Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાલે મનપાની જમ્‍બો સ્‍ટેન્‍ડીંગ : ૬૩ દરખાસ્‍તો

ગ્રો-ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણ, એનીમલ હોસ્‍ટેલ, ઢોર ડબ્‍બાનું સંચાલન સંસ્‍થાને સોંપવા, પ૦ મીની ટીપર ખરીદવા સહિતના વિકાસ કામોના નિર્ણયો થશે

રાજકોટ,તા.૨૧: આવતીકાલે મળનાર મ્‍યુ.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિગ કમિટીની મિટિંગમાં ગો ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણની કામગીરી કરવા, રોણકીની એનીમલ હોસ્‍ટેલ અને  મનપાના ઢોર ડબ્‍બાનું સંચાલન સંસ્‍થાને સોંપવા તથા ૫૦ મીની ટીપર ખરીદ કરવા સહિતની ૬૩ દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવશે.

આવતીકાલે તા.૨૨નાં બપોરે ૧૨ કલાકે મહાનગર પાલિકાની કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડિગ કમિટિ કોન્‍ફરન્‍સમાં રૂમમાં સ્‍ટેન્‍ડિગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલની અધ્‍યક્ષતામાં મીટીંગ યોજાશે. જેમાં શહેરનાં વિવિધ વિકાસ કામોની ૬૩ દરખાસ્‍તોની ચર્ચા થશે. જેની વિગતો આ મુજબ છે.

સદભાવના ટ્રસ્‍ટના પ્રતિ વૃક્ષના રૂા.૧૮૦૦ ભાવ આવ્‍યા

મનપા દ્વારા ગત વર્ષની માફક શહેરમાં બહોળા પ્રમાણમાં વૃક્ષા રોપણ થાય અને વૃક્ષોનો ઉછેર થાય તે હેતું થી ખાડા ખોડાણ, જરૂરી માટી ખાતર, વૃક્ષના રોપઓ, ટ્રી ગાર્ડસ તથા વૃક્ષોનું વાવવેતર ૩ વર્ષ સુધી પીયત આપી વૃક્ષ ઉછેરી આપવા સુધીની સંપુર્ણ કામગરી એન્‍જીયો, સામાજીક સંસ્‍થા દ્વારા કરવામાં આવે તે માટેના રૂપિયા ૬૦ લાખનો ખર્ચ મંજુર કરી આવાકામોના જાણકાર તથા અનુભવી સંસ્‍થા પાસેથી આ કામ માટે ભાવ મગાવવામાં આવ્‍યા હતા. જેમાં બે સંસ્‍થાએ રસ દાખવ્‍યો છે. એલ-૧ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટે પ્રતી વૃક્ષના રૂા. ૧૮૦૦ ભાવ આવ્‍યા છે. ગત વર્ષે રૂા. ૬૫૦ થી ૧૨૫૦ લેખે કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત મહાનગરપાલિકાની જગ્‍યામાં રોણકી ખાતેની એનિમલ હોસ્‍ટેલ તથા ઢોર ડબ્‍બાનું ગૌશાળા ટ્રસ્‍ટ સંસ્‍થાને જન ભાગીદારીથી સંચાલન સોંપવા ભાવ મંગાવવામાં આવ્‍યા હતા. જેમાં એનિમલ હોસ્‍ટેલમાં મોટા પશુના પ્રતિદિનના રૂા. ૨૮ તથા નાના પશુના રૂા. ૧૪ તેમજ ઢોર ડબ્‍બામાં મોટા પશુના રૂા. ૫૦ પ્રતિદિનના તથા નાના પશુના રૂા. ૩૫ ભાવ વિવિધ સંસ્‍થા દ્વારા આવ્‍યા છે. જે ખર્ચ મનપાએ સંસ્‍થાને ચુકવવો પડશે. શહેરમાં સફાઇની વધુ સુદ્રઢ કામગીરી માટે ૫૦ મિનટ પર ખરીદ કરવા, શહેરના વિવિધ વિસ્‍તારોમાં ડી.આઇ. પાઁઇપલાઇન, પેવિંગ બ્‍લોક સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.

(4:22 pm IST)