Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ચીનના કદરૂપા ચહેરાને દુનિયા સામે ઉઘાડો પાડનાર

ભારતીય મૂળની પત્રકાર મેઘા રાજગોપાલન ને મળ્યો સર્વશ્રેષ્ઠ પુલિત્ઝર એવોર્ડ

ભારતીય મૂળના નીલ બેદીનું પણ આ વર્ષે પુલિત્ઝર એવોર્ડ થી સન્માન કરાયું : ચીનમાં ઉઇગુર મુસ્લિમોને યાતના આપવા બનાવાયેલા વિશાળ ડેસ્ટીનેશન કેમ્પોનો સેટેલાઇટથી પર્દાફાશ કરી ચીનની પોલ ખોલવા બદલ મેઘા રાજાગોપાલનને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર : પશ્ચિમ ચીનમાં ઉઇગુર મુસ્લિમોની અટકાયત શિબિર શોધી અને મુલાકાત લેનારી તે પહેલી પત્રકાર હતી જેના માટે તેમને હ્યુમન રાઇટ્સ પ્રેસ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા : અંગ્રેજી ઉપરાંત તમિલ અને મેન્ડરિન ચાઇનીઝ ભાષાની જાણકાર મેઘા એશિયા અને મધ્ય પૂર્વના ૨૩ દેશોમાં રીપોર્ટીંગ કરી ચૂકી છે : ચીન દ્વારા મેઘાને પરેશાન કરવાનો પ્રયાસ કરાયો પણ તેણી ઝુકી નહીં : નીલ બેદીએ તેના રીપોર્ટીંગમાં બાળકોની તસ્કરી અંગે ઘટસ્ફોટ કરતી માહિતી પ્રસિદ્ધ કરી હતી

પત્રકારત્વ એટલે સમાજનો ચોથો સ્તંભ. દેશ અને દુનિયાના દરેક ખુણેથી ખબરો શોધી સમાજ સુધી પહોંચાડવાનું પડકારજનક કામ કરે છે પત્રકારો. કલમ, કાગળ અને હવે તો કેમેરા થકી પણ પોતાની તાકાત વડે તે સમાચારોને ઉજાગર કરી લોકો સુધી પહોંચાડવાનું ખુબ હિંમત ભર્યું કામ કરે છે. સ્વાભાવિક છે કે સમાચારોની દુનિયાના આવા જાબાંઝ પત્રકારોનું સન્માન પણ થવું જ જોઇએ જે કામ વર્ષોથી કરે છ ''પુલિત્ઝર એવોડ''. ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમ દ્વારા છેલ્લા ૧૦૫ વર્ષથી પત્રકારત્વની વિવિધ કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ આપી પત્રકારોને સન્માનિત કરાય છે. તેમાં પણ ખાસ આ વખતે આપણા માટે ગર્વની વાત છે કારણ આ વર્ષે જે પત્રકારોનું સન્માન કરાયું તેમાં બે ભારતીય પત્રકારોને પણ સન્માનિત કરાયા. મૂળ ભારતીય પત્રકાર ''મેઘા રાજગોપાલન'' અને નીલ બેદીને અમેરિકાનો ટોપ જર્નાલિઝમ સમ્માન 'પુલિત્ઝર'  એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી ચીનનો ભયંકર ચહેરો છતો કરનાર મેઘા રાજગોપાલન અને બાળકોની તસ્કરી મુદ્દે લખનાર નીલ બેદી ને આ સન્માન અપાયું. ભારતીય મૂળના આ બે જાબાંઝ પત્રકારોએ છે કોણ અને એવું તે તેઓએ શું કામ કર્યું? આવો જાણીએ.

ભારતીય મૂળના યુવા પત્રકાર મેઘા રાજાગોપાલાને  પોતાના ઈનોવેટીવ ઈન્વેસ્ટીગેટીવ રિપોર્ટ મારફતે ચીનમાં ઉઈગુર મુસ્લિમો તથા અન્ય લઘુમતિઓને કેદ રાખવા માટે તૈયાર કરવામાં આવેલા ડિટેન્શન કેમ્પોની હકીકતોને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ચીન દ્વારા ઉઇગુર મુસ્લિમોને સભ્ય બનાવવાના નામે અટકાયત શિબિરમાં કરેલી તેઓની હાલતનો પર્દાફાશ કર્યો છે. મેઘા દ્વારા ચીન જેવા દેશના સત્યને દુનિયા સમક્ષ લાવવામાં જે હિંમત બતાવી તેની પ્રશંસા આખા વિશ્વમાં કરવામાં આવી રહી છે.

લંડનમાં સ્થિત મેઘા રાજાગોપલાન ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય પત્રકાર છે. તે વાઝફિડ ન્યૂઝ સાથે સંકળાયેલી છે અને ખૂબ જ નાની ઉંમરે તેણીએ પત્રકારત્વને કારણે પુલિત્ઝર પ્રાઇઝ પહેલા પણ ઘણા એવોર્ડ જીત્યા છે. તે હાલમાં ચીન અને થાઇલેન્ડ તેમજ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના બઝફિડ ન્યૂઝ માટે રિપોર્ટ કરે છે. આ પહેલા તે ચીનમાં આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સની પોલિટિકલ કોરસપોન્ડન્ટ રહી ચૂકી છે. આટલા ટૂંકા સમયમાં પત્રકારત્વની દુનિયામાં તેણે જે હાંસલ કર્યું છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે એશિયા અને મધ્ય પૂર્વના ૨૩ દેશોમાં રીપોર્ટીંગ કરી ચૂકી છે. તેણીના રીપોર્ટીંગમાં ઉત્તર કોરિયાના પરમાણુ સંકટથી લઈને અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા સુધીનો સમાવેશ થાય છે.

ભારતીય માતાપિતાના પુત્રી મેઘા રાજાગોપલાને તેનું બાળપણ યુએસમાં વોશિંગ્ટન ડીસી નજીક મેરીલેન્ડમાં વિતાવ્યું હતું. મેઘા પહેલા તેના પરિવારના કોઈ સભ્ય મીડિયામાં નહતા, પરંતુ તેની કારકિર્દીમાં તેણીને પરિવાર તરફથી એટલો સપોર્ટ મળ્યો છે કે તે આજે આ તબક્કે પહોંચી ગઈ છે. દક્ષિણ ભારતમાં જન્મેલી ભારતીય-અમેરિકન મેઘા રાજગોપાલાન માત્ર ૨૯ વર્ષની છે અને તે અંગ્રેજી ઉપરાંત તમિલ અને મેન્ડરિન ચાઇનીઝ ભાષા પણ સારી રીતે જાણે છે. તેણીએ ૨૦૦૮ માં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડની ફિલિપ મેરિલ કોલેજમાંથી પત્રકારત્વ કર્યું હતું. પત્રકારત્વ સિવાય તેને સંગીત માં ખુબજ રસ છે. તેણીના ટ્વિટર પર ૪૭.૨ હજાર ફોલોઅર્સ છે અને હાલમાં તે બઝફિડ ન્યૂઝની સિનિયર સંવાદદાતા છે. ભૂતકાળમાં મેઘાને ઘણા એવોર્ડ મળ્યા છે. તેને પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી મોટો એવોર્ડ ગણાતા પુલિત્ઝર ઉપરાંત ૨૦૧૮ માં હ્યુમન રાઇટ્સ પ્રેસ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પશ્ચિમ ચીનમાં ઉઇગુર મુસ્લિમોની અટકાયત શિબિર શોધી અને મુલાકાત લેનારી તે પહેલી પત્રકાર હતી જેના માટે તેમને હ્યુમન રાઇટ્સ પ્રેસ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે તેમને 'મિરર એવોર્ડ' ફેસબુક અને શ્રીલંકામાં ધાર્મિક હિંસાની લિંક ને લઇ ઇન્વેસ્ટીગેશન પત્રકારત્વ માટે આપવામાં આવ્યો હતો. તે બેઇજિંગમાં ફુલબ્રાઇટ ફેલો અને વોશિંગ્ટન ડી.એસ. માં ન્યુ અમેરિકા ફાઉન્ડેશનમાં રિસર્ચ ફેલો રહી ચૂકી છે. ૨૦૧૯ માં એશિયાના ૨૧ યંગ લીડર તરીકે પણ તેણીને પસંદ કરવામાં આવ્યા છે.

ચીનના ઝિંજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો માટે બનાવાયેલા વિશાળ ડેસ્ટીનેશન કેમ્પોનો પર્દાફાશ કરવા અને મુસ્લિમો પર ચીનની પોલ ખોલવા બદલ મેઘા રાજાગોપલાનને પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરાયો છે. ચીને ગુપ્ત રીતે ત્યાં સેંકડો કેમ્પ બનાવ્યા છે, જ્યાં ઉઇગુર મુસ્લિમો પર વિવિધ પ્રકારના ત્રાસ આપવાના અહેવાલો પ્રાપ્ત થયા છે અને ચીન તેનો ઇનકાર કરી રહ્યું છે. આ કેમ્પમાં લાખો ઉઇગુર મુસ્લિમોને કેદમાં રાખવામાં આવ્યા છે, જેને ચાઇના તેમને સભ્ય બનાવવાની કવાયત તરીકે વર્ણવી રહ્યું છે. પરંતુ, મેઘાએ પોતાના અહેવાલમાં સેટેલાઇટ છબીઓનું વિશ્લેષણ કરીને ચીનને ખુલ્લું પાડ્યું છે અને કેવી રીતે લાખો ઉઇગુર મુસ્લિમોને ત્યાં પ્રાણીઓની જેમ ત્રાસ આપવામાં આવે છે તે સાબિત કર્યું છે. મેઘા રાજગોપાલનને સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી ચીનના કદરૂપા ચહેરાને દુનિયા સામે ઉઘાડો પાડવાનું માનવતાલક્ષી કામ કર્યું હતું. તેમણે પોતાના અહેવાલમાં ચીનના કોન્સ્ટ્રેશન કેમ્પોમાં રહેતા ઉઈગુર મુસ્લિમોની દશાની વિગતો રજૂ કરી હતી. આ માટે રાજગોપાલને અગાઉ રિપોર્ટીંગ માટે ચીનનો પ્રવાસ પણ કર્યો હતો, પરંતુ આ પ્રકારના સમાચારને પગલે તેની ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે પડોશી દેશ કઝાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેણે અગાઉ ડેસ્ટીનેશન સેન્ટરની સ્થિતિનો સામનો કરી ચુકેલા લોકોની મુલાકાત પણ લીધી હતી. ચાઇના વિરૂદ્ધ તેના નિર્ભય અહેવાલ માટે ચીન દ્વારા તેમને પરેશાન કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણીએ ઝુકવાનો ઇનકાર કર્યો હતો. તેણીએ ચીનમાં ઉઇગુર મુસ્લિમો પરના અત્યાચાર વિરૂદ્ધ શ્રેણીબદ્ધ અહેવાલનો મારો ચલાવ્યો હતો, જેના આધારે યુએસ અને બ્રિટને ઉઇગુર મુસ્લિમો પર ચીનના અત્યાચારને ''નરસંહાર'' ગણાવ્યો હતો.

જ્યારે ભારતીય મૂળના અન્ય એક પત્રકાર નિલ બેદીને પણ ''ટમ્પા બેય ટાઈમ્સ'' નામના અખબારમાં સંપાદકની સાથે ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરી માટેની સ્થાનિક રિપોર્ટીંગ કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ મેળવ્યો છે. તેમણે ફ્લોરિડામાં બાળકોની તસ્કરીને ટ્રેક કરવા માટે કાયદાનો અમલ કરાવનાર અધિકારી દ્વારા સત્તાનો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવે છે તે અંગે ઘટસ્ફોટ કરતી માહિતી પ્રસિદ્ધ કરી હતી. નીલ બેદીએ ફ્લોરિડામાં સરકારી અધિકારીઓના બાળકોની હેરાફેરી માટે ખોજી પત્રકારત્વ કર્યું હતું. જેમાં તેણે પોતાના રિર્પોટિંગમાં જોર શોરથી છોકરીઓની હેરાફેરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

કોલમ્બિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમ ખાતે પુલિત્ઝર બોર્ડ દ્વારા રજૂ કરાયેલ પુલિત્ઝર પ્રાઇઝનું આ ૧૦૫ મું વર્ષ છે. કોરોના મહામારીના કારણે આ અવોર્ડ વર્ચ્યુઅલ યોજાયા હતા. જેની તા.૧૧ ને શુક્રવારે ઘોષણા કરાઇ હતી. આ એવોર્ડ ને દર વર્ષે કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમના પુલિત્ઝર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે. ભારતીય મૂળના બે પત્રકારો મેઘા રાજગોપાલન અને નીલ બેદી ઉપરાંત આ એવોર્ડ જોર્જ ફ્લોયડના મામલા પર તૈયાર કરવામાં આવેલ ઘણાં રિપોર્ટને પણ મળ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ કેટેગરીમાં મિનિયા પોલિસ દ્વારા ફ્લોયડના મોતના મામલે કવરેજ બદલ ધ સ્ટાર ટ્રિબ્યૂનના સ્ટાફને સમ્માનિત કરાયો છે. ઈન્વેસ્ટિગેટિવ રિર્પોટિંગ કેટેગરીમાં ખતરનાક ટ્રક ડ્રાઈવરો મામલે જાણકારી આપવામાં રાજ્ય સરકારોની નિષ્ફળતા ઉજાગર કરનારા રિર્પોટિંગ માટે ધ બોસ્ટન ગ્લોબના મેટ રોશેલ્યૂ, વર્નલ કોલમેન, લૌરા ક્રિમાલ્ડી, ઈવાન એલન અને બ્રેંડન મેકાર્થીને સમ્માનિત કરવામાં આવ્યા છે. પુલિત્ઝરની વેબસાઈટ પર આ સમ્માનથી અલંકૃત તમામ વિજેતાઓની યાદી ઉપલબ્ધ છે. પુલિત્ઝર એવોર્ડ એ વિશ્વભરમાં પત્રકારિતા ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે. આપણા માટે ગર્વની વાત છે કે આ વખતે ભારતીય મૂળના બે પત્રકાર મેઘા રાજગોપાલન અને નિલ બેદી પુલિત્ઝર એવોર્ડ પ્રાપ્ત થયો છે.

  • જાણો.. પુલિત્ઝર એવોર્ડ શું છે?

પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વના ક્ષેત્રે ખૂબ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે અને તેની શરૂઆત ઇ.સ. ૧૯૧૭ માં થઈ હતી. પત્રકારત્વના ક્ષેત્રમાં મૂલ્યવાન ફાળો આપવા બદલ પુલિત્ઝર પ્રાઇઝ આપવામાં આવે છે. અગાઉ આ એવોર્ડની જાહેરાત ૧૯ એપ્રિલના રોજ થવાની હતી, પરંતુ કોવિડ અને અન્ય કારણોસર તે સમયે એવોર્ડ અટકી ગયો હતો. ગયા વર્ષે પણ કોવિડ ૧૯ ના કારણે વિજેતાઓની ઘોષણા ખુબ મોડી કરવામાં આવી હતી.

પુલિત્ઝર એ યુનાઇટેડ સ્ટેટ્સનો એક મોટો એવોર્ડ છે જે અખબારી પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત રચનાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનારાઓને આપવામાં આવે છે. તેની સ્થાપના હંગેરિયન-અમેરિકન પ્રકાશક જોસેફ પુલિત્ઝર દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં તેનું સંચાલન કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. આ એવોર્ડ એકવીસ કેટેગરીમાં વાર્ષિક ઇનામ રૂપે આપવામાં આવે છે. દરેક વિજેતાને પ્રમાણપત્ર અને યુએસ ૧૫,૦૦૦ ડોલર નું રોકડ પુરસ્કાર અપાય છે. ઉપરાંત જાહેર સેવા કેટેગરીમાં વિજેતા થનારને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવે છે.

  • પિતાએ મેઘાને ટ્વિટર પર આ રીતે પાઠવી શુભેચ્છા...

આ એવોર્ડ મળ્યા પછી, મેઘાને અભિનંદન આપવા તેના પિતા તરફથી પ્રાપ્ત કરેલા શુભેચ્છા સંદેશનો સ્ક્રીનશોટ તેણીએ ટ્વીટર પર શેર કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે પુત્રીની આટલી મોટી સફળતા અંગે ભારતીય પિતાની પ્રતિક્રિયા જુઓ - પિતાને સમાચાર મળતા લખ્યું હતું કે, 'અભિનંદન મેઘા. મમ્મીએ હમણાં જ મને પુલિત્ઝર એવોર્ડ ફોરવર્ડ કર્યો.. ખુબ સરસ.. અભિનંદન મેઘ... સામે મેઘાએ પણ પિતાને જવાબમાં 'થેન્કસ' લખ્યું હતું. મેઘાએ તેના પિતા સાથેની ચેટિંગનો સ્ક્રીનશોટ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભારતીય પિતાની પ્રતિક્રિયા સમજો. તેમનું આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેની પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:20 pm IST)