Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કાલાવડ રોડ ક્રિસ્‍ટલ મોલ પાછળ એપાર્ટમેન્‍ટના ફલેટમાં ભીષણ આગઃ ત્રણ લાખનું નુકસાન

ફલેટ બંધ હોઇ, ફાયર બ્રિગેડ સ્‍ટાફે દરવાજો તોડી આગ બુઝાવીઃ આગમાં બેડરૂમનું ફર્નિચર, એસી અને મંદિર સહિતનો સામાન સળગી ગયાઃ મંદિરમાં દીવાના કારણે આગ લાગી

રાજકોટ તા. રરઃ કાલાવડ રોડ પર ક્રીસ્‍ટલ મોલની પાછળ આવેલ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે આવેલા ફલેટમાં એકાએક આગ લાગતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્‍ટલ મોલની પાછળ ર૪ કેરેટ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે આવેલા ફલેટમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફલેટમાંથી ધુમાડો નિકળતા જોઇ કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્‍ટાફના સ્‍ટેશન ઓફીસર વીગોરા, ફાયરમેન મુકેશભાઇ, હર્ષદભાઇ, સંદીપભાઇ, મહાવીરસિંહ, ચંદ્રકાંતભાઇ, અજયભાઇ સહિતે ફાયર ફાઇટર સાથે સ્‍થળ પર પહોંચી ગયા હતા. ફલેટનો દરવાજો તોડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ ફલેટના બેડરૂમમાં લાગી હતી. તેમાં ફર્નિચર, એસી. તથા લાકડાના કબાટની બાજુમાં મંદિર સહિતનો સામાન સળગી ગયો હતો. મંદિરમાં સળગતા દીવાના લીધે આગ લાગી હોવાનું અને તેમાં આશરે ત્રણ લાખનું નુકશાન થયું હોવાનું ફલેટના માલીક જાગૃતીબેન અનડકટે ફાયર બ્રિગેડના સ્‍ટાફને જણાવ્‍યું હતું.

(4:30 pm IST)