Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વોર્ડ નં. ૮માં આપ અને ભાજપ વચ્‍ચે તડાફડીઃ વોર્ડ નં. ૧૧માં ત્રણ ઈ.વી.એમ.માં તોડફોડઃ ૨૫ ઈ.વી.એમ. બદલવા પડયા

ક્‍યાંક ડખ્‍ખો...ક્‍યાંક મશીન બગડ્‍યા...તો એક જગ્‍યાએ તોડફોડઃ એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્‍ન : ચૂંટણીનો કંટ્રોલ રૂમ શાંત રહ્યોઃ માત્ર ૬ જ ફરિયાદઃ રાજકોટમાં રેકોર્ડ તૂટયો

રાજકોટ, તા. ૨૨ :. ગઈકાલે યોજાયેલી મ.ન.પા.ની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ રહી હતી. માત્ર એકાદ જગ્‍યાએ ડખ્‍ખો તથા તોડફોડના કિસ્‍સા સિવાય કોઈ મોટી ફરીયાદ ઉઠી ન હતી. જો કે ઈ.વી.એમ. બગડ્‍યાની ફરીયાદો વ્‍યાપક હતી તેથી ૨૫ સ્‍થળોએ ઈ.વી.એમ. બદલાવવા પડયા.

વોર્ડ નં. ૮માં ડખ્‍ખો

વોર્ડ નં. ૮માં લક્ષ્મીનગર મહાદેવવાડી રોડ પર બુથ પર ગાંધી ટોપી પહેરીને આવવા બાબતે આપ અને ભાજપના કાર્યકરો-ઉમેદવારો વચ્‍ચે ડખ્‍ખો થયો હતો.

વોર્ડ નંબર ૮ના આપના ઉમેદવાર દર્શનભાઈના જણાવ્‍યા પ્રમાણે આજે સવારે ૧૦.૩૦ વાગ્‍યે તે અને આપના કાર્યકર મુકેશ લાંગણોજા, લક્ષ્મીનગરમાં મહાદેવવાડી મેઈન રોડ ઉપર શાળા નંબર ૪૭ ખાતેના બુથ પર ગાંધી ટોપી પહેરીને ગયા હતા ત્‍યારે ત્‍યાં ધસી આવેલા ભાજપના સાતથી આઠ કાર્યકરોએ વાંધો ઉપાડયો હતો. ટોપીમાં કોઈ લખાણ કે નિશાની ન હતી, છતાં ભાજપના કાર્યકરોએ વાંધો ઉપાડી ટોપી ઉતારી નાખવાનું કહેતા તેણે ઈન્‍કાર કર્યો હતો.

જેથી ભાજપના કાર્યકરોએ તો અમે પણ ભાજપનો ખેસ પહેરી લેશું તેમ કહી ખીસ્‍સામાંથી ખેસ કાઢી ગળામાં પહેરી લીધો હતો. એટલું જ નહીં માથાકુટ કરી બન્ને સાથે ગાળા-ગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

ત્‍યાર બાદ ભાજપના આ કાર્યકરો ત્રિવેણી સંગમ બિલ્‍ડીંગ પાસે આવેલા આપના ટેબલ પર ધસી ગયા હતા અને ત્‍યાં બેઠેલા બે કાર્યકરો અજયસિંહ ગોહીલ અને હિતેષભાઈ પર ખાલી ખુરશીઓ વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં ખુરશીઓ પણ તોડી નાખી હતી. જેમાં અજયસિંહને ઈજા થઈ હતી. આ ઘટનાને પગલે ગરમાવો વ્‍યાપી ગયો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફરીયાદ કરવામાં આવી હતી.

જાણ થતા ડીસીપી મનોહરસિંહ જાડેજા ઉપરાંત માલવિયાનગર પોલીસનો સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી ગયા હતા. આખરે મામલો થાળે પડયો હતો. આપના કાર્યકરોએ પાર્ટીનાં આદેશથી ફરીયાદને બદલે માત્ર માલવીયાનગર પોલીસમાં અરજી કર્યાનું જણાવ્‍યુ હતુ. આપના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો કે તેના પક્ષના ટેબલ પર વધુ લોકો આવતા હોવાથી પરિસ્‍થિતિને ડીસ્‍ટર્બ કરવા ભાજપ દ્વારા મારપીટ કરવામાં આવી હતી.

વોર્ડ નં. ૧૧માં ઈ.વી.એમ.માં તોડફોડ

વોર્ડ નં. ૧૧માં મોટામવા વિસ્‍તારના આંબેડકરનગરની ડો. ભીમરાવ આંબેડકર સ્‍કૂલમાં આવેલ બુથમાં ગઈ સાંજે ત્રણ ઈવીએમ.ના વાયરો ખેંચી તોડફોડ કરી અસામાજિક તત્‍વો નાસી ગયાની ઘટના બનતા ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી સ્‍થિતિ સંભાળી હતી.

૨૫ ઈ.વી.એમ. બદલાવાયા

ગઈકાલે ચૂંટણી દરમિયાન ઈ.વી.એમ.ની ફરીયાદોમાં કલેકટર તંત્ર સતત વ્‍યસ્‍ત રહ્યુ હતું. સાંજ સુધીમાં ૨૫ જેટલા ઈ.વી.એમ. બદલાવવા પડયા હતા. જેમાં વોર્ડ નં. ૭, ૮ અને ૧૦માં ૧ - ૧, વોર્ડ નં. ૩ અને ૫માં ૨ - ૨, વોર્ડ નં. ૨માં ૩ તથા વોર્ડ નં. ૪ અને ૧૨માં ૪ તથા વોર્ડ નં. ૧૧માં ૭ ઈ.વી.એમ. બદલાવવામાં આવ્‍યા હતા.

કંટ્રોલમાં માત્ર ૬ ફરીયાદ

શહેરમાં ચૂંટણીના કંટ્રોલ રૂમમાં દર વખતે સાચી - ખોટી ફરીયાદોનો મારો થતો હોય છે. તેના બદલે ગઈકાલે ચૂંટણીના કંટ્રોલ રૂમમાં માત્ર ૬ ફરીયાદો જ નોંધાયેલ. જેમાં બોગસ વોટીંગ, કાર્યકરોમા ઘર્ષણ, ટોળા ભેગા થવાની, ઈ.વી.એમ. તોડફોડ વગેરે જેવી બાબતોની ફરીયાદો કંટ્રોલને મળી હતી.

(4:00 pm IST)