Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

૧૦૦ કરોડ ડોઝની ઉજવણી : શહેરના આરોગ્ય કેન્દ્રોમાં દિવાળી

રંગોળી, દિવા, તોરણ વગેરે સુશોભિત કરાયા : મેયર અને મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓ - પદાધિકારીઓએ શ્યામનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી

રાજકોટ : આજે સમગ્ર દેશમાં કોરોના વેકસીનના ૧૦૦ ડોઝ અપાયાની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટ મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રોને તોરણ, રંગોળી, દિવાથી સુશોભિત કરી અને દિવાળી જેવો ઉત્સવ ઉજવાયેલ તે વખતની તસ્વીરમાં મેયર ડો. પ્રદિપ ડવ, મ્યુ. કમિશનર અમિત અરોરા, આરોગ્ય અધિકારી ડો. રાઠોડ તેમજ નર્સીંગ સ્ટાફ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : દેશમાં વેકિસનેશન મહાઅભિયાનમાં ૧૦૦ કરોડ ડોઝની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આરોગ્ય કેન્દ્રોમાં રંગોળી, દીવા, તોરણ વિગેરે સુશોભિતથી ઉજવણી શરૂ કરાઇ છે. જે અંતર્ગત શ્યામનગર આરોગ્ય કેન્દ્રની સ્થળ મુલાકાત લઇ મેયર સહિતના અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરે કેન્દ્રના કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

છેલ્લા ૨ વર્ષથી વધુ સમયથી દેશમાં વિશ્વ કક્ષાએ વૈશ્વિક કોરોના મહામારી ઉદભવેલ છે. કોરોના મહામારી સામે લડવા ભારત દેશે જબરદસ્ત કામગીરી કરેલ છે. જેના કારણે ભારત દેશમાં કોરોનાને રોકવામાં સફળતા મળેલ છે. કોરોના સામે રક્ષણ મેળવવા ખુબજ ટૂંકાગાળામાં કોરોનાની વેકિસન ઉપલબ્ધ થયેલ છે. આ વેકિસન કોરોના સામે રામબાણ ઈલાજ તરીકે પૂરવાર થયેલ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નિઃશુલ્ક વેકિસન આપવાનો નિર્ણય કરેલ. જેના અનુસંધાને દેશમાં નિઃશુલ્ક વેકિસન આપવામાં આવી રહી છે.

ભારત દેશ વેકિસનેશન મહાઅભીયાનમાં ૧૦૦ કરોડના આંકડાને ટૂંક સમયમાં પર થનાર છે. આવા ભગીરથ કાર્યને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે રાજયમાં ઉજવણી કરવાનું આયોજન છે. ઉજવણીના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ પણ આરોગ્ય કેન્દ્ર પર આજ તા.૨૧ના રોજ રંગોળી, તોરણ તેમજ દીવાથી ૧૦૦ કરોડ વેકિસન મહાઅભિયાન પ્રતિકૃતિ બનાવવામાં આવેલ છે. આ ઉજવણી અંતર્ગત વોર્ડ નં.૧માં લાખના બંગલાવાળા રોડ પર આવેલ શ્યામનગર આરોગ્ય કેન્દ્રની મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા એ સ્થળ મુલાકાત લીધેલ. આરોગ્ય અધિકારી ડો.વાંજા તથા ડો.પી.પી. રાઠોડ શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેલ.

શહેરમાં ૮૬ ટકા નાગરિકોએ રસી લીધી

મહાનગરપાલિકા પણ વેકિસનેશન અભિયાન ચલાવી રહ્યું છે. આ વેકિસનેશન મહાઅભિયાનમાં શહેરમાં ગઈકાલ સુધીમાં પ્રથમ ડોઝ ૧૧,૩૦,૮૭૨ (૯૮.૯૭%) લોકોને આપવામાં આવેલ છે. જયારે બીજો ડોઝ ૬,૪૪,૩૦૫ (૮૫.૯૮%) લોકોને આપવામાં આવેલ છે.

(3:41 pm IST)