી.નું બાંધકામ થશે : આ સંકુલમાં બાસ્‍કેટ બોલ, ટેબલ ટેનીસ, જીમ, શુટીંગ રેન્‍જ, આર્ચર પોઇન્‍ટ તથા બાસ્‍કેટ બોલ, ટેનીસ, વોલીબોલ તથા સ્‍કેટીંગ, યોગ સહિત ૧૦ ગેમની સુવિધા

રાજકોટ તા.૨૧: મ.ન.પા.દ્વારા શહેરના મવડી વોર્ડ નં. ૧રના મવડી વિસ્‍તારમાં પુનિત ૮૦ ફુટ રોડ મવડીની પાળ રોડ પરના વગળ ચોકડી વચ્‍ચે ૧૨ હજાર ચો.મી.ની વિશાળ જગ્‍યામાં અંદાજીત ૨૨.૩૩ કરોડનાં ખર્ચે સ્‍પોર્ટસ સંકુલ બનાવવા મ્‍યુનિ. કમિશ્‍નર તંત્ર મારફત દરખાસ્‍ત મોકલવામાં આવી છે. આવતીકાલેથી સ્‍થાયી સમિતિમાં નિર્ણય કરાશે.

આ દરખાસ્‍તની માહિતી આપતા પુષ્‍કર પટેલે જણાવ્‍યુ હતુ કે,  આ સ્‍પોર્ટસ સંકુલમાં બાસ્‍કેટ બોલ, વોલીબોલ, ટેનીસ, બેડમિન્‍ટન, જીમ, સહીતની સુવિધાવાળુ સ્‍પોર્ટસ સંકુલ મવડી ત્‍થા આસપાસના વિસ્‍તારોના રહેવાસીઓના લાભાર્થે નિર્માણ કરવાનું આયોજન છે.

આ આયોજન મુજબ મવડી વિસ્‍તારમાં આવેલ ૧૨,૦૦૦ ચો.મી.ના પ્‍લોટમાં જગ્‍યામાં  વિશાળ સ્‍પોર્ટસ સંકુલ બનશે જેમાં બાસ્‍કેટ બોલ મેદાન ઉપરાંત ર-ટેનીસ કોર્ટ, ૧-વોલીબોલ મેદાન તથા સ્‍કેટીંગ રીંગ વગેરે બહારની સાઇડમાં બનશે.

જયારે ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં ૬- બેડમિન્‍ટન કોર્ટ બનશે ઉપરાંત સ્‍કવોશના બે કોર્ટ, જીમ, ચેસ, કેરમ, ૬-ટેબલ ટેનીસ તથા યોગ સહિતની સુવિધા પણ ઉપલબ્‍ધ બનાવાશે.

આ સ્‍પોર્ટસ સંકુલમાં ૮ પાર્કિંગ  બનશે. પ૦ થી ૬૦ કાર સામાય તે માટે કાર પાર્કિંગ પણ બનાવશે.

આ ઉપરાંત લેન્‍ડ સ્‍કેપીંગ ગાર્ડન સાથેનું આ સ્‍પોર્ટ સંકુલ રેસકોર્ષથી ૨ાા ગણુ વધુ મોટુ એટલે ૧૮૦૦ ચો.મી.નો પ્‍લે એરિયા રહેશે. જેમાં ૧૨૦૦ પ્રેક્ષકોની બેઠક વ્‍યવસ્‍થા રહેશે.

આ સ્‍પોર્ટ સંકુલના કામ માટે મનપા તંત્ર દ્વારા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવતા ૫ કોન્‍ટ્રાકટરોએ રસ દાખવ્‍યો હતો. જેમાં L1 ગુરૂકૃપા કન્‍સ્‍ટ્રકશને એસ્‍ટીમેન્‍ટથી ૧૨.૮૦ ટકા વધુ ભાવ રજૂ કર્યા હતા.

 

શુટીંગ અને આર્ચરી ગેમનાં મેદાનની ખાસ વ્‍યવસ્‍થા

શહેરમાં ઓલિમ્‍પક કક્ષાની શુટીંગ અને આર્ચરી ગેમ માટે કોઇ જ વ્‍યવસ્‍થા નથી. ત્‍યારે મ.ન.પા. એ તેનો ખાસ વિચાર કરી આ નવા સ્‍પોર્ટસ સંકુલમાં ૧૦મી આર્ચરી રમત માટે મહિલા અને પુરૂષના અલગ-અલગ ૧૮×૮ મીટરના એક-એક હોલ તથા શુટીંગ રેન્‍જ માટે ૨૮થ૮ મી.ના એક-એક રૂમ બનશે. બંને ગેમમાં ખેલાડીઓને પ્રેકટીસ માટેના મેદાનોની વ્‍યવસ્‍થા કરાશે.

રમતવીરોને મનપાની બીજી ભેટ : ઇન્‍દોર સ્‍ટેડિયમમાં ભારણ ઓછું થશે

મવડી સ્‍પોર્ટસ સંકુલ બનવાથી રમતવીરોનો સમય બચશેઃ વધુ પ્રેકટીસ કરી શકશે

મનપા દ્વારા શહેરમાં બીજુ અદ્યતન સ્‍પોર્ટસ સંકુલનું નિર્માણ મવડી વિસ્‍તારમાં કરવામાં આવનાર છે. જે માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ પણ કરી દેવામાં આવ્‍યું છે. જે એજન્‍સી ટેન્‍ડર મેળવશે તેણે વર્ક ઓડર મળ્‍યાના ૧૫ મહિનામાં સંકુલનું બાંધકામ પુરૂં કરવાનું રહેશે.

ન્‍યુ રાજકોટમાં સ્‍પોર્ટસ સંકુલ બનવાથી રમત વીરો પાસે રેસકોર્ષ સંકુલના ઇન્‍ડોર સ્‍ટેડીયમ સીવાયનો પણ વિકલ્‍પ મળશે. ઉપરાંત હાલ ઇન્‍ડોર સ્‍ટેડિયમમાં જે ભારણ છે તે પણ ઘટશે. સાથે જ શહેરના છેવાડેથી રેસકોર્ષ ઇન્‍ડોર સ્‍ટેડીયમ સુધી પ્રેકટીસ માટે આવતા રમતવીરોનો આવવા-જવાનો સમય બચવાથી તેઓ વધુ સમય પ્રેકટીસ માટે પણ આપી શકશે.

(4:00 pm IST)