Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ડાયવર્ઝનને કારણે વાહન વ્યવહાર વધી ગયો હોવાથી વેપારીઓને સહકાર આપવા જણાવાયું

મોચીબજાર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા ટ્રાફિક પોલીસ અને આરએમસીની ઝુંબેશ

એસીપી મલ્હોત્રાની સુચનાથી પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમે ૧૪ વેપારીઓને દંડ ફટકાર્યોઃ બે બાઇક ડિટેઇન કર્યાઃ દૂકાન બહાર માલ ન રાખવા કડક સુચના અપાઇ

રાજકોટઃ શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાયેન્ગલ બ્રિજનું કામ ચાલી રહ્યું હોઇ આ કારણે હોસ્પિટલ ચોકથી ડિલકસ ચોક સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ કારણે નાગરિક બેંકથી મોચી બજાર કોર્ટ સુધીના રસ્તા પર અને મોચી બજારથી પરાબજાર તરફ જવાના રસ્તા પર વાહન વ્યવહાર વધી ગયો હોવાથી રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. ટ્રાફિક બ્રાંચના એસીપી વી.આર. મલ્હોત્રા અને મ્યુ. કોર્પોરેશનના જગ્યા રોકાણ શાખાના અધિકારીએ સાથે મળી રસ્તા પર નિરીક્ષણ કર્યા બાદ એવું માલુમ પડ્યું હતું કે વેપારીઓ પોતાની દૂકાનનો ઘણો સામાન બહાર રોડ પર રાખતાં હોઇ તેમજ પોતાના ટુવ્હીલર સહિતના વાહનો પણ દૂકાન પાસે જ રાખતાં હોઇ આ કારણે અડધો અડધ રોડ બંધ થઇ જાય છે અને ટ્રાફિક જામ થવા પાછળ આ પણ મહત્વનું કારણ છે. વેપારીઓને હાલમાં ડાયવર્ઝનનું કામ ચાલુ હોઇ સહકાર આપવા જણાવાયું હતું  અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતે પોતાનો સામાન અને વાહન રાખવા કહેવાયું હતું. પરંતુ નિયમોનું પાલન થતું ન હોઇ ગત સાંજે ટ્રાફિક બ્રાંચના પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમે આર.એમ.સી.ના અધિકારી તથા ટીમને સાથે મળી મોચી બજારમાં ઝુંબેશ શરૂ કરી હતી. ટ્રાફિકને અડચણરૂપ હોય તેવા ૧૪ વાહન ડિટેઇન કરાયા હતાં. મહાનગર પાલિકાની ટીમે વેપારીઓએ દૂકાન બહાર ખડકેલો સામાન જપ્ત કર્યો હતો. બે વેપારીએ દંડ ભરવાનો ઇન્કાર કરતાં તેમના વાહન ડિટેઇન કર્યા હતાં. મોટે ભાગે કદી પણ પોલીસે કે મહાનગર પાલિકાએ વેપારીઓને થોડો ઘણો સામાન બહાર રાખવાની ના પાડી નથી. પરંતુ હાલમાં ડાયવર્ઝનને કારણે આ રસ્તાઓ પર ટ્રાફિક વધુ રહેતો હોઇ વેપારીઓને સહકાર આપવા જણાવાયું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)