Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વેકસીન જરૂરને જરૂર લેવી જ જોઇએ : ડો. જયેશ ડોબરીયા

વેકસીન લીધા બાદ શું કાળજી રાખવી, શું-શું ફાયદાઓ છે સહિત મનમાં ઉદભવતા અનેક પ્રશ્નોના જવાબ આપતા રાજકોટ-સૌરાષ્ટ્રના નામાંકીત ડો.જયેશ ડોબરીયા : ડાયાબીટીશ, બ્લડપ્રેશર જેવી બિમારીઓ છે તેવા લોકોએ તો વેકસીન ખાસ લેવી જ જોઇએ, ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવુ અને ડરવુ જોઇએ નહિ, તમામ ડોકટરોએ પણ વેકસીન લીધી, આ વેકસીન ખુબ જ સેઇફ છે : વેકસીનનો ઇતિહાસ : ૧૮મી સદીનો, ૧૯૧૪માં બ્લેકપેગ નામનો જબરદસ્ત પ્લેગ ફેલાયેલો, આ રોગ ફેફસામાંથી થતો રોગ છે, જે તે સમયે પણ અનેક લોકોના મોત થયા હતા : કોઇપણ વેકસીન બનાવતા પહેલા સૌપ્રથમ તેનુ રીસર્ચ થાય, ફેઇસ-૧, ફેઇસ-૨, ફેઇસ-૩ની મંજુરી મળ્યા બાદ તેની ટ્રાયલ થાયઃ પ્રારંભે ૧૦૦ વોલેન્ટીયરોને આ વેકસીન આપવામાં આવે, તેની આડઅસરો થાય છે કે કેમ તે તપાસવામાં આવે છે. વૈજ્ઞાનિક ધોરણે મોટી કમીટીઓ બનાવી, તેના ફાયદા, ગેરફાયદાઓ જાણ્યા બાદ તેને બજારમાં મુકવામાં આવે છે. : ૨૦૦૯માં સ્વાઇનફલુ નામનો રોગ ફેલાયો હતો ત્યારે પણ સ્વાઇનફલુની રસી માત્ર : ૬ થી ૭ મહિનામાં બની ગયેલી : ઘણા સમય પહેલા જે વ્યકિતને કોરોના થઇ ગયો હોય અને તેનામાં એન્ટીબોડીઝ ન હોય તેવા વ્યકિતઓએ પણ ચોકકસ પણે વેકસીન લેવી જ જોઇએ

રાજકોટઃ કોરોના વેકસીન લગાવવાની કામગીરી શરુ થઇ ગઇ છે. ડોકટરો, સેનાના જવાનો, પોલીસ કર્મચારીઓ, આરોગ્યના અધિકારીઓ, કોરોના વોરીયર્સ અને પ્રથમ તબકકામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોનો વેકસીન આપવા શુભકાર્યની શરૂઆત થઇ ચુકી છે. દરમિયાન વેકસીન મામલે ઘણા લોકોને મનમાં પ્રશ્નો ઉદભવે છે કે વેકસીન લગાવવી કે નહિ, આડઅસર થશે તો તેમજ બિમારી ધરાવતા વ્યકિતઓએ વેકસીન લગાવવી કે નહિ  ? આ તમામ સવાલોના જવાબ રાજકોટ-સૌરાષ્ટ્રમાં ખુબ જ નામના ધરાવતા સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ ફેસબુકના માધ્યમથી ઓનલાઇન કાર્યક્રમમાં આપ્યા હતા. જે અહિ અક્ષરસ રજુ છે.

ગત ૨૦૨૦ આખુ વર્ષ કોરોના કાળનું જ રહયું કોરોનાની શરૂઆતમાં આપણે એમ કહેતા કે કોરોનાથી કેમ બચવુ, પછી ધીમે ધીમે નકકી કર્યું કે કંઇ - કઇ દવાઓ લાગુ પડે, પછી એવુ પણ નકકી કર્યું કે કઇ-કઇ દવાઓની આડઅસર થાય, કંઇ દવા લેવી કઇ ન લેવી, કયારે હોસ્પિટલમાં દાખલ થવુ, કયારે હોમકેર ટ્રીટમેન્ટ કરવી, ગંભીર દર્દીઓ માટે શું કાળજી રાખવી. આવા ઘણા બધા પ્રશ્નો હતા.

હવે વેકસીન પણ આવી ગઇ છે. (અમેરીકા, યુ.કે. ભારતમાં કોવીશીલ્ડ સહિત ઘણી બધી વેકસીનો) તેમા પણ આપણા બૌધ્ધીક ગ્રુપો છે. તેમાં એવી ચર્ચા-વિચારણા થઇ કે આટલા ટુંકા  સમયગાળામાં કોઇ વેકસીન આવે તો શું ખરેખર ફાયદાકારક હોય ? તેની ઘણી બધી આડઅસરો કે મોટુ નુકશાન થશે તો ? આવા પ્રશ્નો સ્વાભાવીક છે. પરંતુ ભુતકાળમાં ૨૦૦૯માં જયારે સ્વાઇનફલુના  રોગ ફેલાયો હતો ત્યારે સ્વાઇનફલુની વેકસીન લગભગ ૬ થી સાત મહિનામાં જ તૈયાર થઇ ગઇ હતી અને ત્યારબાદ છેલ્લા ૧૦ વર્ષથી દર વર્ષે ફુલ શોટ આપવામાં આવે છે અને મોટાભાગે તેની કોઇજ સાઇડ ઇફેકટ નથી.

વેકસીનની જો આપણે ઇતિહાસ જોઇએ તો ૧૮મી સદીમાં એટલે કે ઇ.સ. ૧૭૯૮ની આસપાસ સૌપ્રથમ કાઉપોકસ (ગાયોમાં એક પ્રકારનુું પોકસ થતુ હતુ) અને વેકસીન શબ્દ પણ તેના ઉપરથી જ આવેલો છે. એડવર્ટ જેનર ૧૭૯૮માં કાઉપોકસની ટ્રીટમેન્ટ શરૂઆત કરેલી અને ત્યારબાદ આશ્ચરે તેના માનમાં ઘણા બધા લેખ ૧૮૮૧ ની આસપાસ રજુ કર્યા હતા.

આમ જોઇએ તો વેકસીનનો ઇતિહાસ ૧૮મી સદીનો છે. એટલે કે લગભગ ૨૦૦ વર્ષ પહેલાથી વેકસીન આપવામાં આવે છે. આપણે જોઇએ તો અગાઉ સ્વાઇનફલુ જેમ ૨૦૦૯માં આવેલો એવી રીતે પહેલા સ્પેનીશ ફલુ પણ પેન્ડેમીક હતો તમને એમ થાય કે કેટલા લોકો તેમાં મૃત્યુ પામ્યા હશે. આજની તારીખમાં આપણે જોઇએ તો કોરોનાથી લગભગ ૨૦ લાખ લોકો દુનિયામાં જયારે ભારતમાં દોઢ લાખ લોકોના અવસાન થયુ છે. જયારે ભારતમાં અત્યારસુધીમાં ૧ કરોડ પ લાખ લોકોને કોરોના થઇ ચુકયો છે. તેમાંથી લગભગ દોઢ લાખ લોકોના જીવ ગયા છે. આ નાનો આંકડો નથી જો તમે સ્પેનીસ ફલુની વાત કરો તો દુનિયાભરમાંથી ૫ કરોડ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

૧૯૧૪માં બ્લેકપ્લેગ કરીને જબરદસ્ત પ્લેગ ફેલાયેલ હતો. ઉંદરોથી ફેલાતો આ રોગ ફેફસામાં થતો રોગમાં જે લોકોના મોત થયા તેના કરતા બે ગણા લોકો માર્યા ગયા હતા.

ત્યારબાદ સ્વાઇનફલુ આ બધો ઇતિહાસ  એટલા માટે જણાવુ છે કે  વેકસીન આપણને જે પ્રશ્નો ઉદભવે છે એ ખાલી કોરોનાથી શરૂ થયુ નથી એ તો ૨૦૦ વર્ષ જુની હિસ્ટ્રી છે એટલે જો આપણે કોરોના વિશે વાત કરીએ તો એક વર્ષથી કોરોના-કોરોના સિવાય બીજા કોઇ સમાચાર નહિ અને હવે થોડી રાહત મળી છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી આપણા ભારતમાં ૧૩૦ કરોડ જેટલી વસ્તી છે. આટલી મોટી વસ્તીને વેકસીન આપવીએ પણ કોઇ નાની-મોટી વાત નથી આ બહુ મોટુ ટાસ્ક છે અને આપણા દેશમાં મકરસંક્રાતિ બાદ ખુબ જ સરસ રીતે આયોજન કરીને ગત  ૧૬મી જાન્યુઆરીથી વેકસીન લગાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આવેલ એમ્સ હોસ્પિટલ ખાતેથી વેકસીનેશનની શરૂઆત કરવામાં આવી .

આપણને થાય કે શું આ વેકસીન બધી ફુલપ્રુફ સેફટીવાળી છે ? હા ચોકકસ કારણ કે વેકસીન છે એ બનાવવા પહેલા એના અમુક સ્ટેજ હોય જેમકે પ્રિ-કલીનીકલ એટલે કે સૌપ્રથમ તેનુ રીસર્ચ થાય કેમીકલથી માંડી બધી જ રીત થાય અને પછી તેના સ્ટેજ-૧, સ્ટેજ-૨ અથવા તો ફેઇસ-૧, ફેઇસ-૨, ફેઇસ-૩ એ રીતે મંજુરી મળ્યા બાદ તેની ટ્રાયલ થાય છે. શરૂઆતમાં ૮૦થી ૧૦૦ વોલેન્ટીયરોને આ વેકસીન આપવામાં આવે. તેની આડઅસરો તપાસવામાં આવે.

ફેઇસ-૨માં થોડા મોટી સંખ્યામાં અને ફેઇસ-૩માં લગભગ એક  હજાર લોકોને વેકસીન રજુ કરવામાં આવતી હોય છે. તેના ફાયદા-ગેરફાયદાઓ જાણ્યા બાદ તેને બજારમાં મુકવામાં આવતી હોય છે.

હાલમાં દુનિયાભરમાં લાખો લોકોના કોરોનાથી જીવ ગયા છે. ત્યારે હાલમાં ઇમરજન્સી ધોરણે આ વેકસીનને બજારમાં મુકવામાં આવેલી છે. તમને થાય કે શું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વેકસીન લીધી ? મને પણ ખબર નથી પણ આપણા દેશના સરકારી તંત્ર કહ્યું છે કે પહેલા રાજકારણીઓને વેકસીન આપવી જરૂરી નથી.

પરંતુ કોરોના વોરીયર્સ, ડોકટરો, મેડીકલ સ્ટાફ, પોલીસમેન, આર્મીના જવાાનો કે જે લોકોની સેફટી માટે તેઓને વેકસીન પહેલા અપાઇ રહી છે કારણ કે હાલમાં લીમીટેડ સ્ટોક છે જેમ-જેમ સ્ટોક આવતો જશે તેમ બીજા લોકોને જે લોકોની ઉમર ૫૦વર્ષથી વધુ છે તેવા લોકોને સાથે અમુક રોગો છે તેવા લોકોને આપવામાં આવશે. ત્યારબાદ ૫૦ વર્ષથી નાની ઉમરના લોકોને આપવામાં આવશે.

લોકોને એવુ થાય કે ભારત જેવા દેશ કે જેની વસ્તી ૧૩૦ કરોડની છે તો કયારે આપણે પહોંચી વળશું પણ જો પ્રોપર પ્લાનીંગ સાથે જ અત્યારે જે વેકસીન આપવામાં આવે છે. ડો. જયેશ ડોબરીયાએ કહ્યું કે મેં પણ વેકસીન લીધી છે અને પછી જે રીતનું આપણને જાણ કરવામાં આવે એસએમએસ આવે, વેકસીનેસન લીધા બાદ ફરીથી થેન્કયુનો એસએમએસ આવે કે તમે વેકસીન લઇ લીધી છે.

ભારતમાં ૧૬ હજારથી વધારે સેન્ટરો ઉપર વેકસીન આપવામાં આવે છે અને ધીમે-ધીમે આ ગતી વધારવામાં આવે છે. અમેરીકાની ૩૦થી ૩૫ કરોડની વસ્તી છે એટલી વેકસીન આપણા દેશમાં લોકોને જુલાઇ-ઓગષ્ટ સુધીમાં આપી દેવામાં આવશે. ત્યારબાદ બીજા ગ્રુપને આપવામાં આવશે.

હવે આપણે વાત કરીએ ભારતમાં બે પ્રકારની વેકસીન મળી શકે છે ઇમરજન્સીના રૂપમાં બે વેકસીન એક એકસ્ટ્રાજેનેકા ગ્રુપ કે જે યુકેની મલ્ટીનેશનલ કંપની છે ભારતમાં કોવિશિલ્ડ તરીકે વેકસીન લઇને આવેલુ છે. મે કોવિશિલ્ડ લીધેલી છે અને મારા અનુભવ જણાવુ તો મને કોઇ જ પ્રોબ્લેમ આવ્યો નથી. હા અમુક લોકોને થોડો માથુ દુખવુ, કળતર જેવી તકલીફો થઇ હતી પણ મને કોઇ આડઅસર થઇ નથી.

મને કોરોના થઇ ગયો છે. ચાર મહિના પહેલા તો મારામાં ઇમ્યુનીટી આવી ગઇ હશે તો શું મારે વેકસીન લેવી જોઇએ ? તો તેનો હું જવાબ આપીશ કે કોઇપણને અગાઉ કોવિડ થયો હોય અને એન્ટીબોડીઝ ન હોય તે ચોકકસ પણે તેણે વેકસીન લેવી જ જોઇએ. કોવિડ વેકસીનના બે ડોઝ લેવાના હોય છે અને આ ડોઝ લેતા પહેલા અમુક તકેદારી અથવા તો તમારે જે વેકસીન આપતા હોય તેને કહેવુ જોઇએ કે તમને અત્યારે તાવ આવતો નથી ને, કોઇ વેકસીન લીધી હોય અને તેની એલર્જી તો થઇ નથી ને, લોહી પાતળુ કરવાની દવાઓ તો ચાલતી નથી ને, તમે પ્રેગ્નેન્ટ લેડી તો નથી ને, બ્રેસ્ટ ફીડીંગ કરાવતા નથી ને, ઉમર ૧૮ વર્ષથી વધારે છે ને, આવા પ્રશ્નો કે જે જણાવવા જરૂરી છે. ત્યારબાદ જ વેકસીન લેવી જોઇએ અને જો વેકસીનનો જે મેસેજ આવે છે એ ખુબ જ વ્યવસ્થીત પ્લાનીંગ સાથે જ આવે છે જે તે સેન્ટર ઉપર તમારે જઇ અને તમારૂ આધારકાર્ડ અથવા પાનકાર્ડ (કોઇપણ આધાર પુરાવો) બતાવવો જરૂરી રહે છે. એ આઇકાર્ડ પછી તમને એક ચીઠઠી આપવામાં આવે છે.

ત્યારબાદ વેકસીન આપતા હોય છે તેની પાસે જઇ વેકસીન લગાવવાની હોય છે. વેકસીન સામાન્ય રીતે ડાબા હાથના મસલ્સમાં લગાવવામાં આવે છે તે બહુ પિડાદાયક પણ હોતી નથી. વેકસીન પોઇન્ટ ફાઇવ એમ.એલ.ની આપવામાં આવતી હોય છે. ચાર અઠવાડીયા બાદ બીજો ડોઝ આપવામાં આવે છે.

આ વેકસીન લીધા બાદ અડધી કલાક માટે ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવે છે કે જેથી કરીને તમને કંઇપણ પ્રોબ્લેમ થાય તો તેનુ તુરત જ નિરાકરણ થઇ શકે. અત્યાર સુધીમાં ભારતમાં લગભગ ૬ થી ૭ લાખ લોકોને વેકસીન આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં ખુબ જ ઓછા લોકોને તેની આડઅસર જોવા મળી છે. આમ આ વેકસીન ઘણી બધી સેઇફ છે અને ઘણા બધા ટ્રાયલ બાદ મંજુરી આપવામાં આવી છે. મુખ્ય સંદેશોએ છે કે ગભરાવવાની  બિલકુલ જરૂર નથી. કોઇકને આડઅસર થતી હોય છે. જેમ કે ઇન્જેકશનની જગ્યાએ લાલાશ, સોજો આવવો આવુ ૧૦માંથી એકાદ વ્યકિતને થતુ હોય છે. અમુક લોકોને તાવ આવવો, ઠંડી લાગવી ભુખ ઓછી લાગવી, પેટમાં દુઃખાવો આવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. બહુ જ જુજ કેસોમાં શ્વાસ ચડવો, ગભરામણ થવી જેવા લક્ષણો દેખાતા હોય છે. જયારે ફાયદો અને ગેરકાયદાની તુલના કરવામાં આવે તો ફાયદાની સંખ્યા ખુબ જ વધારે જોવા મળે છે. એટલે કોઇને ગેરમાર્ગે ન દોરાવવુ જોઇએ.

બે ઇન્જેકશન લીધા બાદ કેટલા સમય સુધી આપણે સુરક્ષીત રહી શકીએ? એવા પ્રશ્નના જવાબમાં ડો. ડોબરીયાએ જણાવેલ કે હજુ સુધી કોઇ એવી ડીટેલમાં સ્ટડી આવી નથી પણ મારા માનવા મુજબ એકથી બે વર્ષ અથવા તો આઠથી દસ મહિના દરેક વ્યકિતની અલગ-અલગ રોગ પ્રતિકારક શકિત અને તેના એન્ટીબોડીનો રીસ્પોન્સ જે બનાવવાનો તેના ઉપર આધાર રાખતુ હોય છે. કોઇપણ વેકસીન હોય તેની અંદર બે વસ્તુ આવેલી હોય એક તો ડોકટર માટેની જાણકારી કે જેે પેકેજ ઇન્સર્ટ અંદર આવેલુ હોય અને બીજી એક ફેકટ સીટ છે એ જે લોકો વેકસીન લેવાના છે. એના પ્રશ્નોના સોલ્યુલશન માટે આવતુ હોય છે. હું આશા રાખીશ કે ધીમે ધીમે દરેક ભારતીયને લોકલ ભાષામાં એ લખેલુ આવે હાલ અંગ્રેજી, હિન્દી ભાષામાં લખાણ લખેલુ હોય છે જે આગામી સમયમાં તમામ ભાષાઓમાં લખાણ લખેલુ આવે તેની આશા રાખુ છું

વેકસીન લીધા બાદ કેટલા સમયમાં અસર ચાલુ થતી હોય છે ? તેના જવાબમાં  ડો. જયેશ ડોબરીયાએ જણાવેલ કે પહેલા ડોઝથી જ તમને વેકસીનની અસર થઇ જશે એવુ નથી. એક મહિના બાદ  બીજો ડોઝ લેવાનો. મોટાભાગના જાણકારો કહે છે બીજો ડોઝ લીધા બાદમાં ચાર અઠવાડીયા બાદ તમને તેનુ પ્રોટેકશન ચાલુ થતુ હોય છે એટલે કે ઓછામાં ઓછા આઠ અઠવાડીયા (બે મહિના) વેકસીન લીધા બાદ પણ માસ્ક તો પહેરવાનુ જ છે. સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનુ જ છે. વારંવાર હાથ ધોવાના જ છે. આમ વેકસીન લીધા બાદ પણ બે મહિના તો ધ્યાન રાખવાનું જ રહેશે. વેકસીન આવી ગઇ એનો મતલબ એ નહિ કે આપણે હવે બિન્દાસ ફરવા લાગીએ વેકસીન તો હજુ આવી છે. હજુ લાખો-કરોડો લોકોને વેકસીન લેવાની બાકી છે. આમ, વેકસીનનો પીરીયડ હજુ શરૂ થયો છે કોઇપણ જાતની ગભરાટ રાખવાની જરૂર નથી.

  • વેકસીન લેવાની સલાહ આપવા વાળાને કંઇક કહો

ડો. ડોબરીયાએ કહ્યું કે  હમણાં એક સર્વે થયેલો સાત હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો તેમાં ૬૯ ટકા લોકોએ  એમ કહ્યું કે અમને વેકસીનથી ખુબ બીક લાગે છે. આવા વ્યકિતઓએ પોતે વેકસીન ન લ્યે તો કંઇ નહિ પણ જેમના ઘરના સભ્યો છે. જેમની ઉમર ૫૦ વર્ષથી વધુ છે.

જે લોકોને ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે એ લોકોએ ખાસ, વેકસીન લેવી જોઇએ અને લોકોની અફવાઓ ઉપર ધ્યાન ન આપવુ અને ડરી જવુ ન જોઇએ. રાજકોટના લગભગ તમામ ડોકટરોએ વેકસીન લીધી છે અને કોઇને પણ કોઇ આડઅસર થઇ નથી એટલે આ વેકસીન ખુબ જ સેઇફ છે.

ઘણા બધા વર્ષોનો અનુભવ અમારા જેવા તબીબોએ છેલ્લા એક વર્ષમાં બતાવવો પડયો છે. બધાનો સાથ સહકાર બધાનો ભરોસો અમારી ટીમ ઉપર બતાવવામાં આવ્યો છે. જેમ કે ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ, ડો. જય જેવા તબીબોએ ખુબ સુંદર સેવા બજાવી છે. આવી પ્રશંસનીય બાબતોથી અમારો પણ ઉત્સાહ વધ્યો છે.

  • ત્રણ મહિના પહેલા કોવિડ થયો હોય તો વેકસીન લેવી કે નહિ ?

કોવિડ થયો હોય એટલે તમારામાં એન્ટીબોડી હશે એટલે કદાચ ટુંક સમયમાં  વેકસીન ન મળે તો તેનાથી ગભરાવવાની જરૂર નથી અને હાલ વેકસીન લગાવવા હોય તેવા ફોટા મુકવામાં આવતા હોય છે. એ એટલા માટે મુકવામાં આવતા હોય છે કે તેનાથી લોકોને પ્રોત્સાહન મળે ડર છે એ દુર થાય. એટલે ગભરાયા વગર વેકસીન લેવી જોઇએ.

હમ હે રાહી પ્યાર કે, ચલના અપના કામ.... હોંશલાના હારેંગે હમ તો બાઝી મારેંગે.... યુ હી કટ જાએગા સફર સાથ ચલને સે... જેવા ગીતોની સાથે લોકોને મેસેજ શેર કર્યો હતો કે ગમે તેટલા ખરાબ દિવસો આવે આપણે સકારાત્મક રહેશુ તો તેનો ઉકેલ ત્વરીત મળી જશે.

  • ડો. જયેશ ડોબરીયા બન્યા ગાયક....
  • હમ હૈ રાહી પ્યાર કે, ચલના અપના કામ, હોંશલા ન હારેંગે હમ તો બાઝી મારેંગે....

રાજકોટઃ કોરોના વેકસીન અંગે લોકોમાં ઉદભવતા પ્રશ્નો અંગે સ્ટાર સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ ફેસબુકના માધ્યમથી લોકોને માહિતી આપી  હતી. પ્રશ્નોતરીના અંતમાં આ જાણીતા તબીબે ગીતની પંકિતઓ પણ પીરસી હતી. 'હમ હૈ રાહી પ્યાર કે... ચલના અપના કામ, હોંશલા ન હારેંગે હમ... તો બાઝી મારેંગે... યુ કી કટ જાએગા સફર સાથ ચલને સે... આમ આવા ગીતથી લોકોને એવો મેસેજ શેર કર્યો હતો કે ગમે તેટલા ખરાબ દિવસો આવે આપણે સકારાત્મક રહેશું તો દરેક પ્રશ્નોનો ઉકેલ ત્વરીત મળી જશે.

ડો. જયેશ ડોબરીયા

મો.૯૮૨૫૦ ૪૩૫૯૦

(2:53 pm IST)