Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

ચક્કર આવતાં ઉભા રહ્યા, ઉલ્‍ટી કરતી વેળાએ પૂલ પરથી પડી જતાં આનંદભાઇ ઘેટીયાનું મોત

મહાદેવવાડીના વેપારી યુવાન ૨૦મીએ ગોંડલ રોડ પૂલ પરથી પડી ગયા બાદ સારવાર હેઠળ હતાં: ગત રાતે

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ મહાદેવ વાડી ત્રિમુર્તિ ટાવર પાસે શ્રીકૃષ્‍ણ મકાન ખાતે રહેતાં વેપારી  યુવાન આનંદભાઇ જમનભાઇ ઘેટીયા (ઉ.વ.૩૫) નામના યુવાન ગત ૨૦મીએ ગોંડલ રોડ સ્‍વામિ વિવેકાનંદ પૂલ પરથી પડી જતાં સારવાર હેઠળ હતાં. તેનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ આનંદભાઇ ઘેટીયા બાથરૂમને લગતી ચીજવસ્‍તુઓનો વેપાર કરતાં હતાં. તા. ૨૦ના રોજ તેઓ મોટર સાઇકલ હંકારીને ગોંડલ રોડ પૂલ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે તેમને ચક્કર આવતાં વાહન ઉભુ રાખીને ઉભા રહ્યા હતાં. દરમિયાન તેમને ઉલ્‍ટીઓ થવા માંડતા તે પૂલ પરથી નીચેની તરફ નમીને ઉલ્‍ટી કરતાં હતાં ત્‍યારે બેલેન્‍સ ગુમાવતાં પડી જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. અહિ ગત સારવારમાં દમ તોડી દેતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર આનંદભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતાં. પરિવારના આશાસ્‍પદ યુવાન દિકરાના મૃત્‍યુથી ગમગીની છવાઇ ગઇ હતી.

(4:56 pm IST)