Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કાલે સ્‍વ.આપાભાઈ ગઢવી (કવિ ‘આપ')ની ૨૮મી પૂણ્‍યતિથિઃ સ્‍મૃતિ વિશેષ ‘સંભારણાં' કાર્યક્રમ

રાજકોટઃ ગુજરાતના ગામડે ગામડે અને પ્રદેશ- રાજયના સીમડા વળોટી દેશ- પરદેશ જેની કૃતિઓ ગુંજે છે, લોકસાહિત્‍ય, ચારણી સાહિત્‍ય, આકાશવાણી, દુરદર્શન, સીનેમા- નાટય, જાહેરલોક મંચ અને સંચાર માધ્‍યમમાં દ્રશ્‍ય શ્રાવ્‍ય અને ધ્‍વનિમુદ્રિત સાહિત્‍ય સંગીત ક્ષેત્રે જેનું આગવું અને અનેરું પ્રદાન રહ્યું છે અને જેમના અનેક ગીત, ગઝલ, ભજન, દોહા- છંદ, લોકવાર્તા, સંગીતરૂપક, રેડિયો નાટક, કથા- પટકથા, સંવાદ, સંગીત, સ્‍વરાંકન આજે પણ લોકોના હૈયે- હોઠે વસે છે એવા સૌરાષ્‍ટ્રના જાણીતા કવિ, લેખક, ગાયક, વકતા, સ્‍વરકાર- સંગીતકાર સ્‍વ.આપાભાઈ ગઢવી (કવિ ‘આપ')ની ૨૮મી પૂણ્‍યતિથિ આતવીકાલે ૨૩ જૂન ગુરૂવારે રાત્રે ૮:૩૦ કલાકે, કવિ આપ સ્‍મૃતિ વિશેષ ‘સંભારણા' કાર્યક્રમ, કવિ આપ પરિવાર દ્વારા યોજાનાર છે. જેને સરગમ કલબ દ્વારા હેમુ ગઢવી નાયટગૃહનો સ્‍થળ સહયોગ સાંપડેલ છે.
કાગળિયા લખી લખી થાકી, કરેલા કરમના બદલા દેવા પડે, ઝૂંપડીએ કોક તો જાજો, મોગલ છેડતાં કાળો નાગ, પ્રીતું રે કરીને અમે ઘણું પછતાણાં, માનવ નડે છે માનવીને મોટા થયા પછી, હે માનવ વિશ્વાસ કરી લે, તમોને મુબારક તમારી અમીરી, કોઈ માટેલ જઈને માનવો મારી બેનું રે જેવી અનેક અમર કૃતિના રચયિતા સ્‍વ.આપાભાઈ ગઢવીની (કવિ ‘આપ')ની પુણ્‍ય સ્‍મૃતિમાં પ્રતિ વર્ષ કવિ ‘આપ' પરિવાર દ્વારા ‘સંભારણાં' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્‍ટ્ર- ગુજરાતના નામિ લોકગાયકો, ભજનિકો, લોક- ચારણી સાહિત્‍યવિદ્‌ વકતાઓ રહી સ્‍વ.કવિના કવન, કથન, સર્જન, સૂર, શબ્‍દ અને સંગીત સ્‍વરાંકનના સળંગ પ્રસ્‍તુતિકરણ દ્વારા સાદર શ્રધ્‍ધાસુમન અર્પણ કરે છે. જે આ પ્રકારના કાર્યક્રમનું સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ યશ ગૌરવ ધરાવે છે. છેલ્લાં ૨૮ વર્ષથી સ્‍વ.આપાભાઈ ગઢવીની (કવિ ‘આપ')નો પરિવાર નિર્વ્‍યાજ ભાવે, કોઈપણ જાતના વ્‍યવસાયિક અભિગમથી પર રહી એમની સ્‍મૃતિમાં પ્રતિવર્ષ આ ‘સંભારણા' કાર્યક્રમ યોજે છે.
હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા, અનુભા ગઢવી, પૂનમ ગોંડલિયા, બિરજુ બારોટ આદિ કલાકાર ગણ શબ્‍બિર ઉસ્‍તાદ, બાલા ઉસ્‍તાદ, બળવંત ગોસાઈ, અભય વ્‍યાસ, શ્‍યામ- કાનજી પરમાર આદિની સૂરીલી સાઝ સંગતે પ્રસ્‍તુત થવા જનાર આ વર્ષના કવિ ‘આપ' સ્‍મૃતિ વિશેષ ‘સંભારણાં' કાર્યક્રમમાં હાજર રહેવા, સ્‍વ.કવિના ચાહકો- અભિભાવકો અને પ્રશંસકો ઉપરાંત સર્વે સાહિત્‍ય અને કલારસિક શ્રોતાગણને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
કર્ણાટકના ભૂ.રાજયપાલ શ્રી વજુભાઈ વાળા, લોકસાહિત્‍ય પરિવાર- ગાંધીનગરના બાબુભાઈ મેઘજીભાઈ શાહ સહ સૌ સુજ્ઞ સાહિત્‍ય પરક ઉપસ્‍થિતિ, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળાનું હેમુગઢવી નાટયગૃહનું સ્‍થળ સંયોજન અને કવિ આપ પરીવારનું આયોજન અન્‍યવેના પ્રસ્‍તુત કવિ આપ સ્‍મૃતિ વિશેષ ‘સંભારણાં' કાર્યક્રમ અંતર્ગત હેમુ ગઢવી નાટયગૃહના નિયત ટાઈમ શેડયુઅલ અનુસાર કાર્યક્રમો વ્‍હેલો શરૂ કરવાનો હોઈ બેઠક વ્‍યવસ્‍થા વ્‍હેલા તે પહેલાના ધોરણે સમયસર સ્‍થાન મેળવવાનું યાદીમાં જણાવાયું છે.

 

(10:34 am IST)