Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

આરતી સોસાયટી સામેના રોડ પર ક્રાઇમ બ્રાંચનો દરોડો

ઘનશ્યામનગરનો યુવાન ૮ કિલો ગાંજા સાથે પકડાયોઃ નાશી જનારા શખ્સનું નામ ખુલ્યું

એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ વી.એમ. રબારીની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેર ક્રાઇમ બ્રાંચે બોલબાલા માર્ગ રોડ આહિર ચોકથી આગળ આરતી સોસાયટી પાસેથી ચોક્કસ બાતમીને આધારે દેવપરા પાસે ઘનશ્યામનગર-૧૬માં રહેતાં આકાશ (ઉ.વ.૨૩) નામના યુવાનને રૂ. ૮૦૦૪૦નો ૮.૦૦૪ કિલો ગાંજો ભરેલા કાળા કલરના થેલા સાથે પકડી લીધો છે. પોલીસને જોઇ પટેલ ચોક પાસે રહેતો અભિષેક ખારેચા ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે ગાંજાના જથ્થા સાથે શખ્સને પકડી લેવાયો હતો. આ અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

નશીલા પદાર્થની બદ્દી સદંતર નાબુદ કરવા અને યુવાધનમાં નશીલા પદાર્થનો વ્યાપ વધી રહ્યો હોઇ તેને અટકાવવા માટે ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ એનડીપીએસની સ્પેશિયલ ડ્રાઇવ યોજવા સુચના આપી હોઇ તે અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં આ કામગીરી થઇ હતી. પોલીસે આકાશને પકડતાં અભિષેક ખારેચા જે સાથે હતો એ ભાગી ગયો હતો. તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસે ગાંજો, મોબાઇલ ફોન, એકટીવા જીજે૦૩જેજી-૯૬૧૫ રૂ. ૨૫ હજારનું મળી કુલ રૂ. ૧,૦૫,૫૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ દિગ્વીજયસિંહ જાડેજા, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા અને અશોકભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.

  • આ વર્ષમાં નાર્કોટીકસના ૧૦ ગુનામાં ૮ શખ્સોને ડિટેઇન કરી જેલહવાલે કરી દેવાયા છે

.શહેર પોલીસે આ વર્ષમાં નાર્કોટીકસ એકટ હેઠળ કુલ ૧૦ ગુના દાખલ કરી ૮ શખ્સોને ડ્રગ્સ, નશીલા પદાર્થો સાથે પકડી લીધા છે. તેમજ પીઆઇટીએનડીપીએસ એકટ ૧૯૮૮ હેઠળ ડિટેઇન કરી રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દીધા છે.

(11:57 am IST)