Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂનું ધોવાણ અટકાવવા સરકાર અને ભાજપ મોવડી મંડળ દિવાળી સુધી ધૂમ-ધડાકા કરશે

ઉચ્ચ શિક્ષણના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-ગ્રેડમાંથી બી-ગ્રેડ અને હવે ડી-ગ્રેડ તરફ લઇ જતા ઉચ્ચ સત્તાધીશ સામે તોળાતા આકરા પગલા : ઐતિહાસિક પગલાની ગણાતી ઘડીઓ

(ઉદય વેગડા દ્વારા) રાજકોટ તા. ૨૧ : સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી... સંશોધન અને નવા અભ્યાસ ક્રમ માટે જાણીતી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ અને ગરિમા માત્ર સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાત, ભારત ઉપરાંત વિદેશમાં પણ પદવીનું ખૂબ ઉચ્ચ મૂલ્યાંકન કરાવનાર પૂર્વ કુલપતિ ડો. કનુભાઇ માવાણીના છ વર્ષના કાર્યકાળમાં અપૂર્વ સિધ્ધી મળી છે પરંતુ ક્રમાનુસાર ગૌરવ વધવાના બદલે દિન પ્રતિદિન યુનિવર્સિટીની ગરિમા હણાય રહી છે.

છેલ્લા કેટલાક સમયથી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે શિક્ષણધામને બદલે રાજકીય અખાડો બની ગઇ હોય તેમ સતત ને સતત વિવાદમાં જ રહે છે. કુલપતિ - કુલનાયક વચ્ચે ચાલતા વિખવાદ અને ભાજપના સિન્ડીકેટ સભ્યો વચ્ચે સંકલનનો અભાવને પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીનું આબરૂનું સતત ધોવાણ થઇ રહ્યું છે. આ સંજોગોમાં હવે રાજ્ય સરકાર અને ભાજપ મોવડી મંડળે ધોવાણ અટકાવવા દિવાળી પહેલા જ ધૂમધડાકા કરવાનું મન બનાવ્યા હોવાનું જાણવા મળે છે.

અગાઉ ફોરસ્ટાર - એ ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્તમાન સમયમાં બી-ગ્રેડ હાંસલ કર્યો છે. અગાઉ નવ મહિના તો સાવ ગ્રેડ વિનાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની ગઇ હતી.

કુલપતિ - કુલનાયક અને ભાજપના સિન્ડીકેટ સભ્યો વચ્ચે સંકલનનો અભાવ અને સૌ મનમાની કરતા હોય અંગતહિતને ધ્યાનમાં રાખતા હોય વિદ્યાર્થી 'બચારો' બની ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ ઓછું અને તમાસો વધુ. દર મહિને લાખોનો પગાર કટકટાવતા અધ્યાપકોએ ભણાવવાનું ઓછું કર્યું હતું પરંતુ હવે યુનિવર્સિટીએ જવાનું કેટલાકે માંડી વાળ્યું છે. યુજીસી અને રાજ્ય સરકારના નિર્દેશ મુજબ અમુક કલાક શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે પરંતુ માત્ર હાજરી પૂરાવીને કે એકીસાથે અગાઉના દિવસની કેટલાક અધ્યાપકો હાજરી પૂરાવતા હોવાની ફરિયાદો ઉઠી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા અભ્યાસક્રમને બદલે મોટાભાગના સિન્ડીકેટ સભ્યો ધંધાદારી કોલેજોમાં ભાગીદારી ધરાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગ્રાન્ટેડ કરતા ખાનગી કોલેજોના લાભાર્થે અનેક નિર્ણયો થતા હોવાની ફરીયાદો ઉઠી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૮૮ કરાર આધારીત અધ્યાપકોના ઓપન ઇન્ટરવ્યુમાં બે વ્યકિતની ભલામણ ન ચાલતા તેઓએ  ભાજપ સંકલનમાં ખાનગી ભલામણ વાયરલ કરી દેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અને ભાજપ સરકારનું નાક વઢાય ગયું છે. હરીફ જુથને પાડી દેવાના ષડયંત્રો હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે ત્યારે સરકાર અને ભાજપ મોવડી મંડળે પણ ગંભીર નોંધ લીધી છે.

એ-ગ્રેડ અને ફોર-સ્ટારથી લાખો વિદ્યાર્થીઓની ડીગ્રીનું મહત્વને ધૂળ-ધાણી કરનાર વર્તમાન સીન્ડીકેટ સભ્યો, કુલપતિ, કુલનાયક સામે રાજ્ય સરકાર અને ભાજપ મોવડી મંડળ સખ્ત નારાજ હોવાની ચર્ચા ચાલે છે.

દિવાળીના તહેવારોની મોસમ શરૂ થઇ રહી છે. દિવાળી મહાપર્વ આડે હવે માત્ર ૧૫ દિવસ બાકી છે ત્યારે રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધૂમ ધડાકા કરનાર હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને ભાજપ મોવડી મંડળ લોકોને સારો મેસેજ મળે તે માટે અનેક આમૂલ પરિવર્તનની દિશામાં કાર્યરત હોવાનું અને આકરા નિર્ણયની ઐતિહાસિક ઘડીઓ ગણાય રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટુંક સમયમાં જ આંચકારૂપ ધૂમ-ધડાકા થવાની સાથે જ નવા શિક્ષણશાસ્ત્રીઓની સાથે વિદ્યાર્થીઓની પદવીનો પણ ઉદય થવાની શકયતા નિહાળી રહ્યા છે.

(3:40 pm IST)