Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ઓકસીજનના અભાવે નવી કોવીડ હોસ્પિટલમાં વિલંબ

રાજકોટની હોસ્પિટલમાં ઓકસીજન પુરવઠો મેળવવા તબીબો - પદાધિકારીઓમાં ભારે દોડધામ ઓકસીજનનો પુરતો જથ્થો આપવા અતિજરૂરી દર્દીના પરિવારજનોમાં છવાતી ચિંતા

રાજકોટ તા.રર : છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં આવેલા ભારે ઉછાળો અને  ઓકસીજનવાળા દર્દીઓની સંખ્યા વધતા ઓકસીજનની માંગમાં તિવ્ર ઉછાળો આવ્યો છે. રાજકોટમાં ઓકસીજનવાળા બેડ બાદ ઓકસીજનની પાછળ સર્જાતા ભારે દોડધામ થઇ રહી છે.

રાજકોટની ૭૦ થી વધુ ખાનગી હોસ્પિટલ - સીવીલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલમાં સારવાર લેતા સેંકડો દર્દીઓને પુરતો ઓકસીજનનો પુરવઠો મળી રહે તે માટે સરકાર, જિલ્લા તંત્ર, ખાનગી હોસ્પિટલ સંચાલકો દોડધામ કરી રહયા છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ર૦૦ ઓકસીજનવાળા બેડ, અમૃત ઘાયલ હોલ સ્થીત ગોકુળ હોસ્પીટલના ૧૦૦ ઓકસીજન બેડ સહિત અન્ય પાંચેક નવી ખાનગી હોસ્પીટલ ઓકસીજનના અભાવે શરૂ થવામાં વિલંબ સર્જાયો છે.

તબીબો વર્તુળોના જણાવ્યા મુજબ હાલ કોવીડ હોસ્પીટલ અને અન્ય હોસ્પીટલોમાં ઓકસીજનની માંગ વધી છે ત્યારે ઓકસીજનવાળા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પુરતો ઓકસીજનનો પુરવઠો ન મળતા તબીબો અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ ભારે દોડધામ કરી છે.

ઓકસીજનની અછતને કારણે તબીબો મોડી રાત્રી સુધી ઓકસીજન પુરવઠો મેળવવા ઉચ્ચ અધિકારી તેમજ રોડ પર દોડી ગયા હતાં.

ઓકસીજન પુરવઠો થોડો ઘટતા દર્દીઓ અને તેના પરિવારજનોમાં ભારે ચિંતાની લાગણી છવાઇ છે.

કોવીડ હોસ્પીટલમાં ઓકસીજન પુરવઠોને લઇને તબીબો ભારે મુંઝવણમાં મુકાયા છે. ઓકસીજન ખોરવાશે તો ? તેની ચિંતામાં ગઇકાલ આખી રાત દોડધામ કરી હતી. હાલ જયાં હોસ્પીટલ ચાલુ છે ત્યાં ઓકસીજન પુરવઠો મળે તે હાલની પ્રચંડ જરૂરીયાત બની ગઇ છે.

(12:47 pm IST)