Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બાળકને તેની ક્ષમતા મૂજબ અધ્‍યાપન કરાવોઃ ડો.મહેન્‍દ્રભાઈ ચોટલીયા

સીસ્‍ટર નિવેદીતા સંકુલમાં યોજાયો શિક્ષક અભિમૂખતા કાર્યક્રમ

રાજકોટ,તા.૨૨: સિસ્‍ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના ઉપક્રમે દરેક શૈક્ષણિક વર્ષના બન્‍ને સત્રનાસ સત્રારંભે, તેમજ સત્રાંતે શિક્ષકો માટે શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને પ્રવિધિઓથી માહિતગાર કરવા શિક્ષણ અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઉપક્રમના અન્‍વયે શૈક્ષણિક વર્ષ- ૨૦૨૨-૨૦૨૩ના સત્રારંભે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત બે કેળવણીકારો સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના શિક્ષણ વિદ્યાશાખાના પૂર્વ ડીન ડો.મહેન્‍દ્રભાઈ ચોટલિયા અને યુ.એસ.એ. સ્‍થિત કેન્‍સાસ  સ્‍ટેટ યુનિવર્સિટીના ધી કોલેજ ઓફ આર્કિટેકટના પ્રોફે. વિભાવરીબહેનના માર્ગદર્શન હેઠળ શિક્ષણ અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

મહેન્‍દ્રભાઈએ ‘ઘડતર નહીં, પણ ઊઘડતર'  વિષય પર વકતવ્‍ય આપતા જણાવ્‍યું કે ઉત્‍ક્રાંતિના ક્રમમાં જો કોઈ ચોપગે ચાલતા પ્રાણીએ પ્રથમ વખત બે પગે ઊભા થઈને ચાલવાનો પ્રયત્‍ન ન કર્યો હોત તો આજે પણ આપણે ચારપગે જ ચાલતા હોત. આ પ્રાણીએ જયારે પ્રથમ પ્રયત્‍ન કર્યો હશે. ત્‍યારે તેને ભય પણ બતાવવામાં આવ્‍યો હશે અને વડીલોએ વિરોધ પણ કર્યો હશે. આપણે પણ શિક્ષણમાં ચીલો ચીતરીને ચાલવાનું વડીલો નવી વાતો જલ્‍દીથી સ્‍વીકારી શકતાં નથી, જયારે બાળકો નવી વાતો જલ્‍દીથી સ્‍વીકારી લે છે. આપણી શિક્ષણ વ્‍યવસ્‍થામાં બધા બાળકો માટે એકસરખા અભ્‍યાસક્રમોનું આયોજન થયેલું છે. દરેક બાળકની ક્ષમતાઓ અલગ- અલગ હોય છે, તેને સ્‍વીકારીને અધ્‍યાપન કરાવવું જોઈએ.

શિક્ષક અભિમુખતા વર્ગના બીજા વકતા તરીકે પ્રોફે.વિભાવરીબહેન જાનીએ ‘હાઉ ટુ અસીસ્‍ટ સ્‍ટુડન્‍ટ્‍સ ઈન અચીવિંગ હેપ્‍પીનેસ એન્‍ડ વેલ બીન્‍ગ'ના વિષય પર પોતાનું વકતવ્‍ય આપતાં જણાવ્‍યું કે શિક્ષણનો હેતુ બાળકને ભણવાનો આનંદ આપવાનો છે. આનંદિત રહેવું તે વ્‍યકિતના પોતાના હાથની વાત છે. પોતાની જાતની સાથે સાયુજય હોય તો આંતરિક આનંદ પ્રાપ્‍ત થાય છે. ગણતર અને ભણતર વચ્‍ચે તફાવત છે. માર્ક મેળવવાની દોડ તે ભણતર છે અને તેનાથી આનંદ છીનવાઈ જાય છે. અંતમાં તેઓશ્રીએ જણાવ્‍યું કે સુખી થવા માટે પરિસ્‍થિતિને સાપેક્ષ ભાવે જોતા શીખો. મગજ શાંત રાખો અને ધ્‍યાન તેમજ ઊંડા શ્વાસોચ્‍છવાસ લેવાનો પ્રયોગ કરો.

શિક્ષક અભિમુખતા કાર્યક્રમમાં સંસ્‍થાના સંસ્‍થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને ગુલાબભાઈ જાનીની ઉપસ્‍થિતિમાં ત્રીસ જેટલી ગ્રામીણ શાળાઓના શિક્ષકો અને સિસ્‍ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલના શિક્ષકો સહિત ૭૦ જેટલાં અભિભાવકો ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમના ભાગરૂપે શૈક્ષણિક પ્રશ્નોતરી રાખવામાં આવેલ, જેના તજજ્ઞો દ્વારા વિસ્‍તૃત, તેમજ માહિતીસભર પ્રત્‍યુતર આપવામાં આવેલ.

(3:09 pm IST)