Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

એકસયુવી કારની દરેક સીટમાં પગ રાખવાની જગ્યાએ ચોરખાના બનાવ્યા'તાઃ ક્રાઇમ બ્રાંચે ૧.૩૩ લાખના દારૂ સાથે ત્રણને પકડ્યા

સુરતનો બનેસંગ ઉર્ફ ભગત ઘેલડા અને તેનો મિત્ર સુનિલ પટેલ દમણથી દારૂ ભરી રાજકોટ આવ્યાઃ કણકોટ રોડ સાશ્વત પાર્ટી પ્લોટ પાસે મનોજ જાદવના મકાનમાં પહોંચ્યા ને દરોડોઃ આ બંને શખ્સો સાથે બનેસંગનો રાજકોટ રહેતો ભાઇ સંજય ઘેલડા પણ પકડાયોઃ મનોજની શોધ : પોલીસ ધારે તો બૂટલેગરોના ગમે તેવા કિમીયા નાકામ થઇ જાય

રાજકોટ તા. ૨૨: બૂટલેગરો એક શહેરમાંથી બીજા શહેર, ગામોમાં દારૂ ઘુસાડવા નીતનવા નુસ્ખા અજમાવતાં હોય છે. પરંતુ પોલીસ જો ધારે તો બૂટલેગરોના ગમે તેના કિમીયા નાકામ થઇ જાય છે. શહેરની ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીને આધારે કણકોટ રોડ પર સાશ્વત પાર્ટી પ્લોટ સામે આવેલા એક મકાનમાં દરોડો પાડી   મકાનમાંથી તેમજ બહાર પાર્ક કરેલી એકસયુવી કારમાંથી કુલ રૂ. ૧,૩૩,૮૧૦નો રૂ. ૧૯૬ બોટલ દારૂ કબ્જે કરી સુરતના બે શખ્સ તથા રાજકોટ રહેતાં એક શખ્સ મળી ત્રણને ઝડપી લઇ કુલ રૂ. ૧૧,૪૩,૮૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સુભાષભાઇ ભરવાડ, ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ. દેવાભાઇ ધરજીયાને બાતમી મળી હતી કે કણકોટ રોડ પર સાશ્વત પાર્ટી પ્લોટ સામે આવેલા મનોજ હરિભાઇ જાદવના મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો છે. આ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં મનોજ હાજર નહોતો. પણ બીજા ત્રણ શખ્સો મળી આવ્યા હતાં.

પુછતાછમાં પોતાના નામ બનેસંગ ઉર્ફ ભગત જોરસંગભાઇ ઘેલડા (ઉ.વ.૪૨-રહે. ૨૦૪-સ્ટાર ગાર્ડન, વરીયાવ સુરત મુળ રણીયાળા તા. ગઢડા સ્વામીના-બોટાદ), સુનિલ શંકરલાલ પટેલ (ઉ.૩૯-રહે. ઇ-૩૦૧, મંગલમ્ પાર્ક, ડીંડોલી સુરત મુળ વતન મોટપ તા. બેચરાજી જી. મહેસાણા) અને સંજય જોરસંગભાઇ ઘેલડા (ઉ.૪૭-રહે. કોઠારીયા રોડ, રામ પાર્ક-૩) જણાવતાં ત્રણેયને પકડી લેવાયા હતાં. ઘરમાંથી તથા બહાર પાર્ક કરેલી મહિન્દ્રા એકસયુવી કાર જીજે૧૫સીએફ-૯૩૯૫માંથી રૂ. ૧,૩૩,૮૧૦નો ૧૯૬ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેમાં સિગ્નેચર, બ્લેન્ડર્સ પ્રાઇડ, મેકનટોસ સિલ્વર એડિશન, મેજીક મૂમેન્ટ સહિતની બ્રાન્ડની વ્હીસ્કી અને વોડકાનો જથ્થો હતો. દારૂ, ત્રણ મોબાઇલ ફોન અને કાર મળી ૧૧,૪૩,૮૧૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

તપાસમાં ખુલ્યા મુજબ બનેસંગ ઉર્ફ ભગત અગાઉ રાજકોટ ડીસીબી અને વાંકાનેરમાં દારૂના ગુનામાં તથા સુનિલ પટેલ સુરતમાં દારૂના દારૂના ગુનામાં પકડાયાનું અને એક વખત પાસામાં જઇ આવ્યાનું ખુલ્યું હતું.

બનેસંગ અને સુનિલ દમણથી દારૂ ભરીને રાજકોટ લાવ્યા હતાં. બનેસંગનો સગો ભાઇ સંજય ઘેલડા રાજકોટ રહે છે. તે કણકોટના મકાને હાજર હતો. બનેસંગ અને સુનિલે પોતે જે એકસયુવી કાર લઇને આવ્યા તે કારમાં દરેક સીટમાં પગ રાખવાની જગ્યા પાસે ખાંચા પાડી તેમાં ચોરખાના બનાવ્યા છે. જેથી કદીપણ દારૂમાં ગાડી પકડાય નહિ. પરંતુ આ વખતે પોલીસને ચોક્કસ બાતમી મળી હોઇ આ કિમીયો નિષ્ફળ નીવડી ગયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના હેઠળ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ જેબલીાય, વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ભરવાડ, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા અને દેવાભાઇ ધરજીયાએ આ કામગીરી કરી હતી.

જે મકાનમાં દરોડો પાડવામાં આવ્યો એ મકાનનો માલિક મનોજ જાદવ હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ બનેસંગ અને સુનિલ દમણથી કોની પાસેથી દારૂ લાવ્યા? કેટલી વખત આ રીતે દારૂ લઇ આવ્યા? બનેસંગે ભાઇ સંજયની મદદથી રાજકોટમાં કોને કોને દારૂ આપ્યો? કે આપવાનો હતો? એ સહિતના મુદ્દે વિશેષ તપાસ કરવાની હોઇ ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:17 pm IST)