Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દિવાળી-દેવદિવાળી પર્વ પર ચાઇનીઝ તુક્કલ-લેન્ટર્નના ઉત્પાદન, વેંચાણ, ઉપયોગ પર પ્રતિબંધ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી આદેશનું કડક પાલન કરવા સુચના આપીઃ ભંગ કરનારા સામે થશે કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: દિવાળી અને દેવ દિવાળીના પર્વ અંતર્ગત ચાઇનીઝ ચતુક્કલ કે લેન્ટર્નના ઉત્પાદન, વેંચાણ, ઉપયોગ કરવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે અને તેનો કડક અમલ કરવા આદેશ કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દિવાળી અને દેવદિવાળી જેવા અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાવવામાં આવે છે. તુકકલમાં હલકી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે. તેમજ સળગતી તુકકલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને ઘણું જ નુકશાન થાય છે. ઉપરાંત શહેરની મધ્યમાં એરપોર્ટ (એરોડ્રામ) આવેલ હોઇ આથી આવી બાબત નિવારવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દિવાળી તહેવાર અંતર્ગત ચાઇનીઝ તુક્કલ કે લેન્ટર્નના ઉપયોગ પર, વેંચાણ કરવા પર ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરીના ઓર્ડર મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી શહેર કમિશનરેટ  વિસ્તારમાં દિવાળી તેમજ દેવદિવાળી પર્વને અનુલક્ષીને તા.૨૪/૧૦ના રાત્રીના ૧૨:૦૦ થી તા.૧૫/૧૧ના રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાઇનીઝ તુકકલ કે ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ કે ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કોઇપણ વ્યકિત ચાઇનીઝ તુકકલ કે ચાઇનીઝ લેન્ટર્નનું ઉત્પાદન, વેચાણ કરી શકશે નહી અને આમ પ્રજાજનો આ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેન્ટર્ન ઉડાડી શકશે નહિ.

આ જાહેરનામાનો અમલ તમામ લોકોએ કડકપણે કરવાનો રહેશે. જે કોઇપણ હુકમનો ભંગ કરશે તેની સામે જીપીએકટ  કલમ-૧૩૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(3:28 pm IST)