Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મનપાના જુ. કલાર્કની પરીક્ષામાં ગરબડ ન થાયઃ અધિકારીઓ-કર્મચારીઓને તાકિદ કરતા અમિત અરોરા

રાજકોટ : મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક સંવર્ગની ૧૨૨ જગ્યા ભરવા માટે આગામી તા.૨૪ ના રોજ  અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ એમ કુલ-૦૬ શહેરોમાં લેખિત પરીક્ષાનુ મેગા આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા સુચારૂ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય અને પૂર્ણ થાય તે હેતુસર સંબંધિત અધિકારી/કર્મચારીઓને વિવિધ કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવેલ છે, જે અનુસંધાને આજે તા. ૨૧ રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ પરીક્ષામાં હુકમ કરેલા અધિકારીઓ/કર્મચારીઓ સાથે પરીક્ષા સંલગ્ન બાબતે મીટિંગ યોજી હતી. મીટિંગ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ/કર્મચારીઓને સાથે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રીની કોવીડ અંગેની માર્ગદર્શિકા અનુસાર આવશ્યક પ્રોટોકોલનું પાલન થાય તે માટે જરૂરી કાળજી રાખવી,  પરીક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી લેવી, પરીક્ષા કેન્દ્રના પ્રવેશ દ્વારા પર કોઇ સમસ્યા ન સર્જાય તેની કાળજી રાખવી, બિનજરૂરી પ્રશ્નો ન ઉદભવે તેનું ધ્યાન રાખવુ વિગેરે બાબતમાં મ્યુનિ. કમિશનર અને અધિકારીઓ- કર્મચારીઓ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

(3:54 pm IST)