Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ચાંપતા બંદોબસ્તને લીધે શાંતિથી પુર્ણ થઇ ચુંટણી : તમામ ટીમોનો આભાર વ્યકત કરતાં મનોજ અગ્રવાલ

પોલીસનું સતત પેટ્રોલીંગ, દરેક બુથની પંદરથી વીસ વિઝીટ થઇઃ બધાએ નિષ્ઠાથી ફરજ બજાવીઃ કોઇ ગંભીર બનાવ બન્યો નહિ : ૩૯૫ મતદાન મથકો પર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી, બીએસએફ, સીઆરપીએફ, ઘોડેશ્વાર, હોમગાર્ડ સહિત ૪૦૦૦નો કાફલો તૈનાત રહ્યોઃ અધિકારીઓનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગઃ રિઝર્વ ફોર્સ અને કયુઆરટી પણ સતત તૈયાર હતી : વોર્ડ નં. ૧૨માં કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક, કાર્યકર ચેતનાબેન કનખરા અને રાજુ ખરાર સામે મતદારોને કોંગ્રેસ તરફી મતદાન માટે પ્રલોભન આપી સાડી વિતરણ કરવા સબબ આચારસંહિતા ભંગનો ગુનો : વોર્ડ નં. ૫ના મહિલા કોંગી કાર્યકર ચાંદની લીંબાસીયા અને પતિ પિયુષ લીંબાસીયા સામે ફાયરીંગ તથા અડધા લાખના દારૂનો ગુનો પણ નોંધાયો : કન્ટ્રોલ રૂમમાં આખા દિવસમાં ૧૫ જેટલી રજૂઆતો-ફરિયાદો આવીઃ તેનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યોઃ સુરક્ષા કવચ એપ્લિકેશનનો પણ ઉપયોગ

રાજકોટ તા. ૨૨: શહેરમાં ગઇકાલે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી કોઇપણ જાતની ગંભીર ઘટનાઓ વગર ખુબ જ શાંતિપુર્વક રીતે પુર્ણ થઇ હતી. શહેર પોલીસે અગાઉથી જ ગોઠવેલો ચાંપતો અને કડક બંદોબસ્ત કામ કરી ગયો હતો. સમગ્ર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ચુંટણી ફરજમાં સામેલ તમામ જવાનોનો નિષ્ઠાપુર્વક બંદોબસ્તની કામગીરી બજાવવા બદલ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આભાર વ્યકત કર્યો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ શહેર પોલીસના અધિકારીઓએ પોતપોતાની ટીમો સાથે બંદોબસ્તનું ચુસ્ત પાલન કર્યુ હતું. મતદારો કોઇપણ જાતના ભય વગર શાંતિપુર્વક રીતે મતદાન કરી શકે અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે તમામે તમામ ટીમોએ જબરદસ્ત કામગીરી કરી હતી. શ્રી અગ્રવાલે આ તમામનો આભાર વ્યકત કર્યો હતો.

કુલ ૩૯૫ મતદાન મથકો પર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી, બીએસએફ, સીઆરપીએફ, ઘોડેશ્વાર, હોમગાર્ડની ટીમો મળી ૪૦૦૦ અધિકારીઓ-જવાનો તૈનાત હતાં. તમામ પોલીસ મથકો ઉપર સેકટર પેટ્રોલીંગમાં પોલીસ ઇન્સ્પેકટર અને ગ્રુપ પેટ્રોલીંગમાં પીએસઆઇની ટીમોનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રખાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ઘોડેશ્વારો દ્વારા પેટ્રોલીંગ થયું હતું. મતદાન બુથ પર તુરત પહોંચવા રિઝર્વ ફોર્સ તથા કયુઆરટીની ટીમો પણ સતત તૈયાર રખાઇ હતી. દરેક બુથની ૧૫ થી ૨૦ વિઝીટ કરવામાં આવી હતી. કોઇપણ ગંભીર ઘટના આ બંદોબસ્તને કારણે બની નથી. જે તમામ અધિકારીઓ, કર્મચારીઓની નિષ્ઠાપુર્વકની ફરજને કારણે થયું છે. તેમ શ્રી અગ્રવાલે કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે બંદોબસ્ત વખતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને પોૈષ્ટિક નાસ્તો, ભોજન અને પાણી મળી રહે તેમજ કોરોનાથી પણ રક્ષણ મળી રહે તે માટે ફેસ માસ્ક, હેન્ડ ગ્લોવ્જ સહિતની ચીજવસ્તુઓ ફાળવવામાં આવી હતી. સવાર, બપોર સાંજ એમ ત્રણેય સમયે પોૈષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. માલવીયા નગરમાં એક એનસી ગુનો નોંધાયો હતો. જેમાં નોડલ ઓફિસરશ્રીની ફરિયાદ પરથી કાર્યવાહી થઇ હતી. વોર્ડ નં. ૧૨ના કોંગી ઉમેદવાર વિજય વાંક, કાર્યકર ચેતનાબેન ભરતભાઇ કનખરા અને રાજુ ખરાર સામે આચારસંહિતા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકોએ મતદારોને સાડીનું વિતરણ કરી કોંગ્રેસ તરફી મત આપવા પ્રલોભન આપ્યાનું ફરિયાદમાં નોંધાયું હતું.

આ ઉપરાંત ૨૦મીએ સોશિયલ મિડીયામાં વોર્ડ નં. ૫ના કોંગી કાર્યકર ચાંદની લિંબાસીયા ફાયરીંગ કરતાં હોય તેવો વિડીયો વહેતો થતાં એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે તપાસ કરતાં પેડક રોડ નારાયણનગર-૧માં રહેતાં ચાંદનીબેન પિયુષ લીંબાસીયાએ એકાદ વર્ષ પહેલા મઘરવાડાના ફાર્મ હાઉસમાં પતિ પિયુષ પ્રેમજીભાઇ લીંબાસીયાની પરવાનાવાળી પિસ્તોલથી ફાયરીંગ કર્યાનું ખુલતાં તે અંગે કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

પોલીસ તેના ઘરે તપાસ કરવા જતાં ઘરમાંથી રૂ. ૫૧,૭૦૦નો દારૂ બીયરનો ગેરકાયદે જથ્થો મળતાં તે અંગે અલગથી ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના વિરોધમાં કોંગી આગેવાનોએ પોલીસ કમિશનરશ્રીના બંગલે જઇને ખુબ રજૂઆતો કરી ધમાલ મચાવી હતી. પરંતુ પોલીસે કાર્યવાહી યથાવત રાખી હતી.

મતદાનના દિવસે સવારથી સાંજ સુધીમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં ૧૫ જેટલી રજૂઆતો, ફરિયાદો આવી હતી. જેનો તુરત જ સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસની સુરક્ષા કવચ એપ્લીકેશનનો પણ બંદોબસ્તમાં ભરપુર ઉપયોગ કરી પગલાઓ લેવામાં આવ્યા હતાં. આમ શહેર પોલીસ સતત એલર્ટ રહેતાં મતદાન શાંતિથી પુર્ણ થયું હતું.

(3:55 pm IST)