Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ચેકરિટર્નના કેસમાં રાહુલ મેટલ્સના ભાગીદારોને એક વર્ષની સજા અને ૧૩ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા. ૨૨ :. ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં આરોપી રાહુલ મેટલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના જવાબદાર ભાગીદારો મયુર રઘુભાઈ ઢોલરીયા તથા રઘુભાઈ નાથાભાઈ ઢોલરીયાને એક વર્ષની સજાનો હુકમ અત્રેની સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, આરોપી રાહુલ મેટલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો મયુર રઘુભાઈ ઢોલરીયા અને રઘુભાઈ નાથાભાઈ ઢોલરીયાએ આર.એમ. એન્ટરપ્રાઈઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઈ રણછોડભાઈ શેરડીયા પાસેથી પીગ આયર્ન, સી.આઈ. સ્ક્રેપ વગેરેનો રૂ. ૧૩,૩૫,૫૬૯-૦૦નો માલ ખરીદ કરેલ અને તે રકમની ચુકવણી માટે આરોપી રાહુલ મેટલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો મયુર રઘુભાઈ ઢોલરીયા અને રઘુભાઈ નાથાભાઈ ઢોલરીયાએ ફરીયાદી આર.એમ. એન્ટરપ્રાઈઝના નામથી ચાલતા ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઈ રણછોડભાઈ શેરડીયાને રૂ. ૧૩,૩૫,૫૬૯-૦૦નો ચેક આપેલ હતો. જે ચેક વણચૂકવ્યો પરત આવતા ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદમાં અદાલતે આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરેલ. જેથી આરોપી અદાલત સમક્ષ હાજર થયેલ.

રાજકોટના અધિક સિનીયર સિવિલ જજશ્રીએ બન્ને પક્ષોએ રજુ રાખેલ પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોની વિગતવાર લેખિત તથા મૌખિક દલીલો તથા રજુ રાખવામાં આવેલ નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી આરોપી રાહુલ મેટલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો મયુર રઘુભાઈ ઢોલરીયા અને રઘુભાઈ નાથાભાઈ ઢોલરીયાને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂ. ૧૩,૩૫,૫૬૯-૦૦નું વળતર ચુકવવા આદેશ ફરમાવેલ છે. જો નિયત સમયમાં આરોપી વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં ફરીયાદી આર.એમ. એન્ટરપ્રાઈઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઈ રણછોડભાઈ શેરડીયા વતી રાજકોટના વકીલ શ્રી એન.જી. બાવીશી રોકાયેલ હતા.

(3:16 pm IST)