Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

૧૩ ચોરીમાં સામેલ રીઢો તસ્કર પદીયો ચોરાઉ દાગીના વેંચવા નીકળતાં તાલુકા પોલીસે પકડ્યો

મવડી કૈલાસપાર્કમાં થયેલી ૯૫ હજારની ચોરીનો ભેદ ખુલ્યો : તમામ મુદ્દામાલ કબ્જેઃબાઇક લઇ બંધ મકાનની રેકી કરતો અને રાતે ત્રાટકતોઃ બે વખત પાસાની હવા પણ ખાઇ ચુકયો છેઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિતની ટીમે પકડ્યો એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા અને હરસુખભાઇ સબાડની બાતમી

રાજકોટ તા. ૨૨: અઠવાડીયા પહેલા મવડીના કૈલાસ પાર્ક-૪માં રહેતાં કારખાનેદાર રવિભાઇ નરેન્દ્રભાઇ કણસાગરાના બંધ મકાનમાંથી રોકડા ૧૭ હજાર, રૂા. ૭૩૫૦૦ના સોનાના દાગીનાઅને મોબાઇલ ફોન મળી રૂા. ૯૫૫૦૦ની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાંખી અગાઉ ચોરીના ૧૩ ગુનામાં સંડોવાઇ ચુકેલા રીઢા તસ્કર પ્રદિપ ઉર્ફ પદીયો કારૂભાઇ પઢારીયા (લુહાર) (ઉ.૨૨-રહે. ગુલાબનગર, ગોંડલ રોડ ચોકડી રોલેકસ પાસે)ને ચોરાઉ દાગીના વેંચવા નીકળ્યાની બાતમી પરથી પકડી લઇ ૭૩૫૦૦ના દાગીના, રોકડ અને મોબાઇલ મળી પુરેપુરો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ટીમ ગુનાનું ડિટેકશન કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ આર. બી. જાડેજા અને કોન્સ. હરસુખભાઇ સબાડ તથા ધર્મરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે ગુલાબનગરમાંરહેતાં પદિયા ઉર્ફ પ્રદિપ પાસે ચોરાઉ માલ છે અને તે બાઇક પર આ માલ વેંચવા નીકળ્યો છે. તેના આધારે તેને પકડી લઇ તલાસી લેતાં તેની પાસેથી સોનાના દાગીના,રોકડ, મોબાઇલ મળતાં આ અંગે વિસ્તૃત પુછતાછ કરતાં તેણે મવડી કૈલાસ પાર્કના મકાનમાં ચોરી કર્યાનું કબુલ્યું હતું.

ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં તેમજ સુરક્ષા કવચ એપ્લીકેશનમાં ટોપીરો, ગુનેગારોને ચકાસ્યા હતાં આ ઉપરાંત અગાઉ ચોરીઓમાં પકડાયેલા શખ્સો અંગે તપાસ કરી હતી. એ દરમિયાન પ્રદિપ ઉર્ફ પદીયાની બાતમી મળતાં તેને પકડી લેવાયો હતો.

પોલીસના કહેવા મુજબ આ શખ્સ એકલો જ બાઇક લઇ નીકળે છે અને બંધ મકાનોની રેકી કરી બાદમાં રાતે ડિસમીસથી તાળુ તોડી ઘરમાં ચોરી કરવાની આદત ધરાવે છે. અગાઉ તે જસદણ, રાજકોટ, ગોંડલમાં ચોરીઓના ૧૩ ગુનામાં અને જૂગારના બે ગુનામાં પકડાઇ ચુકયો છે. તેમજ બે વખત પાસાની હવા પણ ખાઇ ચુકયો છે. જામીન પર છુટી ફરીથી ચોરીના રવાડે ચડી ગયો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએઅસાઇ આર. બી. જાડેજા, જે. ડી. વાઘેલા, હેડકોન્સ. કિશનભાઇ પાંભર, કુલદિપસિંહ જાડેજા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, હરસુખભાઇ સબાડ, હર્ષરાજસિંહ જાડેજા, કુશલ જોષી સહિતે આ કામગીરી કરી હતી.

(3:19 pm IST)