Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

અમરેલીના ચકચારી ભરવાડ જુથોની મારામારી સંબંધે થયેલ 'ડબલ મર્ડર' કેસમાં પકડાયેલ ચાર આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા.૨૨: ગાયો ડબ્બે ૫ુરવાના મુદ્દે ભરવાડ સમાજના બે જૂથો સામ-સામે આવી જતા થયેલ ધીંગાણામાં બે વ્યકિતઓના મૃત્યુ નિપજતા નોંધાયેલ ડબર મર્ડરના ગુન્હાના કામે પકડાયેલ ચાર આરોપીઓના જામીન અમરેલી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, અમરેલીના જીવાપરા વિસ્તારમાં રહેતા ભાવેશ વશરામભાઇ ત્રાડે પોતાની ફરીયાદ આપતા જણાવેલ હતું કે, ગત દિવાળીના સમયે અમરેલી જીવાપર વિસ્તારમાં ફરીયાદી તથા તેના પરીવારજનો અમરેલી ટ્રાફીક પોલીસને રેઢીયાળ ગાયો પકડી પાંજરાપોળમાં મૂકવામાં મદદ કરતા હોય જે બાબતે સારૂ ન લાગતા આરોપી પાંચાભાઇ ભીખાભાઇ રાતડીયાએ વ્હોટેસએપ ગ્રૃપમાં 'ભરવાડના દિકરા હોય તો હવે ગાયો ભરવા જતા નહી' તેમ કહી ભૂંડી ગાળો બોલી ઉશ્કેરણીજનક ઓડિયો કલીપો વાયરલ કરતા ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે વૈમનસ્ય ઉભુ થયેલ અને તે શાંત પાડવા સમાજના આગેવાનો અને પોલીસ અધીકારીઓના કહેવાથી બંને જૂથો વચ્ચે સમાધાન માટે બેઠક કરવાનું નક્કી કરેલ. બંને સમાજો વચ્ચે મચ્છુ-માંની વાડી, સોમનાથ મંદિર પાસેની જગ્યામાં રાત્રીના મીટીંગ કરવાનું નક્કી થયેલ. ફરીયાદીના આક્ષેપ આરોપીઓની ગાયો અમરેલી પાંજરાપોળમાં પુરાયેલ હોય તેનું મનદુઃખ રાખી બદલો લેવાના અને ઝગડો કરી માર મારવાના સમાન ઇરાદે મીટીંગના સ્થળ પાસે આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો સંતાડી રાખેલ હતા અને મીટીંગ શરૂ થયાની સાથે જ આરોપીઓ (૧) સુરેશ ઉર્ફે સુરાભાઇ વાઘાભાઇ રાતડીયા લાકડી વડે (ર) રામકુભાઇ વાઘાભાઇ રાતડીયા લોખંડનો પાઇપ તથા છરી વડે (૩) કરશનભાઇ વાઘજીભાઇ ઉર્ફે વાઘાભાઇ રાતડીયા લાકડી વડે (૪) હાજાભાઇ વાઘાભાઇ રાતડીયા લોખંડના પાઇપ વડે (પ) સંગ્રામભાઇ ઉર્ફે સગરામભાઇ નારણભાઇ રાતડીયા છરી વડ (૬) ગોપાલભાઇ નારણભાઇ રાતડીયા લોખંડના પાઇપ વડે (૭) નારણભાઇ ઉર્ફે નારૂભાઇ ભગુભાઇ રાતનડીયા લાકડી વડે (૮) કાળુભાઇ ભીખાભાઇ રાતડીયા લોખંડના પાઇપ વડ (૯) રાજુભાઇ ભીખાભાઇ રાતડીયા લાકડી વડે (૧૦) પાંચાભાઇ ઉર્ફે પાચુભાઇ ભીખાભાઇ રાતડીયા (૧૧) જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ ભણુભાઇ રાતડીયા લોખંડના પાઇપ વડે (૧૨) ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઇ રાતડીયા લોખંડના પાઇપ વડે (૧૩) ભીમાભાઇ ભગુભાઇ રાતડીયા ધોકા વડે રહે. બધા અમરેલીનાઓએ પૂર્વાયોજીત કાવતરાના ભાગરૂપે છરીઓ, લોખંડના પાઇપ, લાકડીઓ, ધોકા જેવા ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદપક્ષ ઉપર હિંચકારો હુમલો કરી દેતા હાજર ગોવિંદભાઇ રામભાઇ ત્રાડ તથા કિરણ ઉર્ફે કરશન નનુભાઇ મકવાણા નામના બે યુવાનોના મોત નિપજેલ અને સાત-આઠ જેટલા વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચાડી આરોપીઓ બધાને મારી નાખો તેવી બૂમો પાડી ભયનું વાતાવરણ ઉભું કરી દીધેલ હોવાની ફરીયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.

ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવતા આરોપી (૧) હાજા વાઘાભાઇ રાતડીયા (ર) નારણભાઇ ભગુભાઇ રાતડીયા (૩) કાળુભાઇ ભીખાભાઇ રાતડીયા (૪) જાગાભાઇ ભગુભાઇ રાતડીયાએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફતે અમરેલી સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી મુકેલી હતી.

બંને પક્ષકારોની દલીલો અંતે અમરેલીના સેશન્સ જજે આરોપીઓ તરફે થયેલ દલીલો માન્ય રાખી આરોપીઓને દર મહિને અમરેલી પોલી સ્ટેશનમાં હાજરી પુરાવા અને પાસપોર્ટ અદાલતમાં જમા કરાવવાની શરતે જામીન પર મુકત કરવા આદેશ ફરમાવેલ હતો. આમ આ કેસમાં શ્રી ગોકાણીની તર્કબધ્ધ કાયદાકીય રજુઆતોના કારણે અત્યાર સુધીમાં દસ આરોપીઓ જામીન પર મુકત થયેલા છે.

આ કામમાં બધા આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, હર્ષ ભીમાણી, ચંદ્રેશ મહેતા, વી.જે.ધ્રાંગીયા રોકાયેલ છે.

(12:59 pm IST)