Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સિવિલ હોસ્‍પિટલમાં તાણ આંચકીના નિદાન-સારવારના કેમ્‍પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધોઃ કાલિકટના નિષ્‍ણાંત તબિબની હાજરી

મિશન બેટર ટુમોરો અન્‍વયે કોવિડ બિલ્‍ડીંગમાં યોજાયેલા કેમ્‍પનું કલેક્‍ટરે ઉદ્દઘાટન કર્યુઃ કો-ઓર્ડિનેટર રાજેશ નાંબિયારની ઉપસ્‍થિતિ : કાલિકટનું એસ્‍ટર મિમ્‍સ તાણ આંચકીની સારવારનું ભારતભરમાં જાણીતું કેન્‍દ્ર છેઃ જરૂરિયાતમંદ દર્દીને કાલિકટ ખાતે વિનામુલ્‍યે ઓપરેશન કરી અપાશેઃ ડીન ડો. કે. જે. વિઠ્ઠલાણી, આરએમઓ ડો. એમ.સી. ચાવડા અને ટીમનું સફળ આયોજન : મિશન બેટર ટુમોરો બિન રાજકિય સંસ્‍થાઃ જેનું સંચાલન કેરલના ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ પી. વિજયન કરે છે

તાણ આંચકીના દર્દીઓ માટે સિવિલ હોસ્‍પિટલમાં ભારતની વિખ્‍યાત એસ્‍ટર મિમ્‍સ સંસ્‍થાના સહયોગથી ખાસ કેમ્‍પ યોજાયો હતો. જેનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો હતો. કલેક્‍ટરશ્રી અને મિમ્‍સના તબિબ ડો. વાણીશ્રી શશીધરણે કેમ્‍પનું ઉદ્દઘાટન કર્યુ હતું. (ફોટોઃ અશોક બગથરીયા) 

રાજકોટ તા. ૨૨: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ ખાતે પીએમએસએસવાય (કોવિડ બિલ્‍ડીંગ) ખાતે આજે તાણ આંચકીના રોગમાં નિદાન-સારવાર કેમ્‍પનું આયોજનકરાયું હતું. મિશન બેટર ટુમોરો અંતર્ગત કાલિકટની એસ્‍ટર મિમ્‍સ નામની NABHનું એક્રિડિએશન ધરાવતી હોસ્‍પિટલના સહકારથી કરવામાં આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામાં આવા રોગના દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્‍પમાં કલેક્‍ટરશ્રી અરૂણ મહેશબાબુ તથા એસ્‍ટર મિમ્‍સ હોસ્‍પિટલના તબિબ ડો. વાણીશ્રી શશીધરણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ કેમ્‍પમાં બાળકો સહિત ૩૫૦ જેટલા તાણ આંચકીના દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી જેને ઓપરેશનની જરૂર હશે તેવા દર્દીઓને એક સગા સાથે વિનામુલ્‍યે કાલિકટ ખાતે લઇ જવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

મિશન બેટર ટુમોરો એ બિન રાજકિય સંસ્‍થા છે અને કેરલા રાજ્‍યના ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસશ્રી પી. વિજયન દ્વારા ચલાવવામાં આવે છે. જેનો મુખ્‍ય હેતુ વિવિધ પગલાઓ દ્વારા લોકોની સુખાકારી અને જીવન ધોરણ ઉંચુ આવે તે માટે પગલાઓ લેવાનો છે. એસ્‍ટર મિમ્‍સ એ ભારતનું તાણ આંચકીની સારવાર કરતું ખુબ જાણીતું ઇન્‍સ્‍ટીટયુટ છે. જેમાં વર્લ્‍ડ ક્‍લાસ સારવાર તથા આંચકીમાં જરૂર પડયે સર્જરી દ્વારા પણ સારવાર કરવામાં આવે છે. એસ્‍ટર મિમ્‍સના ન્‍યુરો સાયન્‍સ વિભાગમાં આ માટેના પર્યાપ્ત સાધનો છે. સંસ્‍થા ખાતે પિડીયાટ્રીક એપીલેપ્‍સીનું પણ સ્‍ટેટ ઓફ ઇન્‍ફાસ્‍ટ્રક્‍ચર ઉપલબ્‍ધ છે.

મિશન બેટર ટુમોરો અને એસ્‍ટર મિમ્‍સના સંયુક્‍ત પ્રયાસથી ખાસ કરીને નાના બાળકોને થતી તાણ આંચકીની સારવાર માટે ખાસ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ માટે ‘સેકન્‍ડ લાઇફ-બીકોઝ લિટલ લાઇવ્‍સ મેટર' સ્‍લોગન હેઠળ ભારતભરમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. જે અન્‍વયે વિનામુલ્‍યે નિદાન,  સારવાર, દવાઓ વગેરે પીડીયુ મેડિકલ કોલેજના સહયોગથી આપવામાં આવ્‍યા છે. દર્દીને એસ્‍ટર મિમ્‍સના ન્‍યુરો સાયન્‍સ વિભાગના નિષ્‍ણાંત ડોક્‍ટર દ્વારા તપાસવામાં આવ્‍યા હતાં.

આ કેમ્‍પમાં તપાસમાં આવેલા દર્દીઓ પૈકી જેને જરૂર હોય તેને કાલિકટ મુકામે એસ્‍ટર મિમ્‍સ હોસ્‍પિટલમાં મિશન બેટર ટુમોરો સંસ્‍થાના સહયોગથી વિનામુલ્‍યે ઓપરેશન કરી આપવામાં આવશે.

કેમ્‍પના ઉદ્દઘાટન પ્રસંગે કલેક્‍ટરશ્રી અરૂણ મહેશબાબુ, એસ્‍ટર મિમ્‍સના ડો. વાણીશ્રી શશીધરણ, ગુજરાત રાજ્‍ય મિશન બેટર ટુમોરોના કો-ઓર્ડિનેટર રાજેશ નાંબિયાર, પીડીયુ મેડિકલ કોલેજના ડીન ડો. કે. જે. વિઠ્ઠલાણી, કાલિકટના શ્રીમતી રેશમા, ફરહાન યાસીન,નવકલ બસીર, પોૈલ જે. અલ્લપ્‍પટ, શ્ર લુકમાન, કેની રવીશ રાજીવ સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતાં. કલેક્‍ટરશ્રી  અરૂણ મહેશબાબુ અને રાજેશ નાંબિયારે પ્રાસંગીત પ્રવચન કર્યુ હતું. ડો. કે. જે. નથવાણીએ આભાર દર્શન કર્યુ હતું.

સિવિલ હોસ્‍પિટલના તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીની રાહબરીમાં આરએમઓ ડો. એમ. સી. ચાવડા, ડો. પંકજ બુચ, ડો. મોનાલી માકડીયા, ડો. અંકુર પાંચાણી, ડો. સચીન ભીમાણી, ડો. પ્રફુલ દુધરેજીયા, ડો. કલ્‍પેશ ચંદ્રાણી, ડો. અમિતા કાપડીયા, ડો. પૂજા વરૂ સહિતે કેમ્‍પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(3:10 pm IST)