Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

લંડનના નીનાબેન શાહના રાજકોટના બંગલામાં ભાડૂઆત દંપતિએ કબ્જો જમાવી લીધોઃ નવા કાયદા હેઠળ ગુનો

૨૦૧૪માં મકાન ભાડે રાખનાર શોભના ગોહેલ તે વખતે નિર્મલા સ્કૂલમાં શિક્ષીકા હતાં: તેના પતિ મનિષ ગોહેલનું પણ આરોપીમાં નામ : પાવર ઓફ એટર્ની ધરાવતાં નીનાબેનના બનેવી શ્રીરામપાર્કના ધીમંતભાઇ કોઠારીએ કલેકટર કચેરીમાં કરેલી અરજીને આધારે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના નવા કાયદા હેઠળ યુનિવર્સિટી પોલીસે એફઆઇઆર દાખલ કરીઃ એસીપીએ તપાસ શરૂ કરી : ભાડૂ પણ આપવાનું બંધ કરી દીધું: નીનાબેને પોતે ફરિયાદ કરશે તેવું કહેતાં બંનેએ કહ્યું-અમારું કોઇ કંઇ બગાડી શકશે નહિ, અમારી મોટા અધિકારીઓ સાથે બેઠક છે, તમારી પર ખોટો કેસ કરી ફીટ કરાવી દઇશું!...મકાન ભુલી જજો, અમારું છે, અમે કયારેય ખાલી નહિ કરીએ કહી ધમકી પણ દીધી'તી

રાજકોટ તા. ૨૨: સાધુ વાસવાણી રોડ પર પેરેડાઇઝ હોલ સામે ગુલમહોર રેસીડેન્સી બંગલા નં. એ-૧૭ની માલિકી ધરાવતાં હાલ લંડન રહેતાં એનઆરઆર વણિક મહિલાએ વર્ષ ૨૦૧૪માં પોતાનું આ મકાન જે તે વખતે નિર્મલા સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી મહિલા અને તેના પતિને ત્રણેક મહિના માટે ભાડે આપ્યું હોઇ પ્રારંભે બંનેએ ભાડુ ચુકવ્યા બાદ ભાડુ આપવાનું બંધ કરી દઇ તેમજ મકાન ખાલી નહિ કરી 'હવે આ મકાન ભુલી જજો, આ મકાન અમારું છે, કયારેય ખાલી નહિ કરીએ, પોલીસ ફરિયાદ થશે તો પણ અમારું કોઇ કંઇ બગાડી નહિ શકે, અમારે મોટા અધિકારીઓ સાથે બેઠક છે' તેમ કહી ધાકધમકી આપી કિંમતી મકાનમાં કબ્જો જમાવી લેતાં આ મામલે પાવર ઓફ એટર્ની ધરાવતાં એનઆરઆ મહિલાના રાજકોટ રહેતાં બનેવીએ કલેકટર કચેરીમાં અરજી કરી હોઇ ત્યાંથી આ મામલે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ ગુનો નોંધવા આદેશ થતાં પોલીસે ભાડૂઆત દંપતિ સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવમાં પોલીસે કાલાવડ રોડ પર સ્વિમીંગ પુલાવાળી શેરીમાં શ્રી રામ પાર્ક ખાતે રહેતાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી ધીમંતભાઇ જયંતિલાલ કોઠારી (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી ગુલમહોર બંગલો-૧૭માં રહેતાં ભાડૂઆત શોભનાબેન મનિષ ગોહેલ તથા તેના પતિ મનિષ કિશોરભાઇ ગોહેલ સામે ં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કમલ ૩, ૪ (૩), પ (ખ) (ગ) તથા આઇપીસી ૫૦૬ (૨), ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ધીમંતભાઇ કોઠારીએ તા. ૨૫/૧/૨૧ના રોજ કલેકટર કચેરીમાં લેખિત અરજી શોભના ગોહેલ અને તેના પતિ મનિષ ગોહેલ વિરૂધ્ધ આપી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે તેના સાળી નીના વિનોદભાઇ શાહ અને તેની દિકરી રીયા વિનોદભાઇ શાહના નામનું મકાન સાધુ વાસવાણી રોડ પર ગુલમહોર રેસિડેન્સી બંગલો નં. એ-૧૭માં આવેલુ છે. આ મકાન ટી.પી.સ્કીમ નં રૈયા ઓ.પી.નં. ૩૩, એફ. પી. નં. ૬૫૬ની જમીન ચો. મી. આ. ૮૩૭૨,૦૦ પૈકી બીનખેતી પ્લોટ નં.૧૩ ની જમીન ચો.મી.આર.૯૯.૮૦ સહિતના એ ટાઇપના ટેનામેન્ટ નં. એ-૧૭ તરીકે ઓળખાય છે. મારા સાળી નીના શાહ લંડન રહેતાં હોઇ જેથી તેમણે આ મકાનની પાવર ઓફ એટર્ની મારા તથા મારા પત્નિ ચારૂલત્તા ધીમંતભાઇ કોઠારીના નામે કરી આપી છે.

મારા સાળીએ ગઇ તા.૦૨/૧૧/૨૦૧૪થી તેમના જાણીતા મનીષ કીશોરભાઇ ગોહેલ તથા તેમના પત્નિ શોભનાબેન જેઓ તે વખતે નિર્મલા સ્કૂલમાં શિક્ષકા હોઇ જેથી તેમને મૌખીક વાતચીત આધારે બે ત્રણ માસ માટે ભાડે આપેલ હતું. બાદ મારા સાળીએ આ મનીષ ગોહેલ તથા તેમના પત્નિને મકાન ખાલી કરવા બાબતે જાણ કરેલ તેમ છતા તેઓએ મકાન ખાલી કરેલ ન હોય અને તા.૧૦/૦૩/૨૦૧૮થી ભાડુ પણ આપેલ ન હોઇ જેથી અરજી આપેલ હતી. આ અરજી અન્વયે રાજકોટ કલેકટરશ્રીની કચેરીએ આ કાયદા હેઠળ નિમાયેલ સમિતીની તા.૧૦/૦૬/૨૦૨૧ની બેઠકમાં આ કામના સામાવાળા (આરોપીઓ) વિરૂધ્ધ એફ.આઇ.આર.દાખલ કરવાનો કલેકટરશ્રીએ હુકમ કર્યો છે.

ધીમંતભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે શોભનાબેન પોતે એજયુકેટેડ પરીવાર વાળા માણસો હોય અને પોતાને બે ત્રણ મહિના માટે મકાન ભાડે જોઇતુ હોવાની વાત કરેલ જેથી મારા સાળીએ  શોભનાબેન તથા તેના પતિ મનીષ ગોહેલને બે ત્રણ માસ પુરતુ મકાન ભાડે આપેલ હતુ અને આ મકાનની ચાવી મારા સાઢુભાઇના દીકરી રીનાબેન રાકેશભાઇ પારેખ (રહે રાજકોટ)જે નીનાબેનના મકાનનું ધ્યાન રાખતા હોઇ તેમની પાસે હતી. જેથી તેણીએ શોભનાબેનને ચાવી આપી હતી. ત્રણ માસ પછી નીનાબેને મનીષભાઇ તથા શોભનાબેનને મકાન ખાલી કરવાની વાત કરતા મકાન ખાલી કરેલ નહીં અને આ મનીષભાઇએ પોતાના દિકરાનો અભ્યાસ ચાલુ હોવાનું કહી સમય માંગ્યો હતો. જેથી નીનાબેને તેમને ભાડાકરાર કરાવવાનું કહેતા મારા સાળીને આ મનીષભાઇએ કહેલ કે તમે ભારત આવ્યે ભાડાકરાર કરાવશું.

એ પછી નીનાબેન ભારત આવેલ ત્યારે આ મનીષભાઇ તથા શોભનાબેનને અવારનવાર જાણ કરવા છતા તેઓએ ભાડાકરાર કરેલ નહીં. તેમજ આ બંનેએ તા.૦૪/૧૨/૨૦૧૪ થી તા.૧૩/૧૦/૨૦૧૭ સુધી મકાન ખાલી કરેલ નહોતું. શરૂઆતમાં  મકાન ભાડુ ચુકવતા હતા બાદ સદંતર ભાડું આપવાનું બંધ કરેલ હતું. ત્યારપછી તા.૧૦/૦૭/૨૦૧૮માં એકવાર ભાડુ આપેલ હતંું.  એ પછી આજ સુધી એકપણ રૂપીયો ભાડા પેટે આપેલ નથી. તેમજ નીનાબેન આ મકાને ગયેલ ત્યારે તેમને મનિષભાઇ તથા શોભનાબેને મકાનમાં પ્રવેશ કરવા દીધો નહોતો. તેમજ નીનાબેન ફરિયાદ કરવાની વાત કરતાં તેણે ગાળો  અમારૂ કોઇ કાંઇ બગાડી શકશે નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 આથી  નીનાબેન ત્યાંથી નીકળી ગયા હતા અને ડરી ગયા હતાં. એ પછી પણ મનિષે અનેકવાર નીનાબેન સાથે ફોનમાં વાત કરી હતી કે પોલીસ કે કોઇ અમારું કઇ બગાડી શકશે નહિ, અમારી મોટા અધિકારીઓ સાથે બેઠક છે.  તમારા પર ખોટો કેસ કરાવી તમને ફીટ કરાવી દઇશું તેવી ધમકી પણ આપી હતી.

મારા સાળીએ મને જણાવેલું કે શોભનાબેન અને મનિષભાઇને મકાન ભાડે આપતી વખતે બે રૂમ આપ્યા હતાં. એક રૂમમાં પોતાનો સામાન રાખ્યો હતો. પણ પાછળથી આ બંનેએ ભાડાના મકાનમાં કબ્જો કરી ધમકીઓ આપી હવે મકાન ભુલી જજો, આ મકાન અમારું છે, અમે કયારેય ખાલી કરશું નહિ તેમ કહેતાં હતાં. આ મકાન વાંધામાં નાંખી ૨૦ વર્ષ સુધી તમને મળશે નહિ તેવી ધમકી પણ આપી હતી. આ વાતચીતનું મારા સાળી પાસે રેકોર્ડિંગ હોઇ તે અંગે તેણીએ અગાઉ પણ અરજી કરી હતી. હાલ તેઓ લંડન રહેતાં હોઇ રાજકોટ આવી શકે તેમ ન હોઇ જેથી અમને પાવર ઓફ એટર્ની આપી છે. શિક્ષીકા અને તેનો પતિ ગેરકાયદેસર રીતે મારા સાળીના મકાનમાં રહેતાં હોઇ મકાન ખાલી ન કરતા઼ હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે.

પોલીસે આ બારામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ કમલ ૩, ૪ (૩), પ (ખ) (ગ) તથા આઇપીસી ૫૦૬ (૨), ૩૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. એસીપી પશ્ચિમ અને પીઆઇ એ. એસ. ચાવડા તથા ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)