Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

હાશ... લક્ષ્મીનગર અન્ડરબ્રિજ ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે

મેયર તથા મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓની સ્થળ મુલાકાત : પોપટપરા નાલાની સમસ્યા નિવારવા કાર્યવાહી હાથ ધરાશેઃ મેયરની ખાત્રી

રાજકોટ તા. ૨૧ : શહેરના વોર્ડ નં.૦૮ નાનામવા મેઈન રોડના છેડે આવેલ લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસને વધુ પહોળાઈનું બનાવાવા માટે ચાલી રહે અન્ડરબ્રિજની સ્થળ મુલાકાત આજે મેયર અને મ્યુ. કમિશનર સહિતના પદાધિકારીઓ - અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ બ્રીજનું કામ ૧૦ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા રોડના છેડે લક્ષ્મીનગર નાલુ આવેલ છે. આ નાલામાં ચોમાસા દરમ્યાન આવનજાવન માટે ખુબજ મુશ્કેલી ઉભી થતી હતી. તેમજ અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી. ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે હૈયાત નાલાના સ્થાને પહોળાઈ ધરવાતા અન્ડરબ્રિજ બનાવવાના કામના ભાગરૂપે રેલ્વે વિભાગ સાથે 'ડીપોઝીટ વર્ક' તરીકે કામ કરાવવાનું નક્કી થયેલ. જેના અનુસંધાને રેલ્વે વિભાગ દ્વારા એજન્સીને તા.૨૪થી ઓર્ડર આપી કામગીરી શરૂ કરાયેલ. ચાલી રહેલ અન્ડરબ્રીજની કામગીરીની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડે.કમિશનર સી. કે. નંદાણી, એ.આર. સિંઘ, એડી.સિટી એન્જીનીયર કમલેશભાઈ ગોહિલ, હેમેન્દ્રભાઈ કોટક, રેલ્વે અધિકારી તેમજ એજન્સી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કામ માટે રૂ.૨૪.૯૧ કરોડ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીપોઝીટની રકમ જમા કરાયેલ છે. હયાત નાલાની જગ્યાએ બે નવાં બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ ૫૦ મીટર લંબાઇ * ૭.૫૦ મીટર પહોળાઇ તથા ૪.૫૦ મીટરની ઉંચાઇ રહેશે. પેડસ્ટ્રીયલ બોકસની સાઇઝ ર.૫૦ ** ર.૯૦ મીટર રહેશે. તથા ટાગોર રોડ સાઈડ ૧૧૬ મીટર તથા નાનામવા સાઈડ ૧૩૫ મીટર એપ્રોચ રોડઙ્ગ ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યાવસ્થા કરવામાં આવશે.

આ અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોને શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડજર પાસ બનાવવાની કામગીરી રેલ્વેઙ્ગ વિભાગ મારફત કરવામાં આવશે.

નાનામવા રોડ સાઈડ ખુબજ ડેવલપ થયેલો હોય આ નાલાનો ઉપયોગ દરરોજ હજારો લોકો આવનજાવન તરીકે કરતા હતા. જેથી આ કામગીરી ઝડપથી થાય તે ખુબજ જરૂરી છે. આગામી ૧૦ ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા એજન્સીને મેયર સહિતના પદાધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવેલ.

વિશેષમાં, મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, આગામી સમયમાં પોપટપરા નાલાની સમસ્યા નિવારવા પણ કાર્યવાહી હાથ ધરાશે.

(3:09 pm IST)