Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગુજરાતમાં અનડિકલેર્ડ ઇમરજન્સી : ૨૦૦ ખેડૂતો નજરકેદમાં

ખેડૂતબીલથી પ્રજા મોંઘવારીમાં પીસાય જશે : દિલ્હીમાં ૨૬મીએ પરેડ થશે : પંજાબના ખેડૂત આગેવાન અમરીન્દરસિંહે સહયોગની કરી અપીલ : કિસાન સંઘર્ષ સમિતિના અરૂણ મોતા - પાલ આંબલિયાનો પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ : જ્યાં સુધી ખેડૂત સંમેલનની મંજુરી નહી ત્યાં સુધી ધરણા - જેલ ભરો આંદોલન

ખેડૂત સંમેલન અંગે કિસાન સંઘર્ષ સમિતિએ પત્રકાર પરિષદ યોજી હતી તે વખતની તસ્વીરમાં દિલ્હી ખેડૂત આંદોલનના ખેડૂતો અમરજીતસિંઘજી તથા ગુજરાતના અરૂણ મેતા, પાલ આંબલિયા વગેરે વિગતો આપી રહેલા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨ : આજે રાજકોટ પહોંચેલા દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનના અગ્રણી અમરજીતસિંઘજીએ હોટલ મિન્ટ ખાતે યોજાયેલ કિસાન સંઘર્ષ સમિતિની પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે ૫૭ દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર ખેડૂત બીલ વિરોધી આંદોલન ચલાવી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ખેડૂત બીલ ખેડૂત વિરોધી તો છે જ પરંતુ સાથે સાથે સામાન્ય પ્રજા માથે મહામોંઘવારીમાં પીસાઇ જવા સમાન છે. આથી જ આ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સામાન્ય પ્રજા જોડાશે તો સરકારને આ બિલ પાછુ ખેંચવા મજબૂર થશે.

પંજાબના આ ખેડૂતે જણાવેલ કે, જો ખેડૂત બીલ અમલી થશે તો ખેડૂતો પતી જશે અને અદાણી - અંબાણી જેવી કંપનીઓ નફાખોરી કરશે પરંતુ હવે આ કૃષિ બીલ સામે પ્રચંડ વિરોધ થતાં સરકારે ૧૧મી વખત મીટીંગ કરી છે. તેનો અર્થ એ છે કે કયાંક કંઇક ખોટું થયું છે.

દરમિયાન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના અરૂણ મેતા તથા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ખેડૂત બિલ અંગે 'ખેડૂત સંમેલન' બોલાવાયું હતું પરંતુ ગુજરાતની ભાજપ સરકારે રાજ્યમાં અનડિકલેર્ડ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જી અને આજે ૨૦૦ ખેડૂતોને નજર કેદ કરી નાખ્યા છે.

પાલ આંબલિયાએ જણાવેલ કે, ભારત સરકારે ૧, ધ ફાર્મર પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોર્મસ એકટ ર૦ર૦ તેમજ ર, ફાર્મસ એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એન્સયુરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એકટ–ર૦ર૦ નામથી ખેડુતોને લગત કાયદાઓ અમલમાં મુકેલ છે. આ ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુ ધારામાં ફેરફાર કરતો કાયદો પસાર કરેલ છે. આ રીતે ભારતદેશની જનતા અને ખાસ કરીને ખેડૂતોને સીધી અસર કરે તેવા  કુલ ત્રણ કાયદાઓ ઓર્ડીનન્સ સ્વરૂપે લાવી, બાદ કાયદા સ્વરૂપે અમલમાં મુકેલ છે.

આ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડુતો આંદોલન કરી રહયા છે. તેમજ માનનીય વડાપ્રધાનશ્રીએ  આ વિષયમાં પોતાનો મત વ્યકત કરેલ છે. તેમજ આ કાયદાઓ સબંધમાં કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે

ચર્ચા પણ થયેલ છે.  આપ એ હકિકતથી પણ પરિચિત હશોકે, આ કાયદાઓ બાબતમાં ભારતદેશની સંસદમાં વિસ્તૃત ચર્ચા થયેલ નથી. તેમજ નામદાર સુપ્રિમ કોર્ટે આ કાયદાના અમલમાં રોક લગાવી છે.

દરમિયાન ગુજરાત રાજય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સભ્યો ગુજરાત રાજયમાં જુદા જુદા વિસ્તારમાં ખેડૂત હાલ સંમેલન કરી, આ કાયદાના ફાયદાઓ જણાવી રહયા છે. આવોજ એક કાર્યક્રમ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કરેલ હતો. (કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સભ્યએ  વગર પરવાનગીએ આ ખેડૂત  સંમેલન કરેલ છે તેવી  અમોને શંકા છે)

આ સ્થિતી સાથે કિશાન સંઘર્ષ સમિતિ મારફત  ઉપર જણાવેલા ત્રણ કાયદાની અસર અંગે વિસ્તૃત ચર્ચા કરી,  આ કાયદા સબંધમાં ખેડૂતોને જાગૃત કરવા  માટે આજે તા. રર/૧/ર૦ર૧ના દિવસ રાજકોટ મુકામે ખેડૂત સંમેલન કરવા માંગણી કરેલી.

આ અરજી સાથે જાહેરાત પણ કરેલીકે, ઉપરોકત જણાવેલ ખેડુત જાગૃતિ કાર્યક્રમમાં  ગુજરાત રાજયના ખેડૂત હિત માટે કામ કરતા વ્યકિતઓ,  કાયદાના જાણકારો મારફત, આ કાયદાઓ અને તેમાં આવેલી કલમો અંગે કાયદાકીય અને સામાજીક અસરની ચર્ચા કરવાની છે. તેમજ શા માટે કાયદાનો વિરોધ થાય છે, તેની ચર્ચા થશે.

આ વિષયની લેખીત અરજી આપી અમોએ તા.રર/૦૧/ર૦ર૧ ના દિવસે રાજકોટ મુકામે ખેડુત સંમેલન કરવાની પરવાનગી માંગી હતી.  આ પરવાનગી અમોને તા.ર૧/૦૧/ર૦ર૧ ૧૧ વાગ્યા સુધી ન મળતા અમોએ અમારી ટીમ સાથે પરવાનગીનો સત્યાગ્રહ કરી રાજકોટ પોલીસ કમીશ્નરની કચેરી સામે ધરણા કરેલ હતા પરંતુ અમારી સભાને મંજુરીનો પત્ર આપવાના બદલે પોલીસે અમારી ધરપકડ કરી અમોને પાંચ કલાક સુધી અટકાવી રાખેલા અને રાજકોટથી દુરના કોઠારીયા પોલીસ સ્ટેશન લઈ જઈ, પાંચ કલાક પછી શહેરની ભાગોળે અમોને છુટા કરેલા ફરીથી અમે તેમજ માગણી સાથે ધરણા કરવા પોલીસ કમીશ્નરની કચેરીએ હાજર થયેલ ફરીથી પોલીસે અમોની અટકાયત કરી અને પોલીસની વાનમાં કુવાડવા અને બામણબોર પોલીસ સ્ટેશન સુધી ફેરવી રાત્રી ભોજન આપ્યા વગર રાતના ૧૦:૦૦ વાગ્યા પછી મોૈખીક સુચનાથી પોલીસ હેડ કવાર્ટરમાંથી છુટા કરેલ આ જગ્યાએ અમારા ખર્ચે ભોજન મંગાવી ભોજન કરી અમો ફરીથી મંજુરીના આગ્રહ સાથે પોલીસ કમીશ્નર કચેરીએ ધરણા કરતા પોલીસે ત્રીજી વખત અમારી ધરપકડ કરી છે.

કાયદાને માન આપી, મંજુરી મેળવીનેજ કાર્યક્રમ યોજવા માંગીએ  છીએ, આ સંજોગોમાં અમોને સભાના આગલા દિવસ સુધી મંજુરીની કોઈ જાણ નથતા, અમોએ અમારી પોલીસ કસ્ટડી દરમીયાન જાહેર સંદેશાથી કાર્યક્રમ મુલતવીની જાહેરાત કરી દીધી. આ જાહેરાત સાથે પોલીસ અધિકારીને રૂબરૂ અને ફોનથી વિનંતી કરેલીકે, પોલીસે યોગ્ય સમયમાં મંજુરી આપી નથી, તેથી કાર્યક્રમ તા. ર૭/૧/ર૦ર૧ના દિવસે કરવાની પરવાનગી આપો, બીજી તમામ બાબતો સમાન રાખો, પરંતુ રજુઆત મુજબ તા. રર/૧/ર૦ર૧ની પરવાનગી આપી, ન તો તા. ર૭/૧/ર૦ર૧ની પરવાનગી આપી. આ સંજોગોમાં અમો ફરીથી પાંચ વાગ્યે પોલીસ કમિશ્નરશ્રી,ની કચેરીએ ધરણા કરવા આવેલ.

આ દરમિયાન ખુબજ આશ્ચર્ય વચ્ચે તા. ર૧/૧/ર૦ર૧ના દિવસે રાજયના મુખ્ય મંત્રીશ્રીએ રાજકોટ મુકામે, હજારો માણસો એકઠા કરી સભાઓ કરી છે. સરકારી અધિકારીઓ અને ભા.જ.પ.ના પદાધિકારીઓએ હજારો માણસો એકઠા કરેલ છે. આ હજારો લોકોની હાજરી જાહેર મીડીયામાં નોંધવામાં આવી છે, પરંતુ પોલીસ માત્ર કિશાનોને અને કિશાનોના અવાજને રોકી રહી છે.

આમ, ગુજરાત રાજયમાં અને ખાસ કરીને રાજકોટમાં ભા.જ.પ. પ્રમુખ સી.આર. પાટીલના કાર્યક્રમને અને વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમને જે ધોરણે મંજુરી આપેલ છે તે ધોરણે મંજુરી આપે. જો કોવિડ ગાઈડ લાઈન મુજબ સભા સ્થળની ક્ષમતા કરતા અડધી સંખ્યામાં હાજર રહેવાની છુટ અન્ય કાર્યક્રમમાં આપી હોયતો, ખેડૂતોને પણ આ પ્રકારની છુટ આપવામાં આવે.   અને અરજીના નિર્ણયની જાણ અમોને ર૪ કલાકમાં જણાવવામાં આવે. આથી મંજુરીની તમામ શરતો પાળવા અને હાજર આમંત્રીત સભ્યો પાસેથી પળાવવા ખાત્રી આપીએ છીએ.

આમ, હવે ખેડૂત સંમેલન ૨૭મીએ યોજવા મંજુરી મંગાઇ છે અને જ્યાં સુધી આ સંમેલન યોજવાની મંજુરી નહી મળે ત્યાં સુધી ખેડૂત આગેવાનો ધરણા કરી ધરપકડ વ્હોરી જેલ ભરો આંદોલન ચાલુ રાખશે તેવો પડકાર પાલ આંબલિયાએ આ તકે ફેંકયો હતો.

૨૦૦ ખેડૂતો નજર કેદમાં

કિસાન સંઘર્ષ સમિતિએ જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂત આંદોલનને દબાવી દેવા ઉપલેટા, ભાયાવદર, જેતપુર, સુરેન્દ્રનગર, પડધરી, વિંછીયા, ધ્રાંગધ્રા, સાયલા, પારડી, લોધીકા વગેરે તાલુકા મથકોના ૨૦૦ જેટલા ખેડૂત આગેવાનોને નજર કેદમાં રાખ્યા છે.

રાજકોટના ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આજના કાર્યક્રમને અનેક શરતોને આધીન મંજૂરીઃ ૨૦૦થી વધુ ભેગા થવું નહિ

માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝર, ટેમ્પરેચર ગન, ઓકસીમીટરનો ઉપયોગ કરવોઃ કાયદો વ્યવસ્થા જાળવવા સહિતની શરતો સામેલ

રાજકોટ તા. ૨૨: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીના આગેવાન ડાયાભાઇ નાનજીભાઇ ગજેરા (રહે. જીરાયા પ્લોટ ઉપલેટા)એ રાજકોટ શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ધ રેડિયસ પાર્ટી પ્લોટની બાજુમાં ધ લાયન વોટર પાર્ક સામે ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ પાસે મંજુરી માંગી હોઇ  આજે ૨૨મીએ બપોરે ૧૨:૦૦ થી સાંજના ૬:૦૦ સુધીની મંજુરી શરતોને આધીન આપવામાં આવી છે.

જે શરતો નક્કી કરી મંજુરી અપાઇ છે તેમાં તમામે કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરી સામાજીક અંતર જળવાઇ રહે તેની વ્યવસ્થા કરી, માસ્કનો ઉપયોગ કરવાનો તેમજ રોડ પર રેલી સ્વરૂપે કે સરઘસ આકારે કોઇ કાર્યક્રમો યોજવા નહિ. સભાના આયોજનમાં કાયદો વ્યવસ્થાનું પાલન કરવું. સમય મર્યાદામાં સભા શરૂ કરી નિયત સમયમાં પુરી કરવી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમજ માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ ટેમ્પરેચર ગન અને ઓકસીમીટરથી ભાગ લેનારા તમામની ચકાસણી કરવા સહિતની શરતો સામેલ છે. આ ઉપરાંત સભા-કાર્યક્રમમાં ૨૦૦ લોકોથી વધુએ એકઠા થવું નહિ એ શરતનો પણ સમાવેશ થાય છે.

(2:47 pm IST)
  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST