Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

શહેરમાં હવે સંસ્થા - જ્ઞાતિ મંડળોને વેકસીનેશન કેમ્પની મંજુરી

૧૦ જેટલી સંસ્થાઓને કેમ્પની મમંજુરી આપી દેવાઇ : કાલે વ્હોરા સમાજ દ્વારા યોજાશે કેમ્પ : બાકી રહી ગયેલા નાગરિકો વિના સંકોચ રસી મુકાવી લ્યે : મેયર - સ્ટેન્ડીંગ ચેરમેનની અપીલ

રાજકોટ તા. ૨૨ : મ.ન.પા. દ્વારા વેકસીનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત હવેથી શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો અને સોસાયટીઓ, કંપનીઓમાં વેકસીનેશન કેમ્પ યોજવાની મંજુરી મ.ન.પા. દ્વારા આપવાનું શરૂ કરી દેવાયું છે. તેમ મેયર પ્રદિપ ડવ તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જાહેર કર્યું હતું.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા મેયર શ્રી પ્રદિપભાઇ ડવે જાહેર કર્યું હતું કે, હવે શહેરના પ્રત્યેક નાગરિકને કોરોના સામે સુરક્ષા આપતી વેકસીન મુકાઇ જાય તે માટે અગાઉની જેમ જ્ઞાતિ મંડળો, સંસ્થાઓ, કંપનીઓ, સોસાયટીઓને રસીકરણ કેમ્પ યોજવા મંજુરી આપવામાં આવી રહી છે.

મેયરશ્રીના જણાવ્યા મુજબ ૧૦ જેટલી સંસ્થાઓને કેમ્પ યોજવા માટેની મંજુરીની પ્રક્રિયા પણ ચાલુ થઇ ગઇ છે. જે અંતર્ગત આવતીકાલે વ્હોરા સમાજ દ્વારા રસીકરણ કેમ્પ યોજાનાર છે.

આ ઉપરાંત આઇ.ઓ.સી. કંપની, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓએ પણ કેમ્પ યોજવા માટે મંજુરી માંગી છે.

આમ, હવે જુદી-જુદી સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, કંપનીઓ, સોસાયટીઓ વગેરેને રસીકરણ કેમ્પ યોજવા મંજુરી આપવાનું શરૂ કરાયું છે ત્યારે આવા કેમ્પ યોજવા માંગતી સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, કંપની કે સોસાયટીઓ મ.ન.પા.માં મેયરશ્રી સહિતના પદાધિકારીઓ અથવા મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓને અરજી આપી શકે છે.  વેકસીનેશન કેમ્પ યોજવા માટે જરૂરી સગવડતાવાળુ મકાન કે જેમાં ૧ મોટો હોલ અને બીજો નાનો રૂમ હોવો જોઇએ તે જરૂરી છે. વેકસીન મુકવા માટે આરોગ્ય વિભાગના સ્ટાફનો સહયોગ તંત્ર દ્વારા આપવામાં આવશે.

આમ, શહેરીજનો હવે વિના સંકોચે રસી મુકાવી લ્યે તેવી અપીલ મેયરશ્રી તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેને આ તકે કરી છે.

(3:14 pm IST)