Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ત્રંબામાં નશામાં ચૂર થયેલા મુકેશભાઇને બેફામ મારકુટઃ અજાણ્‍યા શખ્‍સો સોનાના દાગીના અને રોકડ લઇ ગયા

રાતે મિત્ર સાથે પટમાં પાર્ટી કરીઃ મિત્ર જતો રહ્યા બાદ ભાન ભુલેલા આધેડને કોણ મારકુટ કરી ગયું? તે અંગે રહસ્‍યઃ માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૧: ત્રંબામાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં મુકેશભાઇ માવજીભાઇ અઘારા (કોળી) (ઉ.વ.૪૭) નામના આધેડ ગઢકા રોડ પર શિતળા મંદિર પાસેથી માથા શરીરે ગંભીર ઇજાગ્રસ્‍ત હાલતમાં મળતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુકેશભાઇ રાતે કોઇ મિત્ર સાથે પટમાં દારૂ પીવા બેઠા બાદ મિત્ર જતો રહ્યા પછી કોઇએ તેના પર હુમલો કરી તેના સોનાના દાગીના, રોકડ પડાવી લીધાનો આક્ષેપ કરાયો છે.
પરિવારજનોના કહેવા મુજબ મુકેશભાઇ રાતે બે અઢી વાગ્‍યે ગઢકા રોડ પર પટમાં અણીયારાના તેના મિત્ર સાથે ગયા હતાં. ત્‍યાં બંનેએ નશો કર્યો હતો. એ પછી મિત્ર જતો રહ્યો હતો. સવાર સુધી મુકેશભાઇ ઘરે ન આવ્‍યા હોઇ શોધખોળ થઇ રહી હતી ત્‍યાં કોઇએ તે પટમાં બેભાન અને ઘાયલ પડયા હોવાની જાણ કરતાં પરિવારજનો પહોંચ્‍યા હતાં અને ૧૦૮ મારફત સારવાર માટે ખસેડયા હતાં. મુકેશભાઇ નશામાં બેશુધ્‍ધ થઇ ગયા બાદ કોઇ તેની સાથે મારકુટ કરીને અથવા તો સાથે બેઠેલા કોઇએ કોઇ કારણે માર મારી સોનાનો ચેઇન, લક્કી, બે વીંટી, રોકડા ૫ હજાર અને મોબાઇલ ફોન પડાવી લીધાનો આક્ષેપ થયો છે. મુકેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે સંપુર્ણ ભાનમાં આવ્‍યા બાદ સાચી વિગતો બહાર આવશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

 

(3:32 pm IST)