Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આલેલે... : મહિને દોઢ લાખના પગારવાળી પરીક્ષા નિયામકની જગ્‍યા માટે માત્ર એક જ ઉમેદવાર આવ્‍યા : નિલેશ સોની પસંદ

કુલ ૨૨ અરજી આવી તેમાં ૬ માન્‍ય - એક ગેરલાયક - કાર્યકારી નિયામક નિલેશ સોની ઉપર સિન્‍ડીકેટે પસંદગી ઉતારી : કાલે નિમણૂંક પત્ર અપાશે : તાબડતોબ સિન્‍ડીકેટની બેઠક મળી : ૨૦ મિનિટમાં નિલેશ સોનીનું નામ ફાઇનલ કરી મંજૂરી આપી

રાજકોટ તા. ૨૧ : હાલ સરકારમાં એક જગ્‍યા ઉપર ભરતી કરવાનું હોય ત્‍યારે હજારોની સંખ્‍યામાં ઉમેદવારો ઉમટી પડતા હોય છે પરંતુ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વર્તમાન શૈક્ષણિક વહિવટી તંત્ર સાવ તળિયે ગયું છે. દોઢ લાખ અને પોણા બે લાખના મહિને પગારવાળી માભાદાર જગ્‍યા માટે કોઇ આવવા રાજી થતું નથી. બી-ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ગઇકાલ બાદ આજે પણ દયાજનક સ્‍થિતિ ઉત્‍પન્‍ન થઇ છે.
ગઇકાલે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની નંબર-૧ વહિવટી પદ ગણાતું કુલસચિવ (રજીસ્‍ટ્રાર)ની ભરતી માટે ઇન્‍ટરવ્‍યૂ યોજાયા હતા. જેમાં કુલ ૨૫ અરજી આવી હતી, ૯ માન્‍ય રહી હતી, એક ગેરલાયક રહી હતી. કુલ આઠ મુરતીયા ઇન્‍ટરવ્‍યૂ આવવાના હતા પરંતુ માત્ર બે જ આવ્‍યા.
આજે મહિને દોઢ લાખના પગારવાળી પરિક્ષા નિયામકની જગ્‍યા માટે ઇન્‍ટરવ્‍યૂ ગોઠવાયા હતા. જેમાં કુલ ૨૨ અરજી આવી હતી, જેમાંથી ૬ અરજી માન્‍ય રહી હતી, એક અરજી અમાન્‍ય રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે પરિક્ષા નિયામક અને રજીસ્‍ટ્રાર પદ માટે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અધિકારી જી. કે. જોષી બંને પદ માટે લાયકાત ધરાવતા હોય પરંતુ અગાઉ તેની સામે ગેરરીતીની ફરિયાદ હોય પસંદગી સમિતિએ તેમને ઇન્‍ટરવ્‍યૂ માટે લાયક ગણ્‍યા ન હતા.
આજે પરીક્ષા નિયામકના ઇન્‍ટરવ્‍યુમાં માત્ર એક જ ઉમેદવાર શ્રી નિલેશ સોની સિન્‍ડીકેટ સમક્ષ હાજર થયા હતા. ૩૦ મીનીટ સુધી ચાલેલા આ ઇન્‍ટરવ્‍યૂમાં અન્‍ય કોઇ મૂરતીયાઓ ન આવતા સિન્‍ડીકેટે નિલેશ સોનીની પસંદગી કરી છે. નિલેશ સોની હાલ કાર્યકારી પરીક્ષા નિયામકનો છેલ્લા ત્રણ વર્ષથી કાર્યભાર સારી રીતે સંભાળી રહ્યા છે.

 

(4:03 pm IST)