Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પંચાયતોને બિનખેતીની સત્તા પરત અપાશે?

સરકાર બદલાતા સમીકરણો બદલાવાનો સંકેતઃ લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકાર મળવો જોઇએઃ ભરત બોઘરાની સરકારમાં રજુઆત

રાજકોટ તા.૨૧: તાલુકા-જિલ્લા પંચાયતોને બિનખેતીની સતા પરત મળે તેવી શકયતા ડોકાઇ રહી છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ અંગે સરકારમાં કરેલી રજુઆતને આશાસ્પદ પ્રતિભાવ મળ્યાનું જાણવા મળે છે. ભૂતકાળમાં પંચાયતની કારોબારી સીમતિ હસ્તક જમીન બિનખેતી કરવાની સતા હતી. તે વખત કારોબારીનો 'કારોબાર' બદનામ થતા વિજયભાઇ રૂપાણીની સરકારે એક ઝટકે પંચાયતો પાસેથી બિનખેતીની સતા  આંચકી લઇ કલેકટરોને આપી હતી. બિનખેતી પ્રક્રિયા ઓનલાઇન કરેલ પરંતુ તેના અપેક્ષિત ફળ મળ્યા નથી. હાલ રાજકોટમાં જ બિનખેતીને લગતો 'વહીવટ' ચર્ચાસ્પદ બન્યો છે.

વિજયભાઇની સરકારે બિનખેતીની સતા આંચકી લીધા પછી તેને પરત આપવા તેમની સમક્ષ રજુઆત થયેલ પરંતુ તેમને સ્પષ્ટ ના પાડી દીધી હતી. હાલ શાસક પક્ષ નથી બદલાયો પણ નેતૃત્વ બદલાતા બિનખેતીની સતા નિયમોમાં સુધારા સાથે ફરી પંચાયતોને સોપવાની વાતો શરૂ થઇ છે. સરકાર કક્ષાએ આ મુદ્દો વિચારાધીન બની શકે છે હજુ કોઇ નિર્ણય થયો નથી.

દરમિયાન આ અંગે ભરત બોઘરાને પૂછતા તેમણે અકિલાને જણાવેલ કે લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અધિકાર મળવો જોઇએ. અમે બિનખેતીની સતા ફરી તાલુકા, જિલ્લા પંચાયતોને આપવા સરકાર સમક્ષ રજુઆત કરી છે.

(12:44 pm IST)