Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સિવિલમાં હવે રોજ ૫૦ હજાર લીટર ઓકિસજન મળશે

૨૦ હજાર લીટરની વધુ એક ટેન્ક ઓકિસજન સપ્લાય માટે આજથી શરૂ કરાઇ

રાજકોટ તા. ૨૨:  કોરોનાની  સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ છે. જેના ભાગરૂપે રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની વધુ એક ટેન્ક ઓકિસજન સપ્લાય માટે તૈયાર કરવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો આપતાં ડો. જે.કે.નથવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ૧૦ હજાર અને ૨૦ હજાર લીટર ક્ષમતાની બે ઓકિસજન ટેન્ક  કાર્યરત છે. તદુપરાંત, કલેકટરશ્રી રેમ્યા મોહનની સુચના મુજબ કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાના દૂરંદેશી આયોજનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટર ક્ષમતાની વધુ એક ઓકિસજન ટેન્કના ઇન્સ્ટોલેશનનું કામ પૂર્ણતાના આરે છે, જે સંભવતઃ આવતી કાલથી શરૂ થઇ જશે. આમ, કોરોનાના દર્દીઓને દૈનિક ૫૦ હજાર લીટર ઓકિસજન પુરો પાડવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ તમામ રીતે સક્ષમ છે, તેમ ડો. નથવાણીએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઓકિસજન ઉપરાંત કોરોનાની સારવાર સંદર્ભની અન્ય વ્યવસ્થાઓ પણ કાર્યરત કરાઇ રહી છે, જેથી કોરોનાની ગંભીર પરિસ્થિતિનો સામનો કરવામાં જનસામાન્યને કોઇ પ્રકારની તકલીફ ન રહે.

(4:13 pm IST)