Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગોકુલધામ આવાસ કવાર્ટરમાં વહેલી સવારે બુટલેગર હાર્દિક ઉર્ફ કવિ અને હકાની બઘડાટી

રિક્ષાચાલક યસ બકરાણીયા અને મયુરગીરીને ઇજાઃ યસે કહ્યું- પીવા બેઠા બાદ ડખ્ખો : કવિના દેશીના અડ્ડા પર અગાઉ સ્ટેટ વિજીલન્સે દરોડો પાડ્યો હતો

રાજકોટ તા. ૨૨: ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં વહેલી સવારે પીવા બેઠેલા શખ્સો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં બે જણાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ બંને રજા લઇ જતાં રહ્યા હતાં. માથાકુટ કરનારામાં એક બૂટલેગર પણ હતો. જેને ત્યાં અગાઉ સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો પકડ્યો હતો.

ગોકુલધામ આવાસ કવાર્ટર બી-૧૪માં રહેતો યસ રસિકભાઇ બકરાણીયા (ઉ.૨૧) સવારે પોણા છએક વાગ્યે સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. પોતાને કવાર્ટરમાં કવિ, હકો સહિતે ઢીકાપાટુનો માર માર્યાનું કહ્યું હતું. જ્યારે ગોકુલધામ પાસે ગીતાંજલીમાં રહેતો મયુરગીરી હિતેષગીરી ગોસ્વામી (ઉ.૨૧) પણ સિવિલમાં દાખલ થયો હતો અને પોતાને પણ ગોકુલધામ કવાર્ટરમાં સવારે ચાર વાગ્યે મારકુટ થયાનું કહ્યું હતું. યસે કહ્યું હતું કે કવિ ઉર્ફ હાર્દિક બૂટલેગર છે અને હકો મુળી તેનો સાગ્રીત છે. પોતે તથા આ શખ્સો પીવા બેઠા હતાં ત્યારે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી.

ઉલ્લેખનિય છે કે હાર્દિક ઉર્ફ કવિના દેશી દારૂના અડ્ડા પર અગાઉ સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડી દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો પકડ્યા હતાં.

(3:13 pm IST)